Most ODI Centuries vs New Zealand: ન્યૂઝીલેન્ડ સામે વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેનોનું પ્રભુત્વ હંમેશાં જોવા મળ્યું છે, પરંતુ આ યાદીમાં સૌથી ઉપર ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીનું નામ આવે છે. ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીએ ગૌતમ ગંભીર, સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા છે. શ્રેણીની પ્રથમ વનડે મેચમાં 74 રનની શાનદાર અને જવાબદારીભરી ઇનિંગ રમીને તેમણે ફરી એકવાર સાબિત કર્યું કે કિવી ટીમ સામે તેમનું બેટ કેટલું જોરદાર ચાલે છે. 37 ઇનિંગ્સમાં 7 સદી સાથે વિરાટ ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતના નંબર-1 બેટ્સમેન છે.
વિરાટ કોહલી (7 સદી)
ન્યૂઝીલેન્ડ સામે વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે નોંધાયેલો છે. તેમણે 2010થી 2026 દરમિયાન કિવી ટીમ સામે રમેલી 37 મેચની 37 ઇનિંગ્સમાં સૌથી વધુ 7 સદી ફટકારી છે. આ દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 154 રન રહ્યો છે. વિરાટે પોતાની સાતત્યપૂર્ણ અને શાનદાર બેટિંગના દમ પર ન્યૂઝીલેન્ડના બોલરો સામે હંમેશાં રન બનાવ્યા છે.
વીરેન્દ્ર સેહવાગ (6 સદી)
ભારતના ભૂતપૂર્વ આક્રમક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ આ યાદીમાં બીજા સ્થાને છે. સેહવાગે 2001થી 2010 દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે રમેલી 23 વનડે મેચની 23 ઇનિંગ્સમાં જ 6 શાનદાર સદી ફટકારી હતી. કિવી બોલરો સામે આક્રમક બેટિંગ કરવાની તેમની શૈલીને કારણે તેમનો સર્વોચ્ચ સ્કોર 130 રન રહ્યો હતો. ઓછી ઇનિંગ્સમાં વધુ સદી ફટકારવાના મામલે તેઓ ખૂબ જ ઘાતક સાબિત થયા હતા.
સચિન તેંડુલકર (5 સદી)
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન છે. તેમણે 1990થી 2009 સુધીની પોતાની લાંબી કારકિર્દીમાં કિવી ટીમ સામે 42 મેચની 41 ઇનિંગ્સમાં 5 સદી ફટકારી હતી. આ દરમિયાન સચિનનો સર્વોચ્ચ સ્કોર અણનમ 186 રન રહ્યો હતો, જેને ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ભારતીયનું અત્યંત યાદગાર પ્રદર્શન માનવામાં આવે છે.
સૌરવ ગાંગુલી (3 સદી)
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ડાબોડી બેટ્સમેન સૌરવ ગાંગુલી આ યાદીમાં ચોથા સ્થાને છે. ગાંગુલીએ 1997થી 2005 દરમિયાન ન્યૂઝીલેન્ડ સામે 32 મેચની 31 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 3 સદી ફટકારી હતી. આ દરમિયાન તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 153 રન રહ્યો હતો. તેમણે ટોપ ઓર્ડરમાં અનેક પ્રસંગોએ ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
ગૌતમ ગંભીર (2 સદી)
આ યાદીના ટોપ-5 બેટ્સમેનોમાં ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ છે. ગંભીરએ 2009થી 2010ના ટૂંકા સમયગાળામાં ન્યૂઝીલેન્ડ સામે રમેલી 10 વનડે મેચની માત્ર 9 ઇનિંગ્સમાં જ 2 સદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 138 રન રહ્યો હતો. ગંભીરએ ખૂબ ઓછી ઇનિંગ્સમાં શાનદાર સરેરાશથી રન બનાવીને આ ટોપ-5 યાદીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

