ઓલિમ્પિકમાં કોમેન્ટેટરની મહિલાઓ પરની ટિપ્પણીથી હોબાળો

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 29 : પેરિસ ઓલિમ્પિક 2024માં અમુક વિવાદ પણ થયા છે, જેમાં હવે બ્રિટિશ કોમેન્ટેટર બોબ બેલાર્ડે ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી ઉપર વાંધાજનક ટિપ્પણી કરી છે. જેને લઈને બેલાર્ડ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. આ વિવાદ સ્વિમિંગની ફ્રી સ્ટાઇલ રિલે મહિલા ટીમ ઇવેન્ટમાં થયો હતો. ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડી મોલી ઓકૈલાઘન, એમ્મા મેકકોન, મેગ હેરિસ અને શાયના જેકે શાનદાર પ્રદર્શન કરતાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓએ અમેરિકા અને ચીની ખેલાડીઓને પાછળ છોડયા હતા. ઇવેન્ટ બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ જીતની ઉજવણી કરી રહ્યા હતા અને દર્શકોનું અભિવાદન લઈ રહ્યા હતા, ત્યારે બોબે ખેલાડીઓ ઉપર ટિપ્પણી કરી હતી. બેલાર્ડે કહ્યું હતું કે, હજી ખેલાડીઓ ફિનિશ કરી રહ્યા છે. મહિલાઓ આવી જ હોય છે, જ્યાં ત્યાં ફરતી રહે છે અને મેકઅપ કરતી રહે છે.

olympic

- Advertisement -

કો-કોમેન્ટેટર અને બ્રિટિશ સ્વિમિંગ ચેમ્પિયન લિઝી સિમંડ્સે આ ટિપ્પણીને અપમાજનક ગણાવી હતી, જેના ઉપર બેલાર્ડ હસી પડયા હતા. આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી અને બાદમાં બ્રોડકાસ્ટર યુરો સ્પોર્ટ્સે બેલાર્ડને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવી દીધા હતા. હિજાબ મુદ્દે વિવાદ પેરિસ ઓલિમ્પિકની શરૂઆતે જ હિજાબને લઈને વિવાદ થયો હતો. વિવાદના કેન્દ્રમાં ફ્રાન્સની દોડવીર સોંકમ્બા સિલ્લા રહી હતી. જેને પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં હિજાબ પહેરીને આવવાની અનુમતિ નહોતી મળી હતી. જો કે, બાદમાં સોકમ્બા અને ફ્રેન્ચ ઓલિમ્પિક સમિતિ વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં ઉદ્ઘાટન સમારોહમાં વાળ ઢાંકવા અને કેપ પહેરીને ભાગ લેવાની અનુમતી મળી હતી.

Share This Article