Ranji Trophy 2026 Champion: રણજી ટ્રોફીની ફાઈનલ ડ્રો રહી, છતાં કેવી રીતે ચેમ્પિયન બની જમ્મુ-કાશ્મીરની ટીમ, જાણો નિયમો

Arati Parmar
2 Min Read

Ranji Trophy 2026 Champion: રણજી ટ્રોફી ૨૦૨૫-૨૬નો ખિતાબી મુકાબલો ડ્રોમાં પરિણમ્યો હતો. ટોસ જીત્યા બાદ જમ્મુ અને કાશ્મીરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં ૫૮૪ રન બનાવ્યા હતા. કર્ણાટકની ટીમ ૨૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરે બીજી ઇનિંગમાં ૪ વિકેટે ૩૪૨ રન બનાવ્યા હતા. આ મેચ ડ્રો થયા બાદ પણ જમ્મુ-કાશ્મીરની ટીમ રણજી ટ્રોફીની ચેમ્પિયન બની ગઈ હતી.

ડ્રો મેચમાં કેવી રીતે થયો ચેમ્પિયનનો નિર્ણય

રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ ફોર્મેટમાં રમાય છે. આમાં મેચ ડ્રો થવાની પૂરી સંભાવના હોય છે. ડ્રો થવાની સ્થિતિમાં BCCI ના નિયમ અનુસાર પ્રથમ ઇનિંગમાં લીડ (વધારો) મેળવનારી ટીમ ચેમ્પિયન બને છે. જમ્મુ અને કાશ્મીરે પ્રથમ ઇનિંગમાં ૨૯૧ રનની લીડ મેળવી હતી. તે સમયે જ નક્કી થઈ ગયું હતું કે જો મેચનું પરિણામ નહીં આવે તો જમ્મુ-કાશ્મીરના ખાતામાં રણજી ટ્રોફીનો ખિતાબ જશે.

- Advertisement -

કર્ણાટકની ટીમ ફોલોઓન બચાવી શકી નહીં. જમ્મુ અને કાશ્મીરે ફોલોઓન આપવાને બદલે ફરીથી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના ૫મા અને અંતિમ દિવસે જમ્મુ-કાશ્મીરે જ્યારે પોતાની બીજી ઇનિંગમાં ચાર વિકેટે ૩૪૨ રન બનાવ્યા હતા, ત્યારે બંને કેપ્ટન ડ્રો માટે સંમત થયા હતા.

બીજી ઇનિંગમાં કામરાન અને સાહિલે ફટકારી સદી

જમ્મુ-કાશ્મીરે સવારે પોતાની બીજી ઇનિંગ ચાર વિકેટે ૧૮૬ રનથી આગળ વધારી હતી. કામરાન ઇકબાલ અને સાહિલ લોત્રાએ કર્ણાટકને એક પણ સફળતા મેળવવા દીધી ન હતી અને અણનમ સદી ફટકારી હતી. જ્યારે મેચ ડ્રો કરવા પર સહમતી બની ત્યારે સવારે પોતાની ઇનિંગ ૯૪ રનથી આગળ વધારનાર ઇકબાલ ૧૬૦ અને લોત્રા ૧૦૧ રન પર રમી રહ્યા હતા. લોત્રાએ સવારે પોતાની ઇનિંગ ૧૬ રનથી આગળ વધારી હતી. આ રીતે જમ્મુ-કાશ્મીરે પોતાની કુલ લીડ ૬૩૩ રન કરી દીધી હતી.

- Advertisement -

જમ્મુ-કાશ્મીરનું આ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ છે, જે આ ટીમ માટે ઐતિહાસિક સિદ્ધિ છે. જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફી જીતવા માટેની ૬૭ વર્ષની લાંબી રાહનો પણ અંત લાવ્યો છે.

Share This Article