Shivam Dube century: શિવમ દુબેએ 62 બોલમાં તોફાની સદી ફટકારી, મહારાષ્ટ્ર સામેની પ્રેક્ટિસ મેચમાં ચમક્યો; પૃથ્વી શૉ વિવાદમાં ફસાયો

Arati Parmar
3 Min Read

Shivam Dube century: ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબે હાલ જબરદસ્ત ફોર્મમાં છે. એશિયા કપ 2025માં ભારતને વિજય અપાવ્યા બાદ તેણે હવે ઘરેલુ ક્રિકેટમાં તોફાન મચાવ્યું છે. 2025-26 રણજી ટ્રોફી સીઝન પહેલાં રમાયેલી મુંબઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રેક્ટિસ મેચમાં દુબેએ ધૂંઆધાર બેટિંગથી સૌના દિલ જીતી લીધા છે.

શિવમ દુબેએ 62 બોલમાં સદી ફટકારી

- Advertisement -

મુંબઈ તરફથી રમતા શિવમ દુબેએ માત્ર 62 બોલમાં શાનદાર સદી ફટકારી છે. તેની ઇનિંગમાં નવ છગ્ગા અને પાંચ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેની બેટિંગ શૈલીએ મહારાષ્ટ્રની બોલિંગને સંપૂર્ણપણે પાછળ છોડી દીધી. દુબેએ લેફ્ટ હેન્ડેડ સ્પિનર ​​હિતેશ વાલુંજની એક ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા હતાં. મુંબઈની ટીમે શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી હતી, કેપ્ટન હાર્દિક તમોર 24 રન બનાવી ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, દુબેએ 160ના સ્ટ્રાઈક રેટ પર તોફાની બેટિંગ કરી ટીમને મજબૂત ટેકો આપ્યો હતો.

પૃથ્વી શૉ વિવાદમાં

- Advertisement -

શિવમ દુબેએ પોતાની ઇનિંગ્સથી ચાહકોના દિલ જીતી લીધા હતાં, પૃથ્વી શૉએ પણ ધૂંઆધાર બેટિંગ કરી હતી. તેણે મહારાષ્ટ્ર માટે શાનદાર 181  રન બનાવ્યા હતાં. જોકે, મેચ દરમિયાન શૉ વિવાદમાં ફસાયો હતો. આઉટ થયા પછી પૃથ્વી શૉએ ગુસ્સામાં મુંબઈના ખેલાડી મુશીર ખાન (સરફરાઝ ખાનનો નાનો ભાઈ) તરફ બેટ ઉગામ્યું હતું. જેથી પીચ પર માહોલ ગરમાયો હતો. અમ્પાયર્સ અને ટીમ મેનેજમેન્ટે દખલગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાની તપાસ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરને સોંપવામાં આવી છે.

દુબેનું પર્ફોર્મન્સ ભારતીય ક્રિકેટ  માટે રાહતભર્યું

- Advertisement -

આ પ્રેક્ટિસ મેચ રણજી ટ્રોફી 2025-26 માટે મહત્ત્વની છે. શિવમ દુબેનું બેટિંગ પર્ફોર્મન્સ મુંબઈની ટીમ અને ભારતીય ક્રિકેટ માટે લાભદાયી સાબિત થશે. રણજી ટ્રોફીની નવી સીઝન 15 ઓક્ટોબર, 2025 થી શરૂ થઈ રહી છે. તે પહેલાં મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે ત્રણ દિવસીય વોર્મ-અપ મેચ રમાઈ હતી. દુબેની ઇનિંગ એ વાતનો પુરાવો છે કે તે લાંબા ફોર્મેટમાં પણ T20 ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

શિવમ દુબેની ઓસ્ટ્રેલિયા માટે પસંદગી

શિવમ દુબેનું ઉત્તમ ફોર્મ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફળ્યું છે. એશિયા કપમાં શાનદાર પર્ફોર્મન્સ બાદ તેની ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. ભારત આ પ્રવાસમાં ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. ટીમમાં દુબેની હાજરી ભારત માટે એક મોટી તાકાત સાબિત થઈ શકે છે, કારણ કે તે બેટ અને બોલ બંનેથી યોગદાન આપવા સક્ષમ છે.

ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં સતત સુધારો

શિવમ દુબેએ અત્યાર સુધીમાં તેની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં 25 મેચોમાં 40 ઇનિંગ્સમાં 1541 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 44.02 ની એવરેજ અને 69.69 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 121 અણનમ છે. તેણે બોલિંગમાં પણ ઉમદા પર્ફોર્મન્સ આપ્યું છે. અત્યાર સુધી તેણે 58 વિકેટ લીધી છે. તેની શ્રેષ્ઠ બોલિંગ 53 રનમાં 7 વિકેટ છે, તેનો ઈકોનોમી રેટ 2.76 અને એવરેજ 21.72 છે.

Share This Article