હવે ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટની નંબર વન ટીમ બની છે.

newzcafe
2 Min Read

ભારતીય ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટમાં ફરી ટોચ પર


નવી દિલ્હી, તા. 10 : ઇંગ્લેન્ડ વિરુદ્ધના 4-1ના શ્રેણી વિજયનો ભારતને ફાયદો થયો છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા ફરી એકવાર આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ટોચ પર પહોંચી છે. રોહિતની ટીમ વન-ડે અને ટી-20 ફોર્મેટમાં પહેલેથી જ નંબર વન હતી. હવે ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટની નંબર વન ટીમ બની છે. 


 


આ પહેલા ગત ડિસેમ્બરમાં ટીમ ઇન્ડિયા ત્રણેય ફોર્મેટમાં ટોચ પર હતી. આ પછી દ. આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો રહેતા ભારતીય ટીમે ટેસ્ટનું નંબર વનનું સ્થાન ગુમાવ્યું હતું અને ઓસ્ટ્રેલિયા નંબર વન ટેસ્ટ ટીમ બની હતી. હવે ઓસ્ટ્રેલિયાને ખસેડી ભારતે ટેસ્ટમાં પણ ફરી ટોચનો ક્રમ હાંસલ કરી લીધો છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પણ ટીમ ઇન્ડિયા પહેલા સ્થાને છે. આઇસીસીની નવી ટેસ્ટ ટીમ ક્રમાંક સૂચિમાં ભારતના 122 રેટિંગ છે અને પહેલા સ્થાને પહોંચી છે. ઓસ્ટ્રેલિયા 117 રેટિંગ સાથે બીજા અને ઇંગ્લેન્ડ 111 રેટિંગ પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. 


 


ક્રાઇસ્ટચર્ચમાં ન્યુઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ રમાઇ રહી છે. એ મેચનું જે પણ પરિણામ આવે એથી કોઇ ફરક પડશે નહી. ભારતીય ટીમ નંબર વન બની રહેશે. ભારતીય ટીમના ટેસ્ટમાં 122, વન-ડેમાં 121 અને ટી-20માં 266 રેટિંગ છે અને ત્રણેય ફોર્મેટમાં શિખર પર બિરાજમાન છે. વન-ડેમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા (118) છે. જ્યારે ટી-20માં બીજા સ્થાને ઇંગ્લેન્ડ (2પ6) છે.

Share This Article