Tanvi Patri Badminton: યુથ ઓલિમ્પિકમાં તન્વી પત્રીનો ઇતિહાસ, બેડમિન્ટન ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

Arati Parmar
2 Min Read
Tanvi Patri Badminton

Tanvi Patri Badminton: યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની તન્વી પત્રીએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. બેડમિન્ટન ખેલાડી તન્વી ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. 15 વર્ષની આ ખેલાડીએ સેમિફાઇનલમાં જાપાનની યુઝુનો વતાનાબેને 21-14, 11-21, 21-19થી હરાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.

કોઈ ભારતીય મહિલા ખેલાડી પાસે ગોલ્ડ મેડલ નથી

તન્વી પત્રી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટનની સ્પર્ધામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી પણ બનશે. તેમની પાસે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવાની તક પણ છે. અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ખેલાડી સેમિફાઇનલમાં પણ પહોંચી નહોતી. પુરુષોની સ્પર્ધામાં 2010માં સિંગાપોરમાં યોજાયેલી પ્રથમ યુથ ઓલિમ્પિકમાં એચએસ પ્રણોયે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે 2018માં બ્યુનોસ આયર્સમાં યોજાયેલી રમતોમાં લક્ષ્ય સેન ઉપવિજેતા રહ્યા હતા.

- Advertisement -

ગોલ્ડ માટે ચીનની ખેલાડી સાથે મુકાબલો

ગોલ્ડ મેડલની મેચમાં તન્વી પત્રીનો મુકાબલો ચીનની ઝાંગ યી શિન સાથે થશે. છઠ્ઠી ક્રમાંકિત ખેલાડીએ ચાઇનીઝ તાઇપેઈની ચેંગ ચિહયુનને 21-11, 21-6થી સરળતાથી હરાવી હતી. આ વર્ષે જુલાઈમાં એશિયન જુનિયર ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં તન્વીનો મુકાબલો ચીનની ખેલાડી સાથે થયો હતો. ઝાંગે બે ગેમમાં જ મેચ જીતી લીધી હતી.

- Advertisement -

ડકાર યુથ ઓલિમ્પિક ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધામાં પુરુષ અને મહિલા સિંગલ્સ ઇવેન્ટનો સમાવેશ થાય છે, જેમાં દરેક કેટેગરીમાં 32 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા બે તબક્કામાં રમાઈ રહી છે. ખેલાડીઓને ચાર-ચારના આઠ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં દરેક ખેલાડીએ પોતાના ગ્રૂપના બાકીના ત્રણ ખેલાડીઓ સામે રમવાનું હતું. દરેક ગ્રૂપનો વિજેતા નોકઆઉટ તબક્કામાં પહોંચ્યો હતો. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને મેડલ મેચ યોજાશે. 5 નવેમ્બરે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો નિર્ણય થશે.

- Advertisement -
Share This Article