Under 19 Asia Cup Prize Money: ઓમાનમાં રમાયેલી ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 1 વિકેટે હરાવીને રેકોર્ડ 9મી વખત ખિતાબ પર કબજો કર્યો છે. શનિવારે રમાયેલી આ ઐતિહાસિક મહામુકાબલામાં ટીમ ઇન્ડિયાએ મેચના છેલ્લા બોલે જીત નોંધાવી હતી. ત્યારબાદ ચેમ્પિયન બનેલી ભારતીય યુવા ટીમને લાખો રૂપિયાની ઇનામી રકમથી નવાજવામાં આવી હતી.
એશિયા કપ જીતવા પર કેટલી પ્રાઇઝ મની મળી
પ્રાઇઝ મનીની વિગતોની વાત કરીએ તો અંડર-19 એશિયા કપ 2026નો ખિતાબ જીતનારી ભારતીય ટીમને 15,000 અમેરિકન ડોલર એટલે કે ભારતીય ચલણમાં 14 લાખ રૂપિયાથી વધુની ઇનામી રકમ મળી છે. જ્યારે ફાઇનલમાં છેલ્લા બોલ સુધી જોરદાર સંઘર્ષ કર્યા બાદ ઉપવિજેતા બનેલી પાકિસ્તાનની ટીમને 7,500 અમેરિકન ડોલર એટલે કે 7 લાખ રૂપિયાથી વધુની પ્રાઇઝ મનીથી સંતોષ માનવો પડ્યો હતો.
પાકિસ્તાનને હરાવી ટ્રોફી જીતી
આ ખિતાબી જંગની રોમાંચક પરિસ્થિતિઓ પર નજર કરીએ તો પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ઉસ્માન ખાન (107), અબ્દુલ કાદિર (80) અને કેપ્ટન ફરહાન યુસુફ (63)ની શાનદાર ઇનિંગ્સના આધારે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 337 રન બનાવ્યા હતા. ભારત તરફથી કાવ્યા પટેલે 4 અને ચિગુરુપતિ વેંકટે 3 વિકેટ ઝડપી હતી. તેના જવાબમાં 338 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન આર્યવીર સહેવાગે 58 અને કેપ્ટન લક્ષ્ય રાજેશ રાયચંદાનીએ 80 રનની ઇનિંગ્સ રમી હતી.
છેલ્લી બોલે બાજી મારી
એક સમયે 9 વિકેટ પડી ગયા બાદ ભારતીય ટીમ હારની અણી પર ઊભી હતી, પરંતુ દસમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા મોહિત ઉલ્વાએ મેચનું પાસું પલટી નાખ્યું હતું. મોહિતે 26 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 49 રનની કરિશ્માઈ ઇનિંગ્સ રમી હતી અને અંતિમ બોલે ચોગ્ગો ફટકારીને ભારતને 339/9ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આ સાથે ભારતે ઐતિહાસિક જીત મેળવી અને લાખોની ઇનામી રકમ પણ પોતાના નામે કરી હતી.

