India A vs Sri Lanka A: ઈન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકા-એની ટીમે શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા ૧૧૦ ઓવરોમાં ૩૬૬ રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો છે. શ્રીલંકા તરફથી કેપ્ટન સહાન અરાચિગેએ મોરચો સંભાળતા એક શાનદાર સદી ફટકારી હતી, જે ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, ભારતીય બોલરોએ પણ મેચમાં સખત મહેનત કરી હતી અને નિયમિત અંતરે વિકેટ ઝડપીને શ્રીલંકાને વધુ મોટા સ્કોર પર જતા રોકી દીધા હતા.
સહાન અરાચિગેની શાનદાર સદી
શ્રીલંકાની પ્રથમ ઈનિંગનું મુખ્ય આકર્ષણ તેમના કેપ્ટન સહાન અરાચિગે રહ્યા હતા. અરાચિગેએ ભારતીય બોલરોનો સામનો કર્યો અને ૨૦૭ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૨૭ રનની મેરેથોન ઈનિંગ રમી હતી. તેમને મધ્યક્રમમાં વિકેટકીપર બેટ્સમેન અંજાલા બંદારાનો સારો સાથ મળ્યો, જેમણે ૯૬ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઉપરના ક્રમમાં નુવાનિદુ ફર્નાન્ડો (૪૪), પવનથા વીરાસિંઘે (૩૯) અને આશન બંદારા (૩૪) એ પણ ઉપયોગી ઈનિંગ્સ રમીને ટીમને એક મજબૂત શરૂઆત આપી હતી, જેના કારણે શ્રીલંકન ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.
ગુરનૂર બ્રાર અને સારાંશ જૈનનો કમાલ
ભારતીય બોલિંગની વાત કરીએ તો ફાસ્ટ બોલર ગુરનૂર બ્રાર અને સ્પિનર સારાંશ જૈન સૌથી સફળ બોલર બનીને ઉભર્યા હતા. ગુરનૂર બ્રારે ૨૨ ઓવરમાં ૭૭ રન આપીને ૪ મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી, જેમાં શ્રીલંકાના કેપ્ટન અરાચિગેની મોટી વિકેટ પણ સામેલ હતી. બીજી તરફ, સારાંશ જૈને પોતાની ફિરકીનો જાદુ ચલાવતા ૩૦ ઓવરના લાંબા સ્પેલમાં ૯૨ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી અને શ્રીલંકાના નીચલા ક્રમને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધો હતો. સારાંશે અંજાલા બંદારા અને દિલુમ સુદીરા જેવા સેટ બેટ્સમેનોને આઉટ કરીને ભારતની વાપસી કરાવી હતી.
યશ ઠાકુરને પણ મળી ૨ વિકેટ
આ બંને ઉપરાંત ફાસ્ટ બોલર યશ ઠાકુરે પણ ચુસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. યશ ઠાકુરે પોતાની ૨૦ ઓવરમાં ૫ મેડન ઓવર નાખતા માત્ર ૪૬ રન આપ્યા હતા અને ૨ મહત્વની સફળતાઓ મેળવી હતી. જોકે, ઓકિબ નબી ડાર અને ઝીશાન અન્સારીને આ ઈનિંગમાં કોઈ સફળતા મળી શકી નહોતી.

