ટાઈમ આઉટ થયો મૈથ્યૂઝ, 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું,
Tuesday, 07 November 2023
ટાઈમ આઉટ થયો મૈથ્યૂઝ, 146 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું,
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો
નવી દિલ્હી, તા.6: શ્રીલંકાનો બેટર એન્જલો મેથ્યૂસ 146 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં ટાઇમ આઉટ થનારો પહેલો ખેલાડી બન્યો છે. વર્લ્ડકપની આજની મેચમાં બાંગલાદેશના કપ્તાન શકિબ અલ હસને ખેલભાવનાના લીરાં ઉડાડયાં હતાં. આ નાટકીય અને શરમજનક ઘટનાના ક્રિકેટ જગતમાં ઘેરા પડઘા પડયા છે. આ સમગ્ર ઘટનાનો ક્રમ ત્યારે બન્યો કે શ્રીલંકાની ચોથી વિકેટ પડયા બાદ એન્જલો મેથ્યૂસ ક્રિઝ પર આવ્યો હતો, આ દરમિયાન તેની હેલ્મેટમાં કોઈ ખરાબી હતી આથી તેણે બદલવા માટે ડગઆઉટ તરફ ઇશારો કર્યો હતો. એક્સ્ટ્રા ખેલાડી નવી હેલ્મેટ લઈને આવી પહોંચ્યો હતો. વિશ્વકપના નિયમ અનુસાર કોઈપણ ખેલાડીએ બે મિનિટની અંદર પહેલા દડાનો સામનો કરવાનો હોય છે. જેમાં મેથ્યૂસે મોડું કર્યું હતું. આથી બાંગલાદેશના કપ્તાન શકિબે અમ્પાયર સમક્ષ ટાઇમ આઉટની અપીલ કરી હતી. અમ્પાયરને થયું કે શકિબ મજાક કરે છે, પણ શકિબે કહ્યંy કે હું આઉટની અપીલ કરું છું. આથી બન્ને અમ્પાયરે ચર્ચા કરી ત્રીજા અમ્પાયરની મદદ બાદ નિયમ અનુસાર મેથ્યૂસને ટાઇમ આઉટ જાહેર કરવો પડયો હતો. આથી કોમેન્ટેટરો અને દર્શકો પણ ચોંકી ગયા હતા. મેથ્યૂસે પણ બાંગલા સુકાની શકિબ સાથે ઘણી ચર્ચા કરી હતી, તેણે એક પણ દડાનો સામનો કર્યા વિના આઉટ થવા માટે મજબૂર થવું પડયું હતું. ટાઇમ આઉટના નિયમ અનુસાર ઇન્ટરનેશનલ મેચમાં 3 મિનિટની અંદર બેટરે પહેલા દડાનો સામનો કરવાનો હોય છે જ્યારે વિશ્વકપમાં 2 મિનિટનો નિયમ છે. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 6 ખેલાડી ટાઇમ આઉટ થયા છે. જેમાં ભારતના હેમુલાલ યાદવ સામેલ છે.
