શું હાર્દિક ગુજરાત ટાઈટન્સ છોડશે ?
Saturday, 25 November 2023
શું હાર્દિક ગુજરાત ટાઈટન્સ છોડશે ?
મુંબઇ, તા. 24 : આઇપીએલ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીએ તેના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને છૂટો કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક ફરી તેની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસી કરી રહ્યો છે. જો કે, આ સમાચાર હજુ સત્તાવાર રીતે જાહેર થયા નથી. ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે જોડાયેલાં સૂત્રોએ આ ખબરને સમર્થન આપ્યું છે. એવું પણ બહાર આવ્યું છે કે, શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન બનશે. એવા અહેવાલ છે કે, હાર્દિક પંડયાના બદલામાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ એક ટોચના ખેલાડીને ગુજરાત ટાઇટન્સને આપશે. આ પ્રક્રિયાને `સ્વેપ’ કહેવામાં આવે છે. પહેલાં એવી ખબર આવી હતી કે મુંબઇનો કપ્તાન રોહિત શર્મા ગુજરાતની ટીમમાં જશે અને હાર્દિક મુંબઇની કપ્તાની કરશે, હવે એવું બહાર આવ્યું છે કે હાર્દિકના બદલામાં મુંબઇ ટીમ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરને ગુજરાત ટીમને સોંપશે. જો કે આ તમામ ખબર હાલ બિનસત્તાવાર છે. હાર્દિક પંડયાની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ ટીમ 2022માં આઇપીએલ ચેમ્પિયન બની હતી, જ્યારે આ વર્ષે ફાઇનલમાં સીએસકે સામે હારી હતી. હાર્દિકે તેની આઇપીએલ કેરિયર 201પમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે કરી હતી. છેલ્લે તે મુંબઇ તરફથી 2021માં આખરી સિઝન રમ્યો હતો.
