Women Asian Champions Trophy: ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (ACT) હોકી ટુર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતાં બુધવારે અહીં છેલ્લી લીગ મેચમાં જાપાનને 4-0થી કારમી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય ટીમે લીગ તબક્કાની પોતાની તમામ પાંચ મેચ જીતીને 15 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ટીમ હવે શાનથી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.
દીપિકાએ ફરી શાનદાર પ્રદર્શન કર્યું
એશિયન ગેમ્સની ચેમ્પિયન ટીમ તરફથી લાલરેમસિયામી (12મી મિનિટ), દીપિકા (16મી અને 48મી મિનિટ) તથા નેહા (28મી મિનિટ)એ ગોલ કર્યા હતા. ભારતને શરૂઆતની ત્રણ મિનિટમાં જ સરસાઈ મેળવવાની તક મળી હતી, જ્યારે નવનીત કૌરે પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો. જોકે, ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર દીપિકાની ડ્રેગ ફ્લિક નિશાન ચૂકી ગઈ હતી.
ભારતીય ખેલાડીઓ સતત આક્રમણ કરતી રહી
થોડી વાર બાદ ઇશિકા અને મુમતાઝ ખાને શાનદાર તાલમેલથી ગોલ કરવાની સારી તક બનાવી હતી, પરંતુ જાપાનની રક્ષણપંક્તિના દબાણને કારણે નવનીત યોગ્ય શોટ મારી શકી નહોતી. જોકે, ભારતે ગોલ કરવા માટે વધારે રાહ જોવી પડી નહોતી. લાલરેમસિયામીએ શાનદાર રીતે જાપાનના સર્કલમાં પ્રવેશ કર્યો હતો અને નવનીત સાથે પાસની આપ-લે કર્યા બાદ 12મી મિનિટમાં જોરદાર શોટ મારીને બોલ ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો હતો.
ભારતીય ટીમે ચાર મિનિટ બાદ પોતાની સરસાઈ બમણી કરી હતી. સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા બાદ દીપિકાની પ્રથમ ડ્રેગ ફ્લિક જાપાનની ખેલાડીઓએ રોકી દીધી હતી, પરંતુ આ ભારતીય ફોરવર્ડે રિબાઉન્ડ પર ઝડપથી ગોલ કરી દીધો હતો.
28મી મિનિટ સુધીમાં 3-0ની સરસાઈ મેળવી
મધ્યાંતરથી બે મિનિટ પહેલાં ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. દીપિકાનો શોટ જાપાનની ખેલાડીના પગ સાથે અથડાયો હતો. દીપિકાની જોરદાર ડ્રેગ ફ્લિકને જાપાનની ગોલકીપરે શાનદાર રીતે રોકી લીધી હતી, પરંતુ કેપ્ટન સલીમા ટેટે રિબાઉન્ડ પર બોલને પોતાના કબજામાં રાખીને આક્રમણ ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ નેહાએ બોલને ગોલપોસ્ટમાં પહોંચાડીને 28મી મિનિટમાં ભારતની સરસાઈ 3-0 કરી હતી.
ત્રીજા ક્વાર્ટરની શરૂઆતની ત્રણ મિનિટમાં સલીમાએ જાપાનના સર્કલમાં શાનદાર તક બનાવી હતી, પરંતુ નવનીતની ફાઉલને કારણે બોલ જાપાનના કબજામાં જતો રહ્યો હતો. ત્રીજા ક્વાર્ટરના મધ્યમાં મુમતાઝની રક્ષણાત્મક ભૂલને કારણે જાપાનને પોતાનો પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પરંતુ તેનો પ્રયાસ સફળ થયો નહોતો અને ભારતે જોખમ ટાળી દીધું હતું.
48મી મિનિટમાં ચોથો ગોલ કર્યો
છેલ્લો ક્વાર્ટર શરૂ થયાના બે મિનિટ બાદ ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આ વખતે દીપિકા મેદાન પર પરત ફરી હતી અને તેણે કોઈ ભૂલ કરી નહોતી. તેણે 48મી મિનિટમાં જોરદાર ડ્રેગ ફ્લિક મારીને બોલને ગોલપોસ્ટના ઉપરના જમણા ખૂણામાં પહોંચાડ્યો હતો. મેચમાં આ તેનો બીજો ગોલ હતો, જેના કારણે ભારતની સરસાઈ 4-0 થઈ ગઈ હતી.

