Dracula Solar Tech: સોલર પેનલનું નામ સાંભળતાં જ આપણા સૌના મનમાં છત પર લગાવેલી સોલર પ્લેટની તસવીર ઊભી થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવી સોલર પેનલ વિશે સાંભળ્યું છે, જેને ઘરની અંદર લગાવી શકાય છે? તેની ખાસિયત એ છે કે તે સૂર્યપ્રકાશ વગર પણ વીજળી બનાવી શકે છે. હકીકતમાં, ફ્રાન્સની ડ્રેક્યુલા ટેક્નોલોજી નામની કંપનીએ આવી અનોખી ટેક્નોલોજી વિકસાવી છે. વર્ષ 2012માં શરૂ થયેલી આ કંપનીએ અત્યંત પાતળી અને લવચીક ઓર્ગેનિક ફોટોવોલ્ટેઇક ટેક્નોલોજી બનાવી છે.
આ ટેક્નોલોજીથી ઘરની અંદર રહેલા પ્રકાશનો ઉપયોગ કરીને નાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે વીજળી બનાવી શકાય છે. આ ટેક્નોલોજી અંગે નિષ્ણાતોનો દાવો છે કે ભવિષ્યમાં તે ડિસ્પોઝેબલ બેટરીની જરૂરિયાતને ખતમ કરી શકે છે.
અનોખી ડ્રેક્યુલા ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?
સામાન્ય સોલર પેનલમાંથી વીજળી બનાવવા માટે તેજ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. પરંતુ ડ્રેક્યુલા ટેક્નોલોજીએ એવી સોલર પેનલ તૈયાર કરી છે, જેને વીજળી બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી. આ જ કારણસર તેનું નામ ડ્રેક્યુલા રાખવામાં આવ્યું છે.
આ ટેક્નોલોજી તમારા ઘરમાં આવતો પ્રકાશ અથવા ઘરમાં રહેલી લાઇટમાંથી નીકળતા પ્રકાશથી વીજળી બનાવી શકે છે. આ ટેક્નોલોજીથી હાલમાં બેટરી પર ચાલતાં નાનાં ઉપકરણોને સતત પાવર સપ્લાય આપી શકાય છે.
ખાસ ટેક્નોલોજી કેવી રીતે તૈયાર થાય છે?
- આ ડ્રેક્યુલા ટેક્નોલોજી બનાવવાની રીત પણ ખૂબ ખાસ છે. કંપની તેને કાર્બન આધારિત ઓર્ગેનિક પોલિમરની નેનો-પરતોનો ઉપયોગ કરીને ડિજિટલ પ્રિન્ટિંગ દ્વારા તૈયાર કરે છે.
- તેને તૈયાર કરવામાં કોઈપણ પ્રકારની દુર્લભ ધાતુ અથવા ભારે અને ઝેરી તત્ત્વોનો ઉપયોગ થતો નથી. કહેવાનો અર્થ એ છે કે આ ટેક્નોલોજી બનાવવાની દૃષ્ટિએ પણ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. તેનો એક પુરાવો એ પણ છે કે આ ટેક્નોલોજી RoHS અને REACH જેવા કડક સુરક્ષા માપદંડો પર ખરી ઊતરે છે.
- આ ઉપરાંત, ડિજિટલ પ્રિન્ટિંગ દ્વારા તૈયાર થતી હોવાથી આ મોડ્યુલને કોઈપણ આકાર અથવા વળાંકવાળી સપાટી પર લગાવી શકાય તે રીતે તૈયાર કરી શકાય છે.
આપણા જીવન પર તેની શું અસર પડશે?
આ ટેક્નોલોજી આપણી આસપાસનાં એવાં તમામ ઉપકરણોમાં ફેરફાર લાવી શકે છે, જે હાલમાં ડિસ્પોઝેબલ બેટરીથી ચાલે છે. આ બેટરી ખરાબ થયા પછી ઈ-વેસ્ટમાં વધારો કરે છે અને તેમાં રહેલાં ઝેરી તત્ત્વો પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થાય છે. ડ્રેક્યુલા ટેક્નોલોજીનો હેતુ આ પ્રકારનાં નાનાં ઉપકરણો અથવા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સિસ્ટમમાંથી બેટરીની જરૂરિયાતને સંપૂર્ણપણે દૂર કરવાનો છે.
આ ટેક્નોલોજીની મદદથી આવનારા સમયમાં નાનાં ઉપકરણોનો વારંવાર બેટરી બદલ્યા વગર ઉપયોગ કરી શકાશે. આ ટેક્નોલોજી દ્વારા ઉપકરણોને બેટરી વગર આત્મનિર્ભર બનાવી શકાય છે, જેથી વારંવાર બેટરી બદલવાની ઝંઝટ અને જાળવણીનો ખર્ચ બંને બચી શકે છે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ ક્યાં થઈ શકશે?
આ ટેક્નોલોજીનો ઉપયોગ સ્માર્ટ ઘરો, ઓફિસો અને બજારોમાં પણ થઈ શકે છે. સ્માર્ટ ઘર અથવા બિલ્ડિંગમાં તેનો ઉપયોગ ટીવીના રિમોટ કંટ્રોલ, થર્મોસ્ટેટ, સ્માર્ટ ડોર લોક અને સામાનને ટ્રેક કરતાં ગેજેટ્સમાં કરી શકાશે.
આ ઉપરાંત, પર્યાવરણ પર નજર રાખતાં સેન્સર જેવા કે કાર્બન ડાયોક્સાઇડ સેન્સર, સ્માર્ટ કેમેરા અને દુકાનોમાં કિંમત દર્શાવતાં ઇલેક્ટ્રોનિક શેલ્ફ લેબલ પણ આ ટેક્નોલોજીની મદદથી બેટરી વગર વર્ષો સુધી કામ કરી શકશે.

