Flying car accident: ચીનમાં બે ફ્લાઈંગ કાર વચ્ચે અથડામણ, સુરક્ષા પર ઊભા થયા સવાલ

Arati Parmar
4 Min Read

Flying car accident: ફ્લાઈંગ કાર્સ એટલે કે હવામાં ઉડતી કારનું સપનું ઘણા સમયથી માનવજાત જોઈ રહી છે. નજીકના ભવિષ્યમાં ફ્લાઈંગ ટેક્સી પણ ઉપલબ્ધ હશે જેમાં બેસીને શહેરી ટ્રાફિકથી બચી શકાશે, એવી ગણતરી વાહન વ્યવહાર ક્ષેત્રના માંધાતાઓ રાખીને બેઠા છે. ઉડતી કારના પ્રયોગો સફળ પણ થયા છે, પરંતુ તાજેતરમાં ચીનમાં એર શો દરમિયાન બે ઉડતી કાર વચ્ચે થયેલી અથડામણે ભવિષ્યની ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી સામે એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે, શું ફ્લાઈંગ કાર્સ એટલી સલામત છે ખરી?

હવામાં અથડામણની અણધારી ઘટના બની

- Advertisement -

ચીનના ચાંગચુન શહેરમાં આયોજિત એર શોની પૂર્વ તૈયારી દરમિયાન આ અણધારી ઘટના બની હતી. 16 સપ્ટેમ્બર, મંગળવારે બપોરે XPeng AeroHT કંપનીની બે ફોલ્ડેબલ ‘ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ’ (eVTOL) કાર ફોર્મેશન ફ્લાઈટ પ્રેક્ટિસ દરમિયાન એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. બંને કાર એક સાથે ઉડાન-અભ્યાસ કરી રહી હતી ત્યારે બંને વચ્ચેનું અંતર અનિયંત્રિત થઈ જતાં ટક્કર થઈ હતી. ટક્કરના પરિણામે એક કાર અનિયંત્રિત થઈને જમીન પર પડતાં આગના ગોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી, જ્યારે બીજી કાર સુરક્ષિત રીતે જમીન પર ઉતરી શકી હતી. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.

પહેલાવાર થયો eVTOL અકસ્માત 

- Advertisement -

આ ઘટના વૈશ્વિક સ્તરે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે eVTOL વાહનો વચ્ચે હવામાં થયેલો પહેલો અકસ્માત છે. વિશ્વભરમાં અન્ય કંપનીઓ પણ સમાન ટેક્નોલોજી પર કામ કરી રહી છે, પરંતુ આ પ્રકારની ઘટના અત્યાર સુધી નોંધાઈ નથી.

કાર ઓટો (સ્વયંચાલિત) મોડમાં હતી કે મેન્યુઅલ કંટ્રોલ હેઠળ? 

- Advertisement -

XPeng કંપની તરફથી જારી કરાયેલા બયાનમાં જણાવવામાં આવ્યું છે કે અકસ્માત દરમિયાન કાર વચ્ચેનું અંતર હોવું જોઈએ એના કરતાં ઓછું હતું. કંપની હજી સુધી એ સ્પષ્ટ કરી શકી નથી કે અકસ્માત સમયે બંને કાર ઓટો (સ્વયંચાલિત) મોડમાં હતી કે મેન્યુઅલ કંટ્રોલ હેઠળ હતી. આ બાબતે વધુ તપાસ ચાલુ છે.

eVTOL કાર કેવી છે?

eVTOL મોડેલ XPeng AeroHT કંપનીના મહત્વાકાંક્ષી ‘લેન્ડ એરક્રાફ્ટ કેરિયર’ પ્રોજેક્ટનો ભાગ છે. આ પ્રોજેક્ટમાં એક છ પૈડાંવાળી વાન જેવું વાહન હોય છે, જેના પાછળના ભાગમાં ઉડતી કાર ફોલ્ડ કરીને રખાયેલી હોય છે. વાનમાંથી કાર બહાર કાઢીને એના ફોલ્ડિંગ આર્મ્સ ખોલીને એને ઉડાવી શકાય છે. ચીનમાં અકસ્માતગ્રસ્ત થયેલી કાર એવી જ ફોલ્ડિંગ ફ્લાઈંગ કાર છે.

ટેક્નોલોજી પર ઊભા થયેલા પ્રશ્નો

આ દુર્ઘટનાએ eVTOL ટેક્નોલોજી સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઊભા કર્યા છે:

• સુરક્ષા માપદંડોઃ ફક્ત ઉત્તમ ડિઝાઈન અને કામગીરી જ પૂરતી નથી, સુરક્ષા પ્રોટોકોલ અને ભૂલ સંચાલન પણ એટલાં જ જરૂરી છે.

• જનવિશ્વાસ: જાહેર પ્રદર્શનો દરમિયાન આવા અકસ્માતો સામાન્ય લોકોમાં આ ટેક્નોલોજી પ્રત્યે ડર અને શંકા ઊભી કરી શકે છે.

• નિયમનકારી ધોરણો: આવી ઘટનાને લીધે સરકારો અને નિયામક સંસ્થાઓ દ્વારા eVTOL માટે કડક ધારાધોરણો બનાવવાની જરૂરત ઊભી થાય છે.

માતબર કંપનીનું કામ પણ શંકાના ઘેરામાં

XPeng AeroHT ચીનની અગ્રણી ઈલેક્ટ્રિક વાહન કંપનીઓમાંથી એક છે અને લાંબા સમયથી ફ્લાઈંગ કાર ટેક્નોલોજી પર સંશોધન કરી રહી છે. જોકે, આવા મોટા પ્લેટફોર્મ પર અકસ્માત થવાથી કંપનીના વાહનોની અસરકારકતા પર શંકા જાગે છે. ડિઝાઈન, બેટરી અને કામગીરી જેટલી જ મહત્ત્વપૂર્ણ બાબત ઉડાન દરમિયાન વાહનો વચ્ચેનું અંતર જાળવવું અને સુરક્ષા નિયમોનું પાલન કરવું પણ છે.

સપનું વાસ્તવિકતા બનશે કે પછી…

eVTOL વાહનો શહેરી પરિવહનનું ભવિષ્ય બદલી નાંખવાની ક્ષમતા ધરાવે છે, એમાં બેમત નથી. પણ, આવા અકસ્માત આ ટેક્નોલોજીના સંશોધકો માટે એક ‘લેસન’ બને એમ છે. આ ક્ષેત્રે સુરક્ષાના ધારાધોરણો વધુ કડક બનાવવામાં આવશે તો ફ્લાઈંગ કારનું સપનું સાચું થશે, અન્યથા આ શોધનું ભવિષ્ય પણ ‘સેગવે’ અને ‘સ્માર્ટ ગ્લાસ’ની જેમ ધૂંધળું હશે.

Share This Article