Firefox iPhone Page Summary: આપણા સૌનું ઇન્ટરનેટ સર્ફિંગ હવે પોતાના સ્માર્ટફોન પર જ થવા લાગ્યું છે ત્યારે જુદી જુદી કંપની ઓછામાં ઓછા સમયમાં આપણને વધુમાં વધુ આપવાના રસ્તા પણ શોધી રહી છે. જેમ કે હમણાં મોઝિલા કોર્પોરેશને તેના ફાયરફોક્સ બ્રાઉઝરમાં આઇફોનના યૂઝર્સને એક નવી ભેટ આપી.
જો તમારી પાસે આઇફોન ૧૫ કે ત્યાર પછીનો આઇફોન હોય અને તેમાં આઇઓએસનું લેટેસ્ટ વર્ઝન હોય તો તેમાં ફાયરફોક્સ બ્રાઉઝરમાં આ સગવડ મળશે. ફાયરફોક્સમાં ઉમેરાયેલા નવા ફીચરને કારણે તમે કોઈ વેબપેજ પર હો અને તેમાં ખાસ્સું લાંબું કન્ટેન્ટ હોય તો બહુ ઝડપથી તેની સમરી મેળવી શકો છો. તે માટે આપણે ફોનને ફક્ત શેક કરવાનો એટલે કે હલાવવાનો રહે! આટલું કરતાં બ્રાઉઝર આઇફોનમાં જ સામેલ એપલ ઇન્ટેલિજન્સ ફીચરનો ઉપયોગ કરીને એ વેબપેજની સમરી તૈયાર કરી આપે છે.
જો આઇફોનમાં આઇઓએસનું જૂનું વર્ઝન હોય તો પેજ પરનું કન્ટેન્ટ મોઝિલાની ક્લાઉડ આધારિત એઆઇમાં મોકલવામાં આવે છે. ત્યાં તેની સમરી તૈયાર કરવામાં આવે છે અને ત્યાંથી ફોનમાં પરત મોકલવામાં આવે છે. જો કે આ બધું કામ ખાસ્સું ઝડપથી થાય છે. આપણે ઇચ્છીએ તો બ્રાઉઝરમાં એડ્રેસબારમાંના વીજળી જેવા થન્ડરબોલ્ટ આઇકન પર ક્લિક કરીને અથવા ત્રણ ડોટ્સ પર ટેપ કરી સમરાઇઝ પેજનો વિકલ્પ પસંદ કરીને પણ પેજની સમરી મેળવી શકીએ છીએ.
અલબત્ત અત્યારે આમાં કેટલીક શરતો લાગુ છે. જે વેબપેજમાં પાંચ હજાર કરતાં ઓછા વર્ડ હોય તેમાં આ ફીચર કામ લાગે છે. હાલમાં આ ફીચર યુએસમાં અને માત્ર ઇંગ્લિશ ભાષા માટે રોલઆઉટ થયું છે. પરંતુ ઝડપથી તે દુનિયાના અન્ય ભાગોમાં અને અન્ય ભાષાઓમાં પણ વિસ્તરશે.

