Human Body Stardust: તારાઓની ધૂળથી બનેલું છે આપણું શરીર: જાણો બ્રહ્માંડની આ રસપ્રદ હકીકત

Arati Parmar
4 Min Read

Human Body Stardust: આપણા શરીર વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણું શરીર હાડકાં, લોહી, શ્વાસ બધું જ જૂના તારાઓમાંથી આવ્યું છે! આપણે બધા સ્ટારડસ્ટ છીએ, એટલે કે તારાઓની ધૂળમાંથી બનેલા. તમારા શરીરમાં 7 ઓક્ટિલિયન એટમ (પરમાણુ) છે. 7 ઓક્ટિલિયન એટલે 7ની પાછળ 27 શૂન્ય! જો આ સંખ્યાને કરોડમાં બદલીએ, તો પણ એ 700,000,000,000,000,000,000 કરોડ થાય. આનો અર્થ એ થયો કે આખા બ્રહ્માંડમાંથી આવેલા કણોએ મળીને તમને બનાવ્યા છે.

તમારા શરીરમાં કેટલા પરમાણુ છે?

- Advertisement -

એક સરેરાશ વ્યક્તિના (જેનું વજન લગભગ 70 કિલો હોય) શરીરમાં અંદાજે 7 ઓક્ટિલિયન પરમાણુઓ આવેલા છે. તમારું શરીર આ પરમાણુઓનો એક વિશાળ સંગ્રહ છે, જે સતત બદલાતો રહે છે કારણ કે તમે શ્વાસ લો છો અને ખોરાક ખાઓ છો, જેનાથી નવા પરમાણુઓ ઉમેરાતા રહે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધા પરમાણુઓ અબજો વર્ષો જૂના છે. તેઓ પૃથ્વી પર બન્યા નથી, પરંતુ બ્રહ્માંડમાં ઉત્પન્ન થયા છે, જેનો અર્થ છે કે તમારું અસ્તિત્ત્વ તારાઓની ધૂળ(StarDust)માંથી થયું છે.

શરીરના મુખ્ય તત્ત્ત્વો શું છે અને તેમનું પ્રમાણ કેટલું?

વજનના માપદંડ પ્રમાણે જોઈએ તો, તમારું શરીર મુખ્યત્ત્વે છ તત્ત્વોથી બનેલું છે. સૌથી મોટો હિસ્સો ઓક્સિજન(65%)નો છે, જે પાણી અને હવાનો ભાગ હોવાથી હાડકાં અને સ્નાયુઓમાં સૌથી વધુ હોય છે. એ પછી કાર્બન (18%) આવે છે, જે આપણા કોષો અને DNAનો આધાર છે. ત્રીજા નંબરે હાઇડ્રોજન (10%) છે, જે પાણી(H2O)નો મહત્ત્ત્વનો ભાગ છે. આ ત્રણ તત્ત્વો મળીને લગભગ 93% વજન બનાવે છે. બાકીનામાં નાઇટ્રોજન (3%) જે પ્રોટીન અને સ્નાયુઓ માટે જરૂરી છે, કેલ્શિયમ (1.5%) જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે અને ફોસ્ફરસ (1%) જે હાડકાં અને ઊર્જા (ATP)માં ભાગ ભજવે છે, તેમનો સમાવેશ થાય છે.

પરમાણુઓની સંખ્યાના આધારે જોઈએ તો, તમારા શરીરમાં સૌથી વધુ પ્રમાણ હાઇડ્રોજન(63%)નું છે. જોકે તે સૌથી હલકો હોવાથી વજનમાં ઓછો ગણાય છે. આ પછી ઓક્સિજન (24%) અને કાર્બન (12%)નું સ્થાન આવે છે. આ રીતે, શરીરનો કુલ 96% હિસ્સો માત્ર ચાર તત્ત્વો ઓક્સિજન (O), હાઇડ્રોજન (H), કાર્બન (C) અને નાઇટ્રોજન (N)થી બનેલો છે. બાકીના માત્ર 1%માં લોહીમાં રહેલું લોખંડ (Fe) અને નસોમાં મદદ કરતું પોટેશિયમ (K) જેવા અન્ય મહત્ત્વના તત્ત્વોનો સમાવેશ થાય છે

આ તત્ત્વો ક્યાંથી આવ્યા?

તમારા શરીરના તત્ત્વો પૃથ્વી પર નથી બન્યા, પરંતુ તેમની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલાંના બિગ બેંગ સાથે જોડાયેલી છે. શરુઆતમાં માત્ર હલકા તત્ત્વો જેવા કે હાઇડ્રોજનઅને હિલિયમ જ બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે, તમારા શરીરનો 60% હાઇડ્રોજન લગભગ બ્રહ્માંડ જેટલો જ જૂનો છે! બાકીના ભારે તત્ત્વો, જેમ કે કાર્બન, નાઇટ્રોજન, અને ઓક્સિજન નાના તારાઓની અંદર બને છે, જ્યારે કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો મોટા તારાઓમાં ઉત્પન્ન થયા. જ્યારે કોઈ તારો મૃત્યુ પામે છે અને સુપરનોવા વિસ્ફોટ થાય છે, ત્યારે આ બધા તત્ત્વો અંતરિક્ષમાં ફેલાઈ જાય છે.

આ રીતે, તમારા શરીરના લગભગ 93% ભાગના તત્ત્વો તારાઓમાંથી આવ્યા છે. તમારા લોહીમાં રહેલું લોખંડ પણ તારાઓના કેન્દ્રમાં બનીને સુપરનોવા દ્વારા ફેલાયેલું છે, જે અબજો વર્ષ જૂનું છે. ટૂંકમાં, આ તત્ત્વોના વાદળોમાંથી સૌરમંડળ અને પછી પૃથ્વી બની, જેના કારણે આપણું અસ્તિત્ત્વ છે. તમારી દરેક શ્વાસમાં રહેલો ઓક્સિજન તારાઓની દેન છે, જે સાબિત કરે છે કે આપણે બધા બ્રહ્માંડનો એક અભિન્ન ભાગ છીએ.

Share This Article