MYC Cancer Research: AIએ કેન્સરના MYC પ્રોટીનને રોકવા માટે સૂચવ્યો નવો રસ્તો, 700થી વધુ રિસર્ચ પેપર વાંચીને શોધી કાઢ્યા 108 સંભવિત ઉપાય

Arati Parmar
4 Min Read

કેન્સર સામેની લડાઈમાં AIની નવી પહેલ, 108માંથી એક પદ્ધતિને આગળ વધારવા લાયક માની, હવે લેબમાં થશે પરીક્ષણ

MYC Cancer Research: કેન્સરની સારવારમાં વૈજ્ઞાનિકોની સામે સૌથી મુશ્કેલ પડકારોમાંથી એક MYC નામનું પ્રોટીન છે. આ પ્રોટીન ઘણા પ્રકારના કેન્સરમાં જરૂર કરતાં વધારે સક્રિય થઈ જાય છે. તેનાથી કેન્સર કોષોને ઝડપથી વધવામાં મદદ મળે છે. ડૉક્ટર અને વૈજ્ઞાનિકો લાંબા સમયથી તેને રોકવાનો રસ્તો શોધી રહ્યા છે, પરંતુ MYCને સીધું નિશાન બનાવવું સરળ રહ્યું નથી.

હવે આ મુશ્કેલ સવાલ પર AIએ એક નવો રસ્તો સૂચવ્યો છે. નેચરના રિપોર્ટ અનુસાર, અમેરિકાની વાઇટહેડ ઇન્સ્ટિટ્યૂટની સંશોધક એના પર્ટલે ગૂગલના AI ટૂલ કો-સાયન્ટિસ્ટને પૂછ્યું કે MYCને રોકવાની કોઈ નવી અને વ્યવહારુ રીત શું હોઈ શકે. આ સામાન્ય ચેટબોટની જેમ એક જવાબ આપીને અટકી જતી સિસ્ટમ નથી. તે અનેક AI એજન્ટ્સની મદદથી રિસર્ચ પેપર વાંચે છે, અલગ-અલગ રસ્તાઓ વિશે વિચારે છે, તેમની તપાસ કરે છે અને પછી વધુ સારો આઇડિયા પસંદ કરે છે. પર્ટલે આ સવાલ જુલાઈની એક સાંજે AI સિસ્ટમને આપ્યો હતો. બીજા દિવસ સુધીમાં કો-સાયન્ટિસ્ટ 700થી વધુ રિસર્ચ પેપર વાંચી ચૂક્યું હતું. તેણે MYCને રોકવાની 108 સંભવિત રીતો સૂચવી હતી. ત્યારબાદ તેણે 107 રીતોને ઓછા ઉપયોગી અથવા અવ્યવહારુ માનીને દૂર કરી દીધી અને એક રીતને આગળ વધારવા લાયક માની હતી.

- Advertisement -

AIનું સૂચન અત્યાર સુધીની તમામ રીતોથી અલગ રહ્યું

AIનું સૂચન જૂની રીતોથી અલગ હતું. અત્યાર સુધી વૈજ્ઞાનિકો કેન્સર કોષોમાં રહેલા કેટલાક પ્રોટીન સમૂહોને તોડવા અથવા દૂર કરવાની દિશામાં વિચારી રહ્યા હતા. AIએ ઉલટો રસ્તો સૂચવ્યો. તેણે કહ્યું કે આ પ્રોટીન સમૂહોને તોડવાને બદલે એકબીજા સાથે ચોંટાડી દેવા જોઈએ. એટલે કે કેન્સર કોષની અંદર કેટલાક પ્રોટીન MYC સાથે જોડાયેલા DNAને વાંચવામાં અને સક્રિય કરવામાં મદદ કરે છે. જો આ પ્રોટીન સમૂહોને એક જગ્યાએ ચોંટાડી દેવામાં આવે તો DNAને યોગ્ય રીતે વાંચી શકાશે નહીં. તેનાથી MYCની પ્રવૃત્તિ નબળી પડી શકે છે અને કેન્સર કોષની ગતિ ધીમી થઈ શકે છે.

AIના સૂચન પર હવે પરીક્ષણ ચાલી રહ્યું છે

વાઇટહેડ ઇન્સ્ટિટ્યૂટના બાયોઇન્જિનિયર કલોન ઓવરહોલ્ટે આ આઇડિયાને ખૂબ જ મજબૂત અને વિચારવા લાયક ગણાવ્યો. તેમણે કહ્યું કે તેમની ટીમે અગાઉ આ રીતે વિચારવાની કલ્પના પણ કરી નહોતી. જોકે, તેનો અર્થ એ નથી કે કેન્સરની નવી સારવાર મળી ગઈ છે. આ હજુ પ્રારંભિક વૈજ્ઞાનિક વિચાર છે. વાસ્તવિક પરીક્ષણ લેબમાં થશે, જ્યાં એ જોવામાં આવશે કે શું આ રીત ખરેખર કેન્સર કોષોમાં MYCની પ્રવૃત્તિ ઘટાડી શકે છે અને શું તેને સુરક્ષિત સારવારમાં બદલી શકાય છે.

- Advertisement -

MYC શું છે અને તેને રોકવું મુશ્કેલ કેમ છે?

MYC શરીરમાં રહેલું એક પ્રોટીન છે, જે કોષોની વૃદ્ધિ અને તેમની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સામાન્ય સ્થિતિમાં તે જરૂરી ભૂમિકા ભજવે છે, પરંતુ ઘણા કેન્સરમાં આ જ પ્રોટીન જરૂર કરતાં વધારે સક્રિય થઈ જાય છે. ત્યારબાદ કોષો ઝડપથી વધવા લાગે છે અને કેન્સર ફેલાવાનું જોખમ વધી જાય છે. તેને રોકવું એટલા માટે મુશ્કેલ છે, કારણ કે MYCને સીધું પકડીને બંધ કરતી દવાઓ બનાવવી સરળ રહી નથી. આ જ કારણસર વૈજ્ઞાનિકો હવે MYCને સીધું રોકવાને બદલે તેની કાર્યપ્રણાલીને નબળી બનાવવાની નવી રીતો શોધી રહ્યા છે.

- Advertisement -
Share This Article