Smartphone Charger Color Science: શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે સ્માર્ટફોન અવનવા રંગોમાં આવે છે, તો તેના ચાર્જર કેમ માત્ર કાળા કે સફેદ જ હોય છે? કંપનીઓ ફોનના કલર સાથે મેચ થાય તેવા ચાર્જર કેમ નથી બનાવતી? કદાચ તમને લાગતું હશે કે કંપનીઓ ચાર્જર પર ધ્યાન નથી આપતી, પણ હકીકતમાં ચાર્જરના આ બે રંગો પાછળ વિજ્ઞાન, સેફ્ટી અને બિઝનેસ જેવા મોટા કારણો જવાબદાર છે. ચાલો સમજીએ કે કંપનીઓ આવું કેમ કરે છે.
હીટ કંટ્રોલનું વિજ્ઞાન
ચાર્જરના સફેદ અને કાળા રંગ પાછળનું સૌથી મોટું કારણ હીટ કંટ્રોલ (ગરમીનું નિયંત્રણ) છે. કોઈપણ ચાર્જર જ્યારે ડિવાઇસને ચાર્જ કરે છે ત્યારે તે ગરમ થાય છે. સફેદ અને કાળો રંગ ગરમીને બહાર કાઢવામાં (Heat Dissipation) મદદ કરે છે. આ બંને રંગો ચાર્જરની ગરમીને અમુક હદ સુધી કંટ્રોલ કરે છે, જેનાથી ઓવર હીટિંગનો ખતરો ઓછો થઈ જાય છે.
પ્રોડક્શનમાં સસ્તું અને સરળ
કંપનીઓ લાખો-કરોડોની સંખ્યામાં ચાર્જર બનાવે છે. આવા સમયે કાળો અને સફેદ રંગ પસંદ કરવો કંપનીઓ માટે ઘણો સસ્તો પડે છે. ચાર્જરની પ્લાસ્ટિક બોડી બનાવતી વખતે કંપનીઓને અલગ-અલગ રંગો માટે કેમિકલ કે ડાય (Dye) વાપરવી પડતી નથી. જો અલગ-અલગ કલરના ચાર્જર બનાવવા જાય તો મશીનોની સફાઈ અને કલર મેનેજમેન્ટમાં ઘણો ખર્ચ વધી જાય. આથી ખર્ચ ઘટાડવા માટે આ બે રંગો જ બેસ્ટ છે.
યુઝર ફ્રેન્ડલી રંગ
ચાર્જર માટે કાળો કે સફેદ રંગ એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે તે ગ્રાહકો માટે પણ સરળ રહે છે. જો ચાર્જર ફોનના રંગ સાથે મેચિંગ હોય અને તે ખરાબ થઈ જાય, તો યુઝરે બજારમાં એ જ કલરનું ચાર્જર શોધવા માટે હેરાન થવું પડે. કાળા કે સફેદ રંગના કારણે યુઝર કોઈપણ વિચાર વગર સરળતાથી બીજું ચાર્જર ખરીદી શકે છે.
સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે બેસ્ટ
ચાર્જર લોન્ચ કરતા પહેલા તેને ફાયર સેફ્ટી અને શોર્ટ-સર્કિટ જેવા ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. કાળા અને સફેદ જેવા ન્યુટ્રલ રંગો પર બળવાના નિશાન, ધુમાડો કે પ્લાસ્ટિક પીગળવાનું જલ્દી દેખાઈ આવે છે. આનાથી ટેસ્ટિંગ કરવું સરળ બને છે. વળી, આ રંગોના પ્લાસ્ટિક ફોર્મ્યુલા પહેલેથી જ પ્રમાણિત (Certified) હોય છે, જેના કારણે કંપનીઓને જલ્દી મંજૂરી મળી જાય છે.

