MyPNG-D Portal: સરકારે LPG થી PNG પર શિફ્ટ થવાની ગતિ વધારવા માટે ખાસ MyPNG-D પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી તમારે ગેસ એજન્સીના ધક્કા ખાવા પડશે નહીં. જો તમારી પાસે PNG કનેક્શન હોય, તો તમે તમારું LPG કનેક્શન સરળતાથી સરેન્ડર કરી શકો છો. નોંધનીય છે કે, જે વિસ્તારોમાં ગેસ પાઈપલાઈન ઉપલબ્ધ છે ત્યાં લોકોને PNG કનેક્શન લેવા માટે સરકારે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
એવામાં લોકોને કનેક્શન લેવામાં અને LPG કનેક્શન સરેન્ડર કરવામાં સમસ્યા ન થાય તે માટે MyPNG-D પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે.
સરકારે શું ફેરફાર કર્યા?
અહેવાલો અનુસાર, તાજેતરમાં સરકારે નિયમોમાં ફેરફાર કરીને સ્પષ્ટ કર્યું છે કે જે વિસ્તારોમાં ગેસ પાઈપલાઈન ઉપલબ્ધ છે, ત્યાં લોકોએ ૩ મહિનામાં PNG કનેક્શન પર શિફ્ટ થવું પડશે. જો તેમ કરવામાં નહીં આવે તો LPG સિલિન્ડર કનેક્શન બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણય LPG ગેસ સિલિન્ડરની અછતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જે લોકો પાસે પહેલેથી જ PNG કનેક્શન છે, તેઓ આ પોર્ટલ દ્વારા ઘરે બેઠા પોતાનું સિલિન્ડર સરેન્ડર કરી શકે છે.
તમારા કયા કામનું છે MyPNG-D પોર્ટલ?
MyPNG-D પોર્ટલને LPG કનેક્શનને PNG પર શિફ્ટ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. તેની મદદથી લોકો ડિજિટલ રીતે પોતાનું સિલિન્ડર કનેક્શન સરેન્ડર કરી શકે છે અને PNG કનેક્શન માટે અરજી પણ કરી શકે છે. તમે આ પોર્ટલને MyPNGD.in પર જઈને એક્સેસ કરી શકો છો. આ પોર્ટલની મદદથી લોકોના સમયની પણ બચત થશે.
MyPNG-D પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો?
MyPNG-D પોર્ટલ એક્સેસ કરવા માટે તમારે MyPNGD.in પર જવું પડશે અને LPG કનેક્શનના કન્ઝ્યુમર આઈડી (ગ્રાહક આઈડી) ની મદદથી એકાઉન્ટ બનાવીને લોગઈન કરવું પડશે.
ત્યારબાદ તમારે ‘Switch to PNG’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
હવે તમારે તમારા જૂના કનેક્શનને સરેન્ડર કરવા માટે ડિજિટલ ફોર્મ ભરવું પડશે.
આ પછી ગેસ કંપની તમારો સંપર્ક કરશે અને પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા ઘરેથી સિલિન્ડર કલેક્ટ કરી લેવામાં આવશે.

