OneTagથી FASTag પોર્ટ કરવું બન્યું સરળ, ઘરે બેઠા માત્ર આ સ્ટેપ્સથી બદલો લિંક્ડ બેન્ક અકાઉન્ટ
OneTag FASTag: હવે જો તમારે FASTag બદલવો હોય તો ગાડીની વિન્ડશીલ્ડ પર લાગેલા સ્ટિકરને ઉખાડવાની જરૂર નહીં પડે. હકીકતમાં રાજમાર્ગ યાત્રા ઍપ પર હવે OneTag નામનું ફીચર આવી ગયું છે. તેની મદદથી તમે તમારા હાલના FASTagને સિમકાર્ડની જેમ જ પોર્ટ કરી શકશો. OneTagને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે મુંબઈમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં લૉન્ચ કર્યું છે.
નોંધનીય છે કે અત્યાર સુધી FASTag બદલાવવા માટે યુઝરે હાલના FASTagને બંધ કરીને નવો FASTag બનાવડાવવો અને ઑર્ડર કરવો પડતો હતો. આ ઉપરાંત જૂના FASTag સ્ટિકરને ગાડીમાંથી કાઢીને નવું લગાવવું પણ પોતાનામાં મોટું કામ હતું. હવે રાજમાર્ગ યાત્રા ઍપના પહેલા પેજ પર જ તમને OneTag નામનો ઑપ્શન મળી જશે, જેની મદદથી તમે થોડા સ્ટેપ્સમાં તમારા FASTagને નવા બેન્ક અકાઉન્ટ પર શિફ્ટ કરી શકશો.
શું છે OneTag?
આ એક નવો ઑપ્શન છે, જેને FASTag પોર્ટ કરવાની સુવિધા માટે રાજમાર્ગ યાત્રા ઍપમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને તમે ઍપના હોમ પેજ પર જ જોઈ શકશો. જો તમે કોઈ કારણસર તમારા FASTag સાથે લિંક થયેલી બેન્ક બદલવા માંગતા હોવ તો આ ઑપ્શનની મદદથી તે કામ થોડા સ્ટેપ્સમાં સરળતાથી પૂર્ણ કરી શકશો. તેમાં તમારો FASTag બદલાશે નહીં, માત્ર FASTag સાથે લિંક થયેલું બેન્ક અકાઉન્ટ બદલાશે.
SIMની જેમ આ રીતે પોર્ટ કરો FASTag
જે રીતે અત્યાર સુધી તમે તમારા ફોનના SIMને સરળતાથી પોર્ટ કરી શકતા હતા, તે જ રીતે OneTag ઑપ્શનની મદદથી FASTagને એક બેન્કમાંથી બીજી બેન્કમાં પોર્ટ કરી શકશો.
- આ માટે તમારે ફોનમાં રાજમાર્ગ યાત્રા ઍપ ઇન્સ્ટૉલ કરી લેવાની છે અને જે નંબર સાથે તમારો FASTag લિંક થયેલો છે, તે જ નંબરથી ઍપમાં OTPની મદદથી લૉગઇન કરવાનું છે.
- ત્યારબાદ હોમ સ્ક્રીન પર દેખાતા OneTag ઑપ્શન પર ક્લિક કરો અને Check Portability પર ક્લિક કરો.
- ત્યારબાદ Get Started પર ક્લિક કરીને તમારી ગાડીનો નંબર દાખલ કરો અને Proceed પર ક્લિક કરો.
- ત્યારબાદ સિસ્ટમ તપાસ કરશે કે તમારો FASTag પોર્ટ કરી શકાય છે કે નહીં અને ચેકિંગ બાદ તમને માહિતી ફરી એક વખત ચેક કરવા માટે કહેવામાં આવશે.
- ડિટેલ્સને ક્રૉસ ચેક કર્યા બાદ Proceed પર ક્લિક કરો અને Get OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ OTP દાખલ કરીને શરતો સ્વીકારી લો. ત્યારબાદ તમને તમારી હાલની લિંક થયેલી બેન્ક તરફથી આગળ વધવા માટે એક SMS પણ મળશે.
- હવે આપવામાં આવેલી બેન્કોની લિસ્ટમાંથી એક પસંદ કરો.
- ત્યારબાદ જૂની બેન્કનું રિફંડ સેટલમેન્ટ થવા દો, આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારો FASTag નવી બેન્ક સાથે લિંક થઈ જશે.
આ બાબતોનું ધ્યાન રાખો
- જો તમે રાજમાર્ગ યાત્રા ઍપ પર OneTag ફીચરની મદદથી તમારા FASTagને પોર્ટ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તમારો તે મોબાઇલ નંબર ઍક્ટિવ રાખો, જે FASTag સાથે લિંક થયેલો છે. FASTagને પોર્ટ કરવાની પ્રક્રિયા દરમિયાન એ જ નંબર પર તમને OTP મળશે, જેના વિના પ્રક્રિયા પૂર્ણ થઈ શકશે નહીં.
- આ પ્રક્રિયા શરૂ કરતા પહેલાં એ પણ ચેક કરો કે હાલના FASTag વૉલેટમાં બૅલેન્સ નેગેટિવ ન હોય. આ ઉપરાંત તમારા હાલના FASTag પર પેન્ડિંગ ચલણ અથવા ટોલ ચાર્જ પણ ન હોવો જોઈએ. આવું હોય તો પોર્ટ કરવાની વિનંતી કૅન્સલ પણ થઈ શકે છે.
- ધ્યાન રાખો કે બેન્ક પોર્ટ કર્યા બાદ જૂના FASTagના બૅલેન્સ અને સિક્યોરિટી ડિપોઝિટને સેટલ થવામાં થોડા દિવસનો સમય લાગી શકે છે. આ માટે બેન્ક પોર્ટ થયા બાદ સ્ટેટસને ટ્રૅક કરતા રહો. સમસ્યા થાય તો બેન્કનો સંપર્ક કરો.
- જો તમારો FASTag કોઈ કારણસર બ્લૉક, બ્લૅકલિસ્ટેડ હોય અથવા તેની ચિપ ડૅમેજ થઈ ગઈ હોય તો તેને પોર્ટ કરી શકાશે નહીં. આવી સ્થિતિમાં તમારે નવો ટૅગ લેવો પડશે.

