OpenAI free ChatGPT Plus accounts India: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની ઓપનએઆઈ (OpenAI) ભારતમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટી પહેલ શરૂ કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે, અમે આગામી છ મહિનામાં ભારતમાં પાંચ લાખ ChatGPT Plus એકાઉન્ટનું ફ્રી એક્સેસ આપીશું. આ યોજનાનો હેતુ AI પ્લેટફોર્મ દ્વારા શિક્ષણ અને શૈક્ષણિક પ્રક્રિયાને વધુ સારી બનાવવાનો છે.
ChatGPTની મફત સુવિધા ત્રણ રીતે ઉપલબ્ધ થશે
આ યોજનાને અમલમાં મૂકવા માટે ઓપનએઆઈ ભારતની સરકારી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહી છે. આ પહેલ હેઠળ ChatGPTની મફત સુવિધા ત્રણ રીતે ઉપલબ્ધ થશે.
શિક્ષણ મંત્રાલય: ધોરણ 1 થી 12 ના સરકારી શાળાના શિક્ષકોને આ અકાઉન્ટ્સ આપવામાં મદદ કરશે. AICTEની મદદથી દેશભરની ટેકનિકલ સંસ્થાઓ સાથે મળીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડિજિટલ અને રિસર્ચ કૌશલ્યો સુધારવામાં મદદ કરશે. આ ઉપરાંત ARISEમાં નોંધાયેલી સ્કૂોલમાં ધોરણ 1 થી 12ના શિક્ષકોને આ સુવિધા પૂરી પાડશે, જેથી તેઓ બાળકોને ભણાવતી વખતે શિક્ષકો AI ટૂલ્સનો ઉપયોગ કરી શકે.
ઓપનએઆઈએ ભારતમાં પ્રથમવાર કાર્યક્રમ શરૂ કર્યો
આ પ્રયાસ ઓપનએઆઈના ‘લર્નિંગ એક્સલરેટર’ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી રહ્યો છે, જે ભારતમાં પ્રથમવાર શરૂ થયો છે. કંપનીએ જણાવ્યું કે આ પહેલનો હેતુ AI ને એક એવું શૈક્ષણિક સાધન બનાવવાનો છે જે વિષયની ઊંડી સમજ વિકસાવવામાં મદદ કરે. આનો ઉપયોગ માત્ર તાત્કાલિક જવાબો મેળવવા કે શોર્ટ-કટ તરીકે નહીં, પરંતુ શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે થશે.
ઓપનએઆઈએ એજ્યુકેશન હેડની પણ નિમણૂક કરી
ઓપનએઆઈએ આ ક્ષેત્રમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાઘવ ગુપ્તાને ભારત અને એશિયા-પેસિફિક માટે એજ્યુકેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અગાઉ Coursera માં ભારત અને એશિયા-પેસિફિકના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. ગુપ્તાએ જણાવ્યું કે, ભારતમાં શિક્ષણ એવા તબક્કામાં છે જ્યાં AI ખરેખર ક્રાંતિ લાવી શકે છે. આનો હેતુ માત્ર ટેકનોલોજી આપવાનો નથી, પરંતુ શિક્ષકો અને સંસ્થાઓ સાથે મળીને શિક્ષણને વધુ સુધારવાનો છે, જેથી વિદ્યાર્થીઓને એવા ભવિષ્ય માટે તૈયાર કરી શકાય જ્યાં AI એક મુખ્ય કૌશલ્ય હશે.
ઓપનએઆઈએ IIT મદ્રાસ સાથે પાંચ લાખ ફંડ સાથે સમજૂતી કરી
આ ઉપરાંત, ઓપનએઆઈ ભારતમાં સંશોધનને પણ ટેકો આપી રહી છે. કંપનીએ શિક્ષણમાં AI ની ભૂમિકા પર લાંબા ગાળાના અભ્યાસ માટે આઈઆઈટી મદ્રાસ સાથે 5 લાખ ડોલરના ફંડ સાથે સમજૂતી કરી છે. આ સંશોધનમાં એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કે ChatGPT જેવા સાધનો સમય જતાં ભણાવવાની પદ્ધતિઓને કેવી રીતે બદલી શકે છે અને તેનાથી વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થઈ શકે છે.