OpenClaw AI Agent: OpenClaw એક ઓપન-સોર્સ AI એજન્ટ છે, જેણે ટેકનોલોજીની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. તેણે Mac Mini જેવા કમ્પ્યુટર્સને ખાસ AI મશીનોમાં ફેરવી દીધા છે. ઈન્ટરનેટ પર આ અંગે ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. મોટી સંખ્યામાં યુઝર્સ પોતાની પોસ્ટમાં જણાવી રહ્યા છે કે તેઓ તેને કેવી રીતે સેટઅપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર Apple Mac Mini ને ઓનલાઈન શોપિંગ કાર્ટમાં મૂકીને સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આટલી લોકપ્રિયતા મળવા દરમિયાન જ આ પ્રોજેક્ટનું નામ પણ ઘણી વખત બદલવામાં આવ્યું—પહેલા તે ClawdBot, પછી Moltbot અને અંતે OpenClaw નામે સામે આવ્યું.
આખરે શું છે ઓપનક્લો (OpenClaw)?
OpenClaw ને ઓસ્ટ્રિયાના ઉદ્યોગસાહસિક પીટર સ્ટેઈનબર્ગર દ્વારા બનાવવામાં આવ્યું છે, જેઓ ડેવલપર્સમાં જાણીતા ટૂલ PSPDFKit માટે પ્રખ્યાત છે. આ ટૂલ ChatGPT કે Claude જેવા AI ચેટબોટ્સ કરતા બિલકુલ અલગ રીતે કામ કરે છે. ChatGPT કે Claude સામાન્ય રીતે બ્રાઉઝર ટેબમાં ચાલે છે અને ત્યાં સુધી રાહ જુએ છે જ્યાં સુધી યુઝર તેમને કંઈ પૂછે નહીં. પરંતુ બીજી તરફ, OpenClaw ને તમે તમારા પોતાના કમ્પ્યુટર કે સર્વર પર ઇન્સ્ટોલ કરો છો, જ્યાં તે સતત બેકગ્રાઉન્ડમાં ચાલતું રહે છે. એટલે કે તે માત્ર જવાબ આપનાર ચેટબોટ નથી, પરંતુ એક એવો AI એજન્ટ છે જે તમારી સિસ્ટમ પર હંમેશા એક્ટિવ રહીને કામ કરે છે અને તમારી સૂચનાઓ મુજબ અલગ-અલગ ટાસ્ક જાતે જ સંભાળી શકે છે.
મેસેજિંગ એપ્સ દ્વારા કરી શકો છો વાત
OpenClaw ની ખાસ વાત એ છે કે તમારે કોઈ નવું કે અઘરું ઈન્ટરફેસ શીખવાની જરૂર પડતી નથી. તમે તેની સાથે WhatsApp, Telegram કે Discord જેવી સામાન્ય મેસેજિંગ એપ્સ દ્વારા જ વાત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે મેસેજ કરો- ‘મેં મને જે PDF ઈમેલ કરી છે, તેના ટોપ ત્રણ પોઈન્ટ્સનો સારાંશ બનાવો અને મારા પ્રોજેક્ટ મેનેજરને મોકલી દો,’ તો OpenClaw પોતાની મેળે ઈમેલ ખોલશે, PDF વાંચશે, તેની માહિતી સમજશે અને પછી મેસેજ મોકલી દેશે. એટલે કે એક સાધારણ મેસેજ પાછળ તે અનેક કામો આપોઆપ પૂરા કરી દે છે.
૨ ખાસ ફીચર્સ
OpenClaw ને તેના ૨ ફીચર્સ વધુ ખાસ બનાવે છે. પહેલું છે તેની મેમરી. OpenClaw એક લોકલ ફાઈલ રાખે છે, જેને Soul.md કહેવામાં આવે છે, જેમાં તમારી પાછલી વાતચીત, તમારી પસંદ-નાપસંદ અને જરૂરી વિગતો સેવ રહે છે. તેનું બીજું ફીચર છે ફ્લેક્સિબિલિટી (લવચીકતા). તેને નાના-નાના એડ-ઓન દ્વારા વધુ કામ કરવા લાયક બનાવી શકાય છે, જેને ‘AgentSkills’ કહેવામાં આવે છે. ડેવલપર્સ આ સ્કીલ્સને સેન્ટ્રલ ડિરેક્ટરીમાં શેર કરે છે. આ સ્કીલ્સ બિલકુલ મોબાઈલ એપ્સની જેમ કામ કરે છે, જેની મદદથી OpenClaw સ્માર્ટ લાઈટ્સ કંટ્રોલ કરી શકે છે, શેરબજારના રેટ ટ્રેક કરી શકે છે અથવા કોઈ ખાસ કામને સરળતાથી અંજામ આપી શકે છે.

