Param-2 AI Model Launch: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ભારત એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. AI Impact Summit 2026 માં ‘પરમ-2’ (Param-2) નામનું બહુભાષી એઆઈ મોડલ લોન્ચ કરવામાં આવશે, જેમાં ૧૭ અબજ પેરામીટર્સ હશે. ‘ભારતજેન’ (BharatGen) પહેલ હેઠળ બનાવવામાં આવી રહેલું પરમ-2 ભારતનું પોતાનું સ્વદેશી, સાર્વભૌમ AI મોડલ છે, જેને ખાસ કરીને ભારતની અલગ-અલગ ભાષાઓ, વહીવટી જરૂરિયાતો અને સાંસ્કૃતિક સંદર્ભોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે. આ મોડલ ભારત માટે વિશેષ રૂપે ઓપ્ટિમાઇઝ્ડ AI ટેકનોલોજી તૈયાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ભારતજેન એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થિત ભારતની રાષ્ટ્રીય જનરેટિવ એઆઈ પહેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કાર્યક્રમે ઘણો મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ જ કારણે આજે ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ થઈ ગયું છે, જે મોટા અને અદ્યતન એઆઈ મોડલ જાતે વિકસાવવાની ક્ષમતા ધરાવે છે.
કેમ છે ખાસ?
‘પરમ-2’ ભારતની તમામ ૨૨ અનુસૂચિત ભાષાઓને સપોર્ટ કરે છે, જેને ‘ભારત ડેટા સાગર’ હેઠળ ભારત સાથે જોડાયેલા ડેટાસેટ્સ પર ટ્રેન કરવામાં આવ્યું છે. આ મોડલ ‘મિક્સચર-ઓફ-એક્સપર્ટ્સ’ (Mixture-of-Experts) આર્કિટેક્ચર પર આધારિત છે, જેનાથી તે અઘરા બહુભાષી કાર્યોને વધુ સારી અને અસરકારક રીતે હેન્ડલ કરવામાં સક્ષમ બને છે.
AI ફ્યુચર બનાવવાનો ઉદ્દેશ્ય
ભારતજેનના અગ્રણી આર્કિટેક્ટમાંના એક, આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર ગણેશ રામકૃષ્ણને જણાવ્યું હતું કે આ લોન્ચિંગ માત્ર એક નવું એઆઈ મોડલ બહાર પાડવા પૂરતું નથી. તેમણે જણાવ્યું કે ભારતજેન ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓની સંયુક્ત મહેનતનું પરિણામ છે. તેમનું કહેવું છે કે આનો હેતુ એ છે કે ભારત પોતાનું AI ફ્યુચર જાતે બનાવી શકે અને તે દિશામાં આગળ વધી શકે.
ચેટજીપીટી કે ગૂગલ જેમિનીથી કેવી રીતે છે અલગ?
ચેટજીપીટી (ChatGPT) કે ગૂગલ જેમિની (Google Gemini) જેવા મોટા ગ્લોબલ એઆઈ પ્લેટફોર્મ્સની સરખામણીમાં ભારતજેન પોતાની એક અલગ પદ્ધતિ અપનાવે છે. ભારતજેન કોઈ બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર સર્વિસની જેમ કામ કરતું નથી. તેના બદલે, તેના એઆઈ મોડલને ‘રાષ્ટ્રીય જાહેર ડિજિટલ મિલકત (Public Digital Good)’ તરીકે જાહેર કરવામાં આવે છે. આનો ફાયદો એ છે કે સરકારી વિભાગો, બેંકો, હોસ્પિટલો, અદાલતો અને શાળાઓ-કોલેજો આ મોડલનો ઉપયોગ તેમની સિસ્ટમમાં તેમની જરૂરિયાત મુજબ કરી શકે છે.

