YouTube Global Outage: યૂટ્યુબ અને એની સાથે યૂટ્યુબ મ્યુઝિક અને યૂટ્યુબ ટીવી એપ્લિકેશનનું દુનિયાભરમાં આઉટેજ જોવા મળ્યું છે. આ આઉટેજને કારણે દુનિયાભરના 8 લાખથી વધુ યુઝર્સને અસર થઈ હતી. ગુરુવારે ભારતમાં વહેલી સવારે 4:30ની આસપાસ એરર મેસેજ આવવાનું શરૂ થયું હતું. મોબાઇલની એપ્લિકેશનમાં સમથિંગ વેન્ટ રોંગ મેસેજ આવી રહ્યો હતો. ગૂગલ દ્વારા ત્યાર બાદ જાહેરાત કરવામાં આવી છે કે તેમણે આ સમસ્યાનું સમાધાન લાવી દીધું છે. ભારતમાં પણ ઘણાં યુઝર્સ પર એની અસર થઈ હતી. જોકે આ આઉટેજ કેમ આવ્યું હતું એ વિશે જાણો.
ગ્લિચને કારણે વીડિયો સ્ટ્રીમિંગ અને મ્યુઝિકમાં આવી હતી એરર
આ આઉટેજની શરૂઆત બુધવારે રાતે શરૂ થઈ હતી. ઘણાં યુઝર્સને તકલીફ પડી રહી હતી. જોકે ગુરુવારે સવારે 4:30ની આસપાસ યુઝર્સને એરર મેસેજ આવવાના શરૂ થઈ ગયા હતા. વેબ બ્રાઉઝર અને ટીવી તેમજ મોબાઇલ દરેક જગ્યાએ એરર આવી હતી. આ માટે વીડિયો અને મ્યુઝિક દરેક સર્વિસ બંધ થઈ ગઈ હતી. યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલા વીડિયો અને મ્યુઝિક ચાલી રહ્યાં હતાં, પરંતુ નવા સ્ટ્રીમ નહોતા થઈ રહ્યાં.
8 લાખ યુઝર્સે કર્યા રિપોર્ટ
દુનિયાભરમાં થયેલાં આઉટેજને કારણે અંદાજે 8 લાખ યુઝર્સ દ્વારા આ વિશે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એમાં યૂટ્યુબ, યૂટ્યુબ મ્યુઝિક અને યૂટ્યુબ ટીવીનો સમાવેશ થાય છે. અમેરિકામાં અંદાજે 3,66,000 યુઝર્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. ભારતમાં પણ ઘણાં યુઝર્સને આ સમસ્યા આવી હતી. અંદાજે 63 ટકા યુઝર્સને એરર આવતાં તેઓ વીડિયો નહોતાં સ્ટ્રીમ કરી શકતા હતા. 30 ટકા યુઝર્સને મોબાઇલ એપ્લિકેશનમાં તકલીફ પડી રહી હતી.
હેકર્સ દ્વારા કરવામાં આવ્યો હતો અટેક?
આ આઉટેજનું કારણ હજી સુધી જણાવવામાં નથી આવ્યું, પરંતુ એવી ચર્ચા ચાલી હતી કે તેમની સિસ્ટમમાં ગ્લિચ આવી હતી. X એકાઉન્ટ ‘ડાર્ક સ્ટ્રોમ ટીમ’ એક હેકર્સ ગ્રુપ સાથે સંકળાયેલું છે. આ ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમણે યૂટ્યુબની DDoS (ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ) પર અટેક કર્યો હતો. જોકે યૂટ્યુબ અને ગૂગલ દ્વારા હજી સુધી આ સાઇબર અટેક થયો હોવાનું સ્વિકારવામાં નથી આવ્યું. ગૂગલ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું કે તેમની સર્વિસમાં સમસ્યા આવી છે અને તેઓ એના પર કામ કરી રહ્યાં છે.
સર્વિસ શરૂ કરી યૂટ્યુબે
યૂટ્યુબ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું હતું કે આઉટેજ થયું છે અને એના પર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ યૂટ્યુબ દ્વારા ફરી કહેવામાં આવ્યું હતું કે આ સમસ્યાનું સમાધાન લાવી દેવામાં આવ્યું છે. આ વિશે ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે ‘યૂટ્યુબની દરેક સર્વિસ પર આ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. ધીરજ રાખવા બદલ અમે દરેકનો આભાર માનીએ છીએ. યૂટ્યુબ, યૂટ્યુબ મ્યુઝિક અને યૂટ્યુબ ટીવીનું એક્સેસ ફરી શરૂ કરવા માટે અમારી ટેક્નિકલ ટીમે એના પર સતત કામ કર્યું હતું.’