ChatGPT Adult Content Access: OpenAI દ્વારા ચેટજીપીટીની પોલિસીમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેન દ્વારા એ વિશે જાહેરાત કરવામાં આવી છે. આથી કેટલાક યુઝર્સ હવે ચેટજીપીટી પર એડલ્ટ કન્ટેન્ટને એક્સેસ કરી શકશે. સેમ ઓલ્ટમેન દ્વારા આ માહિતી પોસ્ટ કરીને જણાવવામાં આવી છે. તેમના દ્વારા આ કન્ટેન્ટ ફક્ત એડલ્ટ માટે છે એટલે કે બાળકોને એનાથી દૂર રાખવામાં આવશે. આ માટે ઉંમરને લઈને નિયમ લાગુ કરવામાં આવશે અને એ અનુસાર યુઝર્સ સર્વિસને એક્સેસ કરી શકશે. જોકે ઉંમર માટે યુઝર્સે વેરિફાય કરાવવાનું રહેશે. OpenAI દ્વારા હજી એ વાતની જાહેરાત કરવામાં નથી આવી કે એડલ્ટ કન્ટેન્ટમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એ મળશે એ નક્કી છે. OpenAI દ્વારા કરવામાં આવેલા બદલાવમાંનો આ સૌથી મોટો બદલાવ છે.
યુઝર્સની જરૂરિયાત કે પછી ગ્રોકનું પ્રેશર
ઇલોન મસ્કના ગ્રોક દ્વારા માર્કેટમાં ખૂબ જ પ્રેશર છે. ગ્રોક AI યુઝર્સ સાથે એડલ્ટ વાત પણ કરી શકે છે. યુઝર્સને સબ્સ્ક્રિપ્શન દ્વારા એડલ્ટ કન્ટેન્ટનું એક્સેસ મળી શકે છે. આ કન્ટેન્ટને લઈને ઘણી વાર વિવાદ પણ થયો હતો. જોકે એમ છતાં ઇલોન મસ્ક પર એની કોઈ અસર નહોતી થઈ. આથી આ ફીચર હવે OpenAIમાં પણ આવી રહ્યું છે. યુઝર્સને ખરેખર એડલ્ટ કન્ટેન્ટની જરૂર છે કે પછી ગ્રોકને કારણે જે પ્રેશર છે એને પહોંચી વળવા માટે OpenAI દ્વારા આ ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે.
પોલિસી વિશે શું કહ્યું સેમ ઓલ્ટમેનએ?
સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે ચેટજીપીટીના આગામી વર્ઝનને ખૂબ જ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ઝન દ્વારા યુઝર્સને કોઈ પણ પ્રકારની માનસિક નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે યુઝર્સને ઘણાં કન્ટેન્ટથી દૂર રાખવામાં આવશે. આ એવા કન્ટેન્ટ હતાં જેનાથી માનસિક રીતે સ્વસ્થ હોય એવા લોકોને પણ નુકસાન થયું હતું. આ કન્ટેન્ટને હવે ચેટજીપીટીની નવી પોલિસી હેઠળ દૂર રાખવામાં આવ્યા છે. સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે અમારી પાસે હવે નવા ટૂલ્સ છે. આ ટૂલ્સનો ઉપયોગ કરનાર યુઝર્સને પ્રતિબંધિત કન્ટેન્ટનો ઉપયોગ કરવા સામે કેટલીક છૂટછાટ આપવામાં આવશે. આ ટૂલને પેરેન્ટલ ટૂલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અન્ય પ્લેટફોર્મ પણ કરી રહ્યું છે બદલાવ
દુનિયાના ઘણાં દેશોમાં બાળકોની સુરક્ષાને લઈને ઘણાં સવાલ ઊભા થઈ રહ્યા છે. આથી OpenAI જ નહીં, પરંતુ એની સાથે મોટાભાગના પ્લેટફોર્મ્સમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. બાળકોની સેફ્ટી માટે અલગ પોલિસી અને ફીચર્સ કાઢવામાં આવી રહ્યા છે. તેમ જ મોટાભાગના ફીચર્સનું કન્ટ્રોલ પેરેન્ટ્સને આપવામાં આવી રહ્યું છે. આથી બાળકોની સેફ્ટીને પ્રાધાન્ય આપવામાં આવશે તો જ એ પ્લેટફોર્મ કામ કરી શકશે એ નક્કી છે. ભારતમાં પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા ટીનએજર એકાઉન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.