Tesla Full Self-Driving Safety Review: ઇલોન મસ્કના નેતૃત્વ ધરાવતી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા તેની ઍડ્વાન્સ ટૅક્નોલૉજી અને ફીચર્સ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ ઍડ્વાન્સ ટૅક્નોલૉજીની સાથે સાથે ટેસ્લા અનેક વિવાદોનો સામનો કરી રહી છે. જેમાં ઇલોન મસ્કે ડ્રાઇવિંગ ઇતિહાસનું સૌથી મોટું સોફ્ટવેર અપગ્રેડ ગણાવેલું ‘ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ’ ફીચર વિવાદનો મુખ્ય વિષય બન્યું છે. આ ફીચર પર સુરક્ષા એજન્સીઓની લાલ આંખ છે.
ટૅક્નોલૉજી-સલામતી વચ્ચે તફાવત
અમેરિકાના રસ્તા પર લાખો ટેસ્લા કાર આજ એક પ્રયોગનો હિસ્સો છે. જે નક્કી કરશે કે શું મશીનો ખરેખર માણસો જેટલા બુદ્ધિશાળી અને જવાબદાર બની શકે છે. ટૅક્નોલૉજીએ ઓટોમેશનમાં નવી સીમાઓ તોડી છે, ત્યારે હવે એ પૂછવું જરૂરી છે: શું આપણે આ દોડમાં સલામતીને પાછળ છોડી દીધી છે? યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન(NHTSA)એ જાહેરાત કરી છે કે તે ટેસ્લાના “ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ” (FSD) સોફ્ટવેરની વ્યાપક તપાસ કરશે. આનાથી ટૅક્નોલૉજી અને સલામતીનો આંતરછેદ વિવાદાસ્પદ તબક્કે આવી ગયો છે.
ફરિયાદોમાં વધારો
કાર માલિકોની ફરિયાદોથી તપાસ શરુ થઈ હતી. કેટલાક કિસ્સાઓમાં, FSD સિસ્ટમથી સજ્જ કાર ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટમાં પણ રોડ ક્રોસ કરતી હતી, કેટલીક રસ્તાની વિરુદ્ધ બાજુએ કાર હંકારી રહી હતી, અને કેટલીક રેલ્વે ક્રોસિંગ પર પણ રોકાતી ન હોવાની ફરિયાદો મળી હતી. NHTSA એ જણાવ્યું હતું કે તપાસ એવી પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં સિસ્ટમ ડ્રાઇવરને ભૂલ સુધારવા માટે પૂરતો સમય આપતી નથી, ખાસ કરીને રેલ્વે ક્રોસિંગ અને રોડ ક્રોસિંગ દરમિયાન.
29 લાખ કારની તપાસ
મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, અસંખ્ય વીડિયોમાં ટેસ્લાની કારને રેલ્વે ક્રોસિંગ પર રોકવામાં નિષ્ફળતા અથવા લાલ લાઇટ ચાલુ હોય કે ફાટક બંધ હોય ત્યારે રેલ્વે ક્રોસિંગ ગેટ નીચેથી પસાર થતી દર્શાવવામાં આવી છે. આ આરોપોએ NHTSAને તપાસની દિશા નક્કી કરવા માટે પ્રેરિત કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે, FSD ટૅક્નોલૉજીથી સજ્જ આશરે 29 લાખ ટેસ્લા કારની તપાસ કરવામાં આવશે. આ તપાસ ફક્ત થોડા વાહનો સુધી મર્યાદિત નથી; તેમાં FSD સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા આશરે 29 લાખ ટેસ્લા વ્હિકલ્સ સમાવિષ્ટ છે. જેમાં મોડલ 3, મોડલ X પણ આવરી લેવાશે. જે કારમાં FSD હોય, તે ચકાસણીને પાત્ર છે. NHTSA એ સ્પષ્ટ કર્યું કે વાહનની એકંદર સ્થિતિની તપાસ કરવામાં આવશે જેથી તે નક્કી કરી શકાય કે તે સંપૂર્ણપણે સેલ્ફ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે.
ઇલોન મસ્કે આપી પ્રતિક્રિયા
ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક સોશિયલ મીડિયા પર FSD વિશે બડાઈ મારી રહ્યા છે. તેમણે અનેક ટ્વિટઅને પોસ્ટ્સ શેર કરી દાવો કર્યો છે કે, FSD v14.1એ લોસ એન્જલસના ટ્રાફિકમાં લગભગ એક કલાક સુધી સેલ્ફ ડ્રાઇવિંગ કર્યું છે. શહેરની શેરીઓથી માંડી હાઇવે સુધી, રાહદારીઓ અને ચાલુ બાંધકામ વચ્ચે કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના સુચારુ રીતે કાર ડ્રાઇવ થઈ રહી છે. મસ્કે ટેસ્લા કારનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે મલ્ટી-સ્ટોરી મોલ પાર્કિંગ લોટમાં સેલ્ફ-ડ્રાઇવિંગ મોડમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. મસ્ક દ્વારા આવી પોસ્ટ્સ નિઃશંકપણે ટેસ્લા સમર્થકોમાં નોંધપાત્ર ઉત્સાહ પેદા કરે છે. પરંતુ NHTSA પુરાવાના આધારે કામ કરવા માગે છે. અને જો સલામતીના ધોરણોનું ઉલ્લંઘન થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરશે.
ફૂલ સેલ્ફ-ડ્રાઇવિંગ ટૅક્નોલૉજી
ટેસ્લાની ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) ટૅક્નોલૉજી એક અદ્યતન ઓટોપાયલટ સિસ્ટમ છે જે કારને સ્વતંત્ર રીતે સ્ટીયરિંગ, ટર્ન, ઓવરટેક અને પાર્ક કરવાની મંજૂરી આપવા માટે રચાયેલી છે. આ સિસ્ટમ કેમેરા, અલ્ટ્રાસોનિક સેન્સર અને ન્યુરલ નેટવર્ક-આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરી ટ્રાફિક, સિગ્નલ, લેન માર્કિંગ અને રસ્તા પર રાહદારીઓને શોધે છે. ઉલ્લેખનીય છે, ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગમાં તે સંપૂર્ણપણે સ્વાયત્ત નથી. ડ્રાઇવરે હંમેશા સતર્ક રહેવું જોઈએ અને જો જરૂરી હોય તો કંટ્રોલ લેવા માટે તૈયાર રહેવું પડે છે.