Meta Messenger App Shutdown: મેટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે મેસેન્જર એપ્લિકેશનને વિન્ડોઝ અને મેક માટે બાય-બાય કહી રહ્યાં છે. આ એપ્લિકેશન 15 ડિસેમ્બરથી જોવા નહીં મળે. આ તારીખ બાદ યુઝર્સને મેસેજ એક્સેસ કરવા માટે ઓટોમેટિક ફેસબુકની વેબસાઇટ પર લઈ જવામાં આવશે. કંપની દ્વારા આ વિશે યુઝર્સને જણાવવામાં આવશે. ઘણાં લેપટોપ યુઝર્સ મેસેન્જરનો ઉપયોગ કરતાં હતાં, પરંતુ હવે એનો જોઈએ એટલો ઉપયોગ ન થઈ રહ્યો હોવાથી કાઢવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
વેબ વર્ઝનનો ઉપયોગ કરવો પડશે યુઝર્સે
ફેસબુક દ્વારા લેપટોપ પર કામ કરતાં યુઝર્સને ધીમે-ધીમે આ વિશે માહિતી આપવામાં આવી રહી છે. આથી મેસેન્જરનો ઉપયોગ કરનાર યુઝર્સ એના પર નિર્ભર રહેવા કરતાં ફેસબુક વેબસાઇટનો ઉપયોગ કરી શકે એ માટે તેમને સમય આપવામાં આવી રહ્યો છે. આ મેસેન્જર બંધ થઈ રહ્યું છે એની માહિતી તેમને એપ્લિકેશનની અંદર નોટિફિકેશન દ્વારા આપવામાં આવી રહી છે. તેમની પાસે ફેસબુક વેબસાઇટનો ઉપયોગ કરવા અને એની સાથે સુસંગત થવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. આ સમય બાદ મેસેન્જરમાં લોગ-ઇન પણ નહીં કરી શકાશે. મેટા દ્વારા આ એપ્લિકેશનને ડિલીટ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે 15 ડિસેમ્બર બાદ એ કામ નહીં કરે.
2024ના સપ્ટેમ્બરમાં લેવામાં આવ્યો હતો નિર્ણય
મેટા દ્વારા 2024ના સપ્ટેમ્બરમાં મેસેન્જરની જગ્યાએ વેબ એપનો ઉપયોગ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ નિર્ણયના એક વર્ષ પછી આ એપ્લિકેશનને બંધ કરવામાં આવી રહી છે. આ માટે કંપનીએ યુઝર્સને તેમની ચેટ હિસ્ટ્રી માટે પિન સેટ કરવા માટે અને સ્ટોરેજ રાખવા માટે કહેવામાં આવ્યું છે. વેબ વર્ઝનનો ઉપયોગ શરૂ કરવામાં આવતાં જ દરેક ચેટ હિસ્ટ્રી દરેક ડિવાઇસ પર યુઝર્સ જોઈ શકશે.
ચેટ હિસ્ટ્રી મળી રહેશે યુઝર્સને
મેટા દ્વારા આ વિશે જાહેરાત કરતાં ઘણાં મેસેન્જર યુઝર્સને તેમની ચેટ હિસ્ટ્રીને લઈને ચિંતા થઈ રહી હતી. જોકે મેટા દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે તેમની ચેટ એકદમ સિક્યોર છે. દરેક યુઝર્સને તેમના દરેક મેસેજ અને ડેટા મળી રહેશે. જોકે આ માટે યુઝર્સ દ્વારા સિક્યોર સ્ટોરેજને એનેબલ કરવી પડશે. આ માટે યુઝર્સે સેટિંગ્સમાં જઈને પ્રાઇવસી અને સેફ્ટીમાં એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ ચેટમાં મેસેજ સ્ટોરેજ ફીચરને ચાલુ કરવાનું રહેશે.
ફેસબુક એકાઉન્ટ ન હોય એવા યુઝર્સને પણ મળશે પર્યાય
ફેસબુક મેસેન્જરનો ઉપયોગ ફેસબુક પર એકાઉન્ટ ન હોય એવા યુઝર્સ પણ કરી રહ્યાં હતાં. આથી આ મેસેન્જર બંધ થતાં તેમને તકલીફ પડી શકે છે. આ માટે મેટા દ્વારા તેમને messenger.com પર શિફ્ટ કરવામાં આવ્યાં છે. તેમણે પણ ફેસબુક પ્રોફાઇલ વગર હવે મેસેન્જરનો ઉપયોગ વેબસાઇટ દ્વારા કરી શકશે. મેટા હવે તેની મેસેન્જર સર્વિસને વેબ અને મોબાઇલ પ્લેટફોર્મ સાથે એક કરવા માગે છે. આથી જ તેમણે ડેસ્કટોપ એપ્લિકેશનને બંધ કરી દીધી છે.