Google AI hide ads feature: ગૂગલ દ્વારા હાલમાં જ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમના સર્ચ અને ડિસ્કવર પેજ પર યુઝર્સ હવે એડ્સને હાઇડ કરી શકશે. આ બદલાવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી રજૂ કરવામાં આવેલા નવા ફીચર્સ દ્વારા શક્ય બન્યું છે. એનાથી યુઝર્સ માટે આ ખૂબ જ યુઝર-ફ્રેન્ડલી પ્લેટફોર્મ બનશે. ગૂગલ દ્વારા ઘણાં નવા ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ એમાં સૌથી મહત્ત્વનું એડ્સને હાઇડ કરવાનું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એડ્સને પેજ પર હાઇડ કરી શકશે જેથી તેમના કામમાં અડચણ ઊભી ન થાય.
એડ્સને કેવી રીતે હાઇડ કરશો?
ગૂગલ પર જ્યારે પણ સર્ચ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં ગૂગલ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલું રિઝલ્ટ જોવા મળે છે. આ માટે જે-તે કંપનીઓ પૈસા ચૂકવતી હોય છે, પરંતુ ગૂગલ આ એડ્સને પહેલાં દેખાડે છે. આથી યુઝર્સ હવે આ પ્રકારના સ્પોન્સર્ડ કન્ટેન્ટને તેમના સર્ચમાં હાઇડ કરી શકે છે. આ માટે ‘હાઇડ સ્પોન્સર્ડ રિઝલ્ટ’ બટન આપવામાં આવ્યું છે. એના પર ક્લિક કરતાં એ ગૂગલ સર્ચમાં નહીં દેખાય. જોકે એને સંતાડવામાં આવી હોવા છતાં સ્ક્રીન પર એક બટન જોવા મળશે. આ બટન પર ‘સ્પોન્સર્ડ રિઝલ્ટ’ લખેલું હશે. સર્ચ પેજ પર એડ તો નહીં દેખાશે, પરંતુ આ બટન જરૂર દેખાશે અને એના પર ક્લિક કરતાં જ તમામ એડ્સ પાછી આવી જશે. આથી એડ્સને હાઇડ તો કરવામાં આવશે, પરંતુ યુઝર્સના દિમાગમાં એ એડ્સને હાઇડ કરવામાં આવી છે એ પણ રાખવામાં આવશે જેથી તેઓ એને જોઈ શકે.
ટેક્સ્ટ એડ્સને પણ હાઇડ કરી શકાશે
ગૂગલ સર્ચમાં જે-તે વસ્તુ સર્ચ કરવામાં આવી હોય એના વિશે AI ઓવરવ્યુ આપવામાં આવે છે. આ ઓવરવ્યુ એટલે યુઝર્સ દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હશે એ વિશે ટૂંકમાં ગૂગલ AI દ્વારા જણાવવામાં આવે છે. આ ઓવરવ્યુની ઉપર અને નીચે ‘સ્પોન્સર રિઝલ્ટ’ દેખાડવામાં આવશે. એમાં ટેક્સ્ટ એડ્સને હાઇડ કરવામાં આવી હશે. એમાં દરેક ટેક્સ્ટ એડ્સને એક ગ્રુપમાં રાખવામાં આવી હશે. આ ફીચર પણ ‘હાઇડ સ્પોન્સર રિઝલ્ટ’ની જેમ જ કામ કરે છે.
સ્પોર્ટ્સ અપડેટ્સ માટે પણ આપ્યું છે એક બટન
એડ્સને સંતાડવાની સાથે ગૂગલ તેના સર્ચ અને ડિસ્કવર પેજ માટે નવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે. કોઈ પ્લેયર અથવા તો ટીમ વિશે સ્પોર્ટ્સ સેક્શનમાં સર્ચ કરવામાં આવી રહ્યું હશે ત્યારે એ રિઝલ્ટની સાથે એક નવું બટન રજૂ કરવામાં આવશે. આ બટન પર લખ્યું હશે ‘વોટ્સ ન્યૂ’. એના પર ક્લિક કરતાં યુઝર દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હશે એ વિશેની તમામ લેટેસ્ટ ન્યુઝ અને અપડેટ્સને રજૂ કરવામાં આવશે. એ વિશેના આર્ટિકલ પણ ત્યાં આવી જશે. આથી યુઝર્સ જે-તે વિશે લેટેસ્ટ માહિતી મેળવી શકે.
ડિસ્કવર ફીડમાં આવશે AI પ્રીવ્યુ
મોબાઇલની ગૂગલ એપમાં જે ડિસ્કવર પેજ છે એમાં પણ હવે AI ફીચર આપવામાં આવી રહ્યું છે. યુઝર દ્વારા જે સર્ચ કરવામાં આવ્યું હશે એ વિશે હવે શોર્ટ પ્રીવ્યુ આપવામાં આવશે. યુઝરે એમાં વધુ માહિતી વાંચવી હોય અને અન્ય લિંક પર જવું હોય તો એક્સપાન્ડ ટેબ પર ક્લિક કરીને એ મેળવી અને જોઈ શકે છે. આ ફીચર દ્વારા યુઝર્સને જે-તે વસ્તુ વિશે અન્ય પબ્લિશર અને કંપનીઓ વિશેની તમામ માહિતી વિશે અવગત રાખવા માટે બનાવવામાં આવ્યું છે. જોકે AI જનરેટેડ જવાબને કારણે મીડિયા ચેનલ, વેબસાઇટ અને પ્લેટફોર્મના વ્યુઝમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.