Social media impact on youth: અત્યારે સમગ્ર વિશ્વમાં જુદા જુદા દેશોમાં યુવાનો ખાસ કરીને જેન-ઝી જે તે દેશની સરકાર સામે કોઈ ને કોઈ મુદ્દે હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. હમણાં આપણા પડોશી દેશો બાંગ્લાદેશ અને ત્યાર પછી નેપાળમાં આવું જ થયું.
આ બધી ઘટનાઓમાં યુવાનોનો આક્રોશ ભડકાવવામાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. તેની પાછળ અમેરિકા કે ચીન જેવા દેશોનો દોરીસંચાર પણ હોઈ શકે છે. લોકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યંત વધી ગયો છે અને સોશિયલ મીડિયામાં અલ્ગોરિધમને કારણે કોઈ પણ વાતને બહુ સહેલાઈથી દાવાનળની જેમ ફેલાવી શકાય છે.
આજના સોશિયલ મીડિયાનું સર્જન કરનારા ટેક એક્સપર્ટ વર્ષોથી કહેતા આવ્યા છે કે સોશિયલ મીડિયા આવું સ્વરૂપ લેશે તેવી તેમને કલ્પના નહોતી, હવે તેને કારણે બહુ સહેલાઈથી કોઈ પણ દેશમાં સિવિલ વોર ઊભી કરી શકાય એવું પણ શક્ય છે. વિવિધ દેશોમાં તેના ઉદાહરણો આપણે જોઈ જ રહ્યા છીએ.
હવે આ આખી વાતમાં એક નવો ટ્વીસ્ટ આવ્યો છે. અમેરિકાના ન્યૂ યોર્ક સિટી એડમિનિસ્ટ્રેશને મેટા, ગૂગલ, સ્નેપચેટ, ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ સામે અદાલતમાં કેસ કર્યો છે. સિટી એડમિનિસ્ટ્રેશનનો દાવો છે કે આ બધી કંપનીઓ બહુ બેજવાબદારીપૂર્વક વર્તી રહી છે અને લોકો બહુ નાની ઉંમરથી સોશિયલ મીડિયાના વ્યસની બની રહ્યા છે. તેને કારણે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. એટલું જ નહીં ન્યૂ યોર્ક સિટી એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે સોશિયલ મીડિયાને કારણે પબ્લિક ન્યૂસન્સ ઊભું થઈ રહ્યું છે.
સિટી એડમિનિસ્ટ્રેશને આ બધી કંપનીઓ સામે ૩૨૭ પેજની ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ટેક કંપનીઓએ તેમનાં પ્લેટફોર્મ એવી રીતે ડિઝાઇન કર્યાં છે કે વધુ ને વધુ બાળકો તેનો ઉપયોગ કરતાં થાય તથા એવા અલ્ગોરિધમ તૈયાર કર્યાં છે જે યૂઝર ડેટાનો બાળકો સામે હથિયાર તરીકે ઉપયોગ કરીને તેમનું વ્યસન વધુ ઘેરું બનાવે છે.