NPCI Diwali Online Fraud Alert: દિવાળીની ખરીદીમાં સાવધાન રહો: NPCIએ આપી છેતરપિંડીથી બચવા 4 મહત્વની સલાહો

Arati Parmar
By Arati Parmar 4 Min Read

NPCI Diwali Online Fraud Alert: દિવાળી નજીક હોવાથી લોકો ખરીદી વધુ કરે છે. પૈસાની લેવડદેવડ જેટલી વધે છે એટલી જ છેતરપિંડી થવાના ચાન્સ વધુ છે. આથી દિવાળી પર છેતરપિંડીથી બચવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. કોઈ પણ ડિજિટલ પેમેન્ટ કરતાં પહેલાં એને અનુસરવાથી મોટાભાગની છેતરપિંડીથી પોતાને સુરક્ષિત રાખી શકાશે. NPCIનું કહેવું છે કે કોઈ પણ પેમેન્ટ કરતાં પહેલાં અટકો, વિચાર કરો અને ત્યાર બાદ પેમેન્ટ કરો. છેતરપિંડી કરનારને ખબર હોય છે કે હાલમાં દિવાળી ચાલી રહી હોવાથી કોઈ પાસે સમય ન હોવાથી તેણે ઉતાવળમાં કોઈ પણ પગલું ભરી શકે છે.

ઓફિશિયલ વેબસાઇટ અને એપ્સ પરથી શોપિંગ કરવી

- Advertisement -

NPCIનું કહેવું છે કે આ સમયે ફક્ત ઓફિશિયલ વેબસાઇટ અને એપ્લિકેશન પરથી જ શોપિંગ કરવી જોઈએ. છેતરપિંડી કરનાર દ્વારા મોટાભાગે ખોટી એપ્લિકેશન બનાવવામાં આવે છે. દિવાળી સેલ દરમિયાન આ પ્રકારની ખોટી લિંક મોકલી યુઝરની પર્સનલ માહિતી અને બેન્કની ડિટેઇલ ચોરી લે છે. આ પ્રકારના સ્કેમથી બચવા માટે યુઝરે ગૂગલમાં અથવા તો વેબ એડ્રેસમાં પોતે એડ્રેસ લખવું. કોઈ લિંક પર ક્લિક કરીને સાઇટ પર ન જવું. બની શકે તો ઓફિશિયલ એપ્લિકેશન હોય એનો ઉપયોગ કરવો. મેસેજ અથવા તો ઇમેલ દ્વારા મળતી લિંક અથવા તો એપ્લિકેશનથી દૂર રહેવું.

ચેકઆઉટ પેજ પર ટ્રાન્ઝેક્શન ચેક કરવું

NPCIનું કહેવું છે કે જે તે વેબસાઇટ અથવા તો એપ્લિકેશનના ચેકઆઉટ પેજ પર ટ્રાન્ઝેક્શન ચેક કરવું. એ વાતનું ધ્યાન રાખવું કે જે પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે એ જે તે એપ્લિકેશન અને વેબસાઇટ પર જ થઈ રહ્યું છેને. ઘણી વાર સ્કેમ કરનાર યુઝર્સને અલગ UPI અથવા તો ID આપીને પેમેન્ટ કરાવે છે. આ પ્રકારના પેમેન્ટથી દૂર રહેવું. સેલરની માહિતી ચેક કર્યા બાદ જ પેમેન્ટ કરવું. તેમજ પેમેન્ટ વખતે પણ દરેક માહિતી બરાબર વાંચવી.

OTP અને એકાઉન્ટ ડિટેઇલ માગનારથી દૂર રહેવું

યુઝર્સ પાસે જ્યારે પણ OTP અથવા તો બેન્ક ડિટેઇલ માગવામાં આવે ત્યારે એનાથી દૂર રહેવું જોઈએ. NPCIએ જણાવ્યું છે કે છેતરપિંડી કરનાર રીવોર્ડ્સ, ઓફર અને ફેસ્ટિવલ ગિફ્ટની લાલચ આપી યુઝર્સ પાસે માહિતી કઢાવી લે છે. ગિફ્ટના પૈસા ખાતામાં જમા કરાવવા માટે બેન્ક નંબર માગી શકે છે. તેમ જ એ માટે OTP જોઈતો હોવાનું પણ કહે છે. આ માટે કેટલીક ફી પણ માગવામાં આવી શકે છે. NPCI કહે છે કે સાચી ઓફર અને ગિફ્ટ માટે કંપની ક્યારેય પણ યુઝર્સ પાસે આ પ્રકારની માહિતી નથી માગતી. OTPનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન કરવા માટે થાય છે અને બેન્ક અથવા તો પેમેન્ટ્સ એપ્લિકેશન ફોન કરીને આ વિશે ક્યારેય નથી માગતી.

પ્રેશરમાં આવીને કોઈ કામ ન કરવું

NPCI દ્વારા દરેક યુઝરને કહેવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ ટ્રાન્ઝેક્શન પ્રેશરમાં આવીને નહીં કરે. છેતરપિંડી કરનાર આ સમયે થોડી જ મિનિટ માટે આ સ્કીમ અથવા તો ઓફર છે એવું કહીને યુઝર્સ પાસે પૈસા પડાવી લે છે. આથી તેમને વિચારવાનો સમય નથી મળતો. આ સાથે જ ઘણી વાર એવું પણ કહેવામાં આવે છે કે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. આથી NPCI કહે છે કે કોઈ પણ બેન્ક આ રીતે યુઝર્સને ફોન કરીને તેમની પાસે આટલી જલ્દી કામ નથી કરાવતું. તેઓ હંમેશાં નજીકની બ્રાન્ચ પર આવવા માટે કહે છે. આથી કોઈ પણ પ્રકારની વાતમાં આવી યુઝર્સને ટ્રાન્ઝેક્શન ન કરવાની સલાહ આપવામાં આવી છે.

Share This Article