Smartphone Document Scanning: અત્યારના સમયમાં આપણે કાગળ પરના ઘણા ડોક્યુમેન્ટને ડિજિટલ ફોર્મેટમાં ફેરવીને અન્ય લોકો સાથે શેર કરવાનાં હોય છે. સ્માર્ટફોન આજના સમય જેટલા હાથવગા નહોતા ત્યારે આપણે ઝેરોક્સ શોપ પર જવું પડતું. આપણા હાથમાં સ્માર્ટફોન આવતા આખી વાત ઘણી સહેલી બની. શરૂઆતમાં આપણે ડોક્યુમેન્ટનો ફોટોગ્રાફ લઇને તેનું ડિજિટલ ફોર્મેટ મેળવ્યાનો સંતોષ લેતા હતા. પરંતુ તેમાં ક્લેરિટીની ઘણી મુશ્કેલી થતી. ફોટોગ્રાફમાં કાં વધુ પડતા પ્રકાશના ધબ્બા દેખાય અથવા કોઈ ને કોઈ ભાગમાં પડછાયો રહી જતા એ ભાગ કાળો દેખાય.
એ પછી વિવિધ ઓનલાઇન સર્વિસમાં ડોક્યુમેન્ટના ફોટોગ્રાફ લેવાને બદલે તેને સ્કેન કરવાની સગવડ મળી. આવા ફીચરનો ઉપયોગ કરીને આપણે કોઈ ડોક્યુમેન્ટને ફોનથી સ્કેન કરીએ તો તે ડોક્યુમેન્ટની સારી ઝેરોક્સ કોપી જેવી ઇમેજ તૈયાર કરી આપે. અલબત્ત તેમાં પણ આપણે થોડી ઘણી કસરત કરવી પડે. જે તે સર્વિસમાંનું સ્કેનર ઓપન કરીને આખરે તો ડોકયુમેન્ટની ઇમેજ જ લેવી પડે અને પછી તેમાં મેન્યુઅલી કોન્ટ્રાસ્ટ તથા બ્રાઇટનેસ એડજસ્ટ કરવાં પડે.
હવે આખી વાત ઘણી વધુ સહેલી બનશે. એન્ડ્રોઇડમાં ડોક્યુમેન્ટનું સ્કેનિંગ વધુ ઝડપી બનશે અને છતાં બહેતર પરિણામ આપશે. આ માટે ગૂગલ નવી સ્કેનર ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જેને કારણે આપણે કોઈ ડોક્યુમેન્ટ ફોનથી સ્કેન કરીશું તો તેની ક્લેરિટી અને ક્વોલિટી આપોઆપ સુધારવામાં આવશે. આપણે મેન્યુઅલી કશું કરવાની જરૂર રહેશે નહીં.
નવા પ્રકારે થતા સ્કેનિંગનો લાભ આપણને ગૂગલ ડ્રાઇવ, ફાઇલ્સ બાય ગૂગલ તથા ગૂગલના પિકસેલ જેવા ફોનમાં કેમેરા એપમાં મળવા લાગશે. આ બધી એપ્સમાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્કેન કરીશું તો તેની ક્લેરિટી આપોઆપ સુધારીને પ્રિવ્યૂ બતાવવામાં આવશે. આપણને તેનાથી સંતોષ ન થાય તો સ્કેન્ડ ડોક્યુમેન્ટને તેના મૂળ ફોર્મેટમાં પરત લાવી શકીશું અને પછી તેમાં જાતે ફેરફાર કરી શકીશું.
આ ફીચરનો લાભ લેવા માટે આપણે કશું નવું ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. ગૂગલ ડ્રાઇવ કે ફાઇલ્સ બાય ગૂગલ જેવી આપણા ફોનમાંની એપ અપડેટ થશે એ સાથે તેમાં આ નવા ફીચરનો લાભ મળવા લાગશે.