Telecom Subscribers: ભારતીય ટેલિકોમ ક્ષેત્રના જુલાઈના પરિણામો આવી ગયા છે, જેનાથી જાણવા મળે છે કે આ મહિનો ઘણી હલચલભર્યો રહ્યો. આ પરિણામોમાંથી જે મુખ્ય વાત સામે આવે છે તે એ છે કે દેશમાં વાયરલેસ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં કુલ 0.43%નો માસિક વધારો નોંધાયો છે. કમાલની વાત એ રહી કે આ મહિનામાં ચારેય ટેલિકોમ ઓપરેટર્સ એટલે કે રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઇડિયા (Vi) અને સરકારી કંપની BSNLએ નવા ગ્રાહકો ઉમેર્યા છે. જોકે માત્ર MTNLના ગ્રાહકોમાં ઘટાડો થયો છે.
કુલ વાયરલેસ અને મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ વધ્યા
રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2026ના અંત સુધી કુલ વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ એટલે કે મોબાઇલ અને ફિક્સ્ડ વાયરલેસ યુઝર્સની સંખ્યા વધીને 1,306.27 મિલિયન થઈ ગઈ છે. જૂનમાં આ સંખ્યા 1,300.25 મિલિયન હતી.
માત્ર મોબાઇલ ગ્રાહકોની વાત કરીએ તો આ આંકડો 1,282.38 મિલિયનથી વધીને 1,287.92 મિલિયન પર પહોંચી ગયો છે.
કઈ કંપનીએ બાજી મારી
જુલાઈના આંકડા અનુસાર સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થયો. જુલાઈમાં એરટેલે 2,688,348 નવા યુઝર્સ ઉમેર્યા. જ્યારે બીજા નંબરે જિયો રહ્યો, જેણે 2,446,727 નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા.
આ મહિનામાં Viએ 240,114 અને સરકારી કંપની BSNLએ 168,874 નવા ગ્રાહકો બનાવ્યા. જ્યારે MTNLને 5,744 ગ્રાહકોનું નુકસાન થયું.
બ્રોડબેન્ડમાં Jioનું રાજ
જુલાઈ 2026ના આંકડાઓથી એ પણ સ્પષ્ટ થયું છે કે દેશમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે 5G FWA એટલે કે ફિક્સ્ડ વાયરલેસ એક્સેસનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. દેશમાં હાલમાં 5G FWA સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા 13.21 મિલિયન છે, જેમાં રિલાયન્સ જિયો 9.27 મિલિયન યુઝર્સ સાથે સૌથી આગળ છે. જ્યારે બીજા નંબરે એરટેલ 3.93 મિલિયન યુઝર્સ સાથે છે.
વાયરવાળા એટલે કે ફિક્સ્ડ વાયરલાઇન બ્રોડબેન્ડમાં પણ જિયો પ્રથમ નંબરે યથાવત છે. જુલાઈના અંત સુધી આ બજારમાં જિયોના 1.47 કરોડ ગ્રાહકો હતા, જ્યારે એરટેલના લગભગ 34 લાખ ઓછા એટલે કે 1.13 કરોડ ગ્રાહકો હતા. જુલાઈમાં જિયોએ 5G વાયરલેસમાં લગભગ 1.56 લાખ નવા કનેક્શન ઉમેર્યા છે.

