TRAI Spam Call Rules: જો તમે નકલી કોલ્સ અને અજાણ્યા મેસેજથી પરેશાન રહેતા હો, તો હવે કેન્દ્ર સરકાર તરફથી તમને મોટી રાહત મળી શકે છે. હકીકતમાં, નિયમોનો ભંગ કરતી ટેલિકોમ કંપનીઓ પર સીધો દંડ ફટકારવાનો અધિકાર TRAI એટલે કે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળને સરકાર આપી શકે છે. અત્યાર સુધી નિયમોનું પાલન કરાવવા અને દંડ ફટકારવા માટે TRAIના માર્ગમાં અનેક પ્રકારની કાનૂની અને ટેકનિકલ અડચણો આવી રહી હતી.
આ ઉપરાંત લોકોની ફરિયાદો પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં દૂરસંચાર મંત્રાલય વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં લાગ્યું છે.
TRAIને મળશે સત્તા
હાલમાં કોઈ ટેલિકોમ કંપની સ્પામ કોલ્સ સાથે જોડાયેલા નિયમોનો ભંગ કરે છે, તો TRAI સીધો દંડ ફટકારવાને બદલે તેની ભલામણ દૂરસંચાર વિભાગને કરી શકતું હતું. જોકે, કાનૂની ગૂંચવણોને કારણે કંપનીઓ ઘણીવાર દંડથી બચી જતી હતી અથવા TDSATમાં જઈને આદેશો પર સ્ટે મેળવી લેતી હતી.
હવે સરકાર આ છટકબારીને બંધ કરીને TRAIને એવી સત્તા આપવાની દિશામાં કામ કરી રહી છે, જેના દ્વારા કંપનીઓ પર દંડ ફટકારવાનો અધિકાર સીધો TRAIને મળી જશે.
સ્પામ કોલ્સ અંગે ફરિયાદોમાં વધારો
1. આંકડાઓ પર નજર કરીએ તો, 2022 પછીથી અનિચ્છનીય કોલ્સ અને મેસેજ સામેની ફરિયાદોમાં સતત વધારો થયો છે. તેમાં 82% ફરિયાદો નોંધાયેલા ન હોય તેવા ટેલિમાર્કેટર્સ સામે નોંધાઈ છે.
2. અહેવાલ અનુસાર, 2023માં જ્યાં 13.62 લાખ ફરિયાદો મળી હતી, ત્યાં 2024માં ફરિયાદોની સંખ્યા 19.38 લાખને પાર થઈ ગઈ હતી. આ જ રીતે 2025માં આ આંકડો વધીને 31.09 લાખ પર પહોંચ્યો હતો.
3. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ વર્ષના પ્રથમ 6 મહિનામાં જ સ્પામ કોલ્સ અંગે 20.75 લાખથી વધુ ફરિયાદો મળી ચૂકી છે. આ ગયા વર્ષે નોંધાયેલી ફરિયાદોના 66 ટકા જેટલો હિસ્સો છે.
કનેક્શન બંધ કરવાની કાર્યવાહીમાં ઘટાડો
એક તરફ સ્પામ કોલ્સ અંગેની ફરિયાદોમાં વધારો થયો છે, તો બીજી તરફ આ કોલ્સમાં વપરાતા નંબરો બંધ કરવાની કાર્યવાહીમાં ઘટાડો થયો છે. આંકડાઓ મુજબ, ઓગસ્ટથી ડિસેમ્બર 2024 દરમિયાન 9.21 લાખ નકલી કનેક્શન બંધ કરવામાં આવ્યાં હતાં.
2025માં આ સંખ્યા ઘટીને માત્ર 1.94 લાખ રહી ગઈ હતી. આ જ રીતે 2026ના પ્રથમ છ મહિનામાં માત્ર 79 હજાર કનેક્શન જ બંધ કરવામાં આવ્યાં છે.

