UPI Fraud Prevention: UPI પેમેન્ટ કરવું તો ખૂબ જ સરળ છે, પરંતુ લોકો તેના દ્વારા થતા ફ્રોડથી અજાણ હોય છે. Paytm, PhonePe અને Google Pay નો ઉપયોગ કરનારાઓએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એક ભૂલ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. દરરોજ હજારો લોકો ફેક લિંક, ખોટા QR કોડ અથવા ફોન કોલ દ્વારા છેતરપિંડીનો શિકાર બને છે. આ કારણે લોકોએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેનાથી તેઓ છેતરપિંડીથી બચી શકે છે.
યુપીઆઈ પિન ક્યારેય ના કરો શેર
ક્યારેય પણ પોતાનો યુપીઆઈ પિન કોઈની સાથે શેર કરવો જોઈએ નહીં. બેંક વગેરે જેવી કોઈ પણ સરકારી સંસ્થા તમારી પાસે યુપીઆઈ પિન માંગતી નથી. સાથે જ, ધ્યાન રાખો કે પૈસા રિસીવ (મેળવવા) કરવા માટે પણ પિનની જરૂર હોતી નથી. સ્કેમર્સ છેતરપિંડી કરવા માટે કોલ અથવા મેસેજ દ્વારા યુપીઆઈ પિન માંગે છે અને પિન શેર કરવો એ તમારી સૌથી મોટી ભૂલ હોય છે. ક્યારેય પણ પોતાનો યુપીઆઈ પિન કોઈની સાથે શેર ના કરો.
રિફંડના નામે આવેલી અજાણી લિંક પર ક્લિક ના કરો
રિફંડ અથવા રિવોર્ડ માટે આવેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરો. WhatsApp અથવા SMS થી આવેલી લિંક પર ક્લિક કરવાનું ટાળો. આ ફિશિંગ લિંક હોય છે અને તેના પર ક્લિક કરતા જ સ્કેમર્સને તમારા ડિવાઇસનો એક્સેસ મળી જાય છે અને તેઓ તમારી યુપીઆઈ એપનો પણ ઉપયોગ કરી શકે છે.
QR કોડ સ્કેન કરતા પહેલા ચેક કરો
ઘણીવાર ઉતાવળમાં આપણે જોયા વગર જ ક્યૂઆર કોડ સ્કેન કરી લઈએ છીએ. દુકાન પર લાગેલા QR કોડને સ્કેન કરો ત્યારે રકમ (Amount) અને મેળવનારનું નામ મેચ કરો. ફેક QR થી પૈસા ખોટા એકાઉન્ટમાં ચાલ્યા જાય છે.
ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરો
UPI એપમાં ડેઈલી ટ્રાન્ઝેક્શનની લિમિટ સેટ કરી શકાય છે. તમે એપની સેટિંગમાં જઈને ડેઈલી લિમિટ ઓછી સેટ કરી શકો છો. આનાથી જો તમારું એકાઉન્ટ અથવા ડિવાઇસ કોઈના હાથમાં આવી જાય તો તે વધારે પૈસા પણ ટ્રાન્સફર કરી શકશે નહીં.
અજાણ્યા નંબર પરથી કોલ પર ભરોસો ન કરો
ડિજિટલ અરેસ્ટ, KYC અપડેટ અથવા લોટરી જીતવા વાળા કોલ ફેક હોય છે. સ્કેમર્સ આના બહાને તમારી પાસે ઓટીપી (OTP) અથવા પિન માંગી શકે છે. આ કારણે આવા કોલથી સાવધ રહો.
સત્તાવાર સ્ટોર પરથી ડાઉનલોડ કરો UPI એપ
યુપીઆઈ એપ હંમેશા સત્તાવાર એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો. એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ યુઝર્સને એપલ એપ સ્ટોર પરથી જ Google Pay, PhonePe, BHIM જેવી એપ્સ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે.
ફ્રોડ થાય તો આ નંબર પર કોલ કરો
જો તમારી સાથે કોઈ ફ્રોડ થઈ જાય તો તમારે તરત જ 1930 નંબર પર કોલ કરવો જોઈએ. અથવા તમે cybercrime.gov.in પર રિપોર્ટ પણ કરી શકો છો.

