X Creator Monetization: એલોન મસ્ક હવે પોતાના પ્લેટફોર્મ X (જૂનું નામ ટ્વિટર) ને લેખકો અને પત્રકારો માટે કમાણીનું સૌથી મોટું માધ્યમ બનાવવા માંગે છે. મસ્કે જણાવ્યું છે કે તેમનું લક્ષ્ય X ને એવું મંચ બનાવવાનું છે જ્યાં લોકો પોતાની પ્રતિભા અને કન્ટેન્ટના જોરે આજીવિકા ચલાવી શકે. પ્લેટફોર્મે માહિતી આપી છે કે ગત વર્ષ ક્રિએટર્સને ચૂકવણી કરવાના મામલે અત્યાર સુધીનું સૌથી સફળ વર્ષ રહ્યું છે.
હવે ક્રિએટર્સ કરી શકશે વધુ કમાણી
@XCreators એકાઉન્ટ દ્વારા ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ કરવામાં આવેલી પોસ્ટમાં કંપનીએ જણાવ્યું કે, મોનેટાઈઝેશન પ્રોગ્રામના લોન્ચિંગ પછી અત્યાર સુધીનું સૌથી વધુ પેઆઉટ (ચુકવણી) ગત વર્ષે કરવામાં આવ્યું છે. X નું કહેવું છે કે તે આ પ્રોગ્રામને વધુ વિસ્તાર આપી રહ્યું છે, જેથી ક્રિએટર્સ પ્લેટફોર્મ પર ગ્રો કરી શકે અને વધુ કમાણી કરી શકે.
X એ માહિતી આપી છે કે તેણે પોતાના ‘રેવેન્યુ શેરિંગ પૂલ’ ને બમણો કરી દીધો છે. આ વધારો ૨૦૨૫ માં X Premium સબસ્ક્રિપ્શનની સંખ્યા વધવાને કારણે થયો છે. કંપનીના મતે, જ્યારે પ્લેટફોર્મ વધી રહ્યું છે, ત્યારે તેનો ફાયદો ક્રિએટર્સને મળવો પણ જરૂરી છે.
લોંગ-ફોર્મ કન્ટેન્ટ પર ખાસ ફોકસ
હવે ક્રિએટર્સની કમાણીનો હિસાબ થોડો બદલાયો છે. હવે કમાણી એ વાત પર નિર્ભર કરશે કે ‘Premium’ યુઝર્સે પોસ્ટને પોતાની હોમ ટાઈમલાઈન પર કેટલી વાર જોઈ છે. મસ્કનું માનવું છે કે નાની પોસ્ટના બદલે લાંબા લેખ (આર્ટિકલ) લખવામાં વધુ મહેનત લાગે છે, તેથી હવે લાંબા આર્ટિકલ્સને વધુ વેઈટેજ (ભાર) આપવામાં આવશે.
પોસ્ટ પર જીતી શકો છો ૮ કરોડનું ઈનામ!
X એ સૌથી ચોંકાવનારી જાહેરાત ૧ મિલિયન ડોલર (આશરે ૮.૩ કરોડ રૂપિયા) ના ઈનામને લઈને કરી છે. આગામી પેઆઉટ પીરિયડ દરમિયાન જે લેખકનો આર્ટિકલ સૌથી શાનદાર હશે અને જે ચર્ચાનો વિષય બનશે, તેને આ માતબર રકમ ઈનામમાં આપવામાં આવશે.
ઈનામ જીતવાની શરતો:
યુઝર પાસે X Premium સબસ્ક્રિપ્શન હોવું અનિવાર્ય છે.
આર્ટિકલ પૂરી રીતે ઓરિજિનલ (મૌલિક) હોવો જોઈએ અને ઓછામાં ઓછા ૧,૦૦૦ શબ્દોનો હોવો જોઈએ.
વિજેતાની પસંદગી એ આધારે થશે કે તે આર્ટિકલને પ્રીમિયમ યુઝર્સે કેટલી વાર જોયો અને તેના પર કેટલી ચર્ચા થઈ.
હાલમાં આ ૧ મિલિયન ડોલરવાળું ઈનામ માત્ર અમેરિકી (US) યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
શું નથી બદલાયું?
પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું છે કે ઊંચા પ્રીમિયમ ટિયર ધરાવતા યુઝર્સ (જેમ કે Premium+) ના વ્યૂઝની કિંમત હજુ પણ નાના ટિયર કરતા વધુ હશે. સાથે જ, ફેક વ્યૂઝ અને છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. ટૂંક સમયમાં ક્રિએટર્સ માટે એક નવું ‘અર્નિંગ ડેશબોર્ડ’ પણ લોન્ચ કરવામાં આવશે, જ્યાં તેઓ પોતાની પાઈ-પાઈનો હિસાબ જોઈ શકશે.

