નવી દિલ્હી, તા.2 : ભારતના 80 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા એની પ્રશંસા સંયુક્ત રાષ્ટ્રસંધની સામાન્ય સભા (યુએનજીએ)ના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે કરી એ સંદર્ભે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ફ્રાન્સિસે છેલ્લા દાયકામાં ભારતમાં જે ક્રાંતિકારી કામ થયા એનું ઉદાહરણ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ડિઝિટલ પોલિસીથી 80 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને 25 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી મુક્ત થયા છે.

આખું વિશ્વ અને ભારતની તમામ વ્યક્તિ જાણે છે કે મોદીએ ગરીબો અને ખેડૂતોના હિતમાં ખૂબ સારૂં કામ કર્યું છે, છતાં વિપક્ષ એવું પુછી રહ્યો છે કે છેલ્લા દસ વર્ષમાં શું થયું છે, કંઇ જ કામ નથી થયું. ચંદ્રશેખરે કહ્યું હતું કે ફ્રાન્સિસે મોદી સરકાર દેશમાં જે બદલાવ લાવી છે એનું ઉદાહરણ આપવા સાથે જ સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી દુનિયાના દરેક દેશોને ગરીબીમાંથી છૂટકારા માટે આના પરથી પ્રેરણા લેવાની સલાહ આપી છે. ટેક્નોલોજી અને મોબાઇલ ફોનના માધ્યમથી ભારતના 80 કરોડ લોકોના જીવનમાં આ બદલાવ આવ્યો છે.
મોદીના પ્રયાસોથી 80 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને બીજા 25 કરોડ લોકો બહુઆયામી ગરીબીમાંથી મુક્ત થયા છે. રાજીવ ચંદ્રશેખરે વધુમાં કહ્યું હતું કે દાયકા પહેલા વિશ્વમાં એવી છાપ હતી કે ભારત સરકાર અસમંજસમાં છે, સરકારી યંત્રણા ઢીલી અને ભ્રષ્ટ છે, ભારતની બૅન્કિંગ વ્યવસ્થા માત્ર અમીર અને મધ્યમ વર્ગ માટે જ છે, ગરીબો બૅન્કિંગ વ્યવસ્થામાં ક્યાય છે નહીં. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે 2014 પહેલા દેશના માત્ર 17 કરોડ લોકો પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હતી. પરંતુ 2014માં મોદી સરકાર આવતા જ દસ વર્ષમાં 90 કરોડ લોકો પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, દેશના 14 કરોડ લોકોના જ બૅન્ક અકાઉન્ટ હતા જે આજે વધીને 52 કરોડ થયા છે. કોવિડ કાળમાં 80 કરોડ લોકોને મફત રાશન અને 200 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા, એ ટેક્નોલોજી ક્ષેત્રે મોદી સરકારની ક્રાંતિનું પરિણામ છે

