50-30-20 Budget Rule: જો તમે પણ નોકરી કરો છો તો તમારી સામે પણ અવારનવાર આ સમસ્યા રહેતી હશે કે પગાર તમારા ખાતામાં આવતા જ ખબર નથી પડતી કે પૈસા ક્યાં ચાલ્યા ગયા. મહિનાના પહેલા ૧૦ થી ૧૫ દિવસમાં જ ભાડું કે હોમ લોન, બાળકોની ફી, રાશન, વીજળી-પાણી, ટ્રાન્સપોર્ટ અને EMI જેવા ખર્ચાઓ આખા બજેટને હચમચાવી દે છે. પછી મહિનાના અંતે બચતના નામે કંઈ બચતું નથી. આ બાબતે ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ માને છે કે સમસ્યા માત્ર ઓછી આવક નથી હોતી, પરંતુ પ્લાનિંગ વગર ખર્ચ કરવો એ તેનું અસલી કારણ છે.
જો પગાર મળતા જ એ નક્કી ન હોય કે કેટલા પૈસા ક્યાં જશે, તો બચત કરવી મુશ્કેલ બની જાય છે. એવામાં એક્સપર્ટ્સ 50-30-20 બજેટ રૂલને એક સરળ અને અસરકારક રીત માને છે જે કમાણીને ત્રણ ભાગમાં વહેંચીને ફાઇનાન્શિયલ શિસ્ત બનાવવામાં મદદ કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે 50-30-20 વાળો બજેટ રૂલ શું છે, જેનાથી તમારી બચત થવા લાગશે.
શું છે 50-30-20 બજેટ રૂલ?
50-30-20 રૂલનો અર્થ છે કે તમારી ટેક હોમ સેલરી એટલે કે ટેક્સ કપાયા પછી મળતી રકમને ત્રણ ભાગમાં વહેંચી દેવી:
૫૦ ટકા જરૂરિયાત (Needs): પગારના ૫૦ ટકા જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચવા જોઈએ. આમાં ઘરનું ભાડું કે હોમ લોન, રાશન, દૂધ, શાકભાજી, વીજળી-પાણી, ગેસ, બાળકોની ફી, ઓફિસ આવવા-જવાનો ખર્ચ અને જરૂરી વીમો તેમજ EMI જેવા ખર્ચ સામેલ છે.
૩૦ ટકા ઈચ્છાઓ (Wants): આમાં એવા ખર્ચ આવે છે જે જરૂરી નથી, પરંતુ જિંદગીને સરળ બનાવે છે. જેમ કે રેસ્ટોરન્ટમાં જમવું, ઓનલાઈન શોપિંગ, OTT સબસ્ક્રિપ્શન, હરવું-ફરવું, ગેજેટ્સ કે અન્ય શોખ. આ હિસ્સાનો હેતુ બજેટને સંતુલિત રાખવાનો છે જેથી તમે પૂરી રીતે બંધાયેલા અનુભવો નહીં અને આ પ્લાન લાંબા સમય સુધી ચાલી શકે.
૨૦ ટકા બચત અને રોકાણ (Savings & Investments): આ હિસ્સો તમારા ફ્યુચર માટે હોય છે. આમાં ઇમરજન્સી ફંડ, SIP, મ્યુચ્યુઅલ ફંડ, PPF, NPS, RD, FD, રિટાયરમેન્ટ પ્લાનિંગ અને વધારાનું દેવું જલ્દી ચૂકવવાના પૈસા સામેલ છે. એક્સપર્ટ્સ કહે છે કે આ ૨૦ ટકા હિસ્સાને ખર્ચ પછી વધેલી રકમ ન સમજવી જોઈએ, પરંતુ તેને પહેલાથી નક્કી કરેલી અનિવાર્ય રકમ માનવી જોઈએ.
આ રીતે સમજો 50-30-20 નો રૂલ
ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ જણાવે છે કે 50-30-20 નો રૂલ આ રીતે સમજો કે જો તમારો મહિનાનો પગાર ૫૦ હજાર છે, તો: ૧. ૫૦ ટકા એટલે કે ૨૫ હજાર જરૂરિયાતની વસ્તુઓ પર ખર્ચ થશે. ૨. ૩૦ ટકા એટલે કે ૧૫ હજાર તમારી લાઈફને ઈઝી બનાવતી વસ્તુઓ પર ખર્ચ થશે. ૩. બાકી બચેલા ૨૦ ટકા એટલે કે ૧૦ હજાર રૂપિયા બચત અને રોકાણમાં જશે.
આ રીતે જો તમે દર મહિને નક્કી કરેલા ૨૦ ટકા અલગ રાખો છો, તો ધીમે-ધીમે ઇમરજન્સી ફંડ પણ બનશે અને લાંબા ગાળે રોકાણનો ફાયદો પણ મળશે.
ઓછી સેલરીમાં કેવી રીતે શરૂઆત કરવી?
ઘણીવાર લોકો માને છે કે ઓછી આવકમાં બચત થઈ શકતી નથી. પરંતુ એક્સપર્ટ્સ આ અંગે કહે છે કે શરૂઆત નાની રકમથી પણ કરી શકાય છે. ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા મહિનાથી બચતની શરૂઆત કરી શકાય છે. ત્યારબાદ તમે ધીમે-ધીમે રકમ વધારી શકો છો. જરૂરી નથી કે શરૂઆતથી જ તમે ૨૦ ટકા બચાવી શકો, તેથી સૌથી પહેલા સેવિંગની આદત પાડવી વધારે જરૂરી છે.

