EPFO SWP Plan: નોકરી દરમિયાન તમારા પગારનો એક ભાગ દર મહિને પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPFમાં જમા થાય છે. તેના પર વ્યાજ પણ મળે છે અને નિવૃત્તિ સુધીમાં મોટી રકમ તૈયાર થઈ જાય છે.
નિવૃત્તિ પછી આખી રકમ ઉપાડી લેવી વધુ સારી છે કે આ ખાતામાં જ રાખીને દર મહિને થોડા પૈસા ઉપાડવા જોઈએ?
આ બાબતને ધ્યાનમાં રાખીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ એક નવી સુવિધાને મંજૂરી આપી છે. તેનું નામ છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન એટલે કે SWP.
આ સુવિધા હેઠળ કર્મચારીઓ નિવૃત્તિ પછી પોતાના PFની આખી રકમ એકસાથે ઉપાડવાને બદલે હપ્તામાં મેળવી શકશે.
તો સમજીએ કે SWP શું છે, તે કેવી રીતે કામ કરે છે અને EPFOનો આ નવો વિકલ્પ અન્ય રોકાણના વિકલ્પોથી કેટલો અલગ છે.
આ ઉપરાંત SWP દ્વારા ઉપાડવામાં આવેલી રકમ પર ટેક્સ અંગે શું કહેવામાં આવ્યું છે તે પણ સમજીએ. એટલે કે EPFOનો SWP પ્લાન ફાયદાકારક છે કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે.
SWP શું છે?
SWPનું પૂરું નામ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન છે.
SWPનું પૂરું નામ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન છે. તેનો અર્થ એ છે કે તમે તમારા રોકાણમાંથી એક નિશ્ચિત સમયાંતરે નિયમિત રીતે પૈસા ઉપાડો છો.
તેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPથી વિપરીત સમજી શકાય છે. SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક લોકપ્રિય રીત છે.
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં તમે દર મહિને રોકાણ કરો છો, જ્યારે SWPમાં તમે અગાઉથી કરેલા રોકાણમાંથી દર મહિને પૈસા ઉપાડો છો.
ઉદાહરણ તરીકે, માની લો કે કોઈ વ્યક્તિ પાસે નિવૃત્તિ સમયે 20 લાખ રૂપિયા જમા છે. તે આ આખી રકમ એકસાથે ઉપાડવાને બદલે દર મહિને 10 હજાર રૂપિયા લેવા માગે છે.
આવી સ્થિતિમાં તે SWPનો વિકલ્પ પસંદ કરી શકે છે.
દર મહિને 10 હજાર રૂપિયા ઉપાડ્યા પછી બાકીની રકમ રોકાણમાં જળવાઈ રહે છે અને તેના પર મળતું વળતર એટલે કે વ્યાજ પણ ચાલુ રહી શકે છે.
જોકે, જો ઉપાડવામાં આવતી રકમ રોકાણ પર મળતા વળતર કરતાં વધારે હોય, તો ધીમે ધીમે મૂળ રકમ પણ ઘટતી જશે.
EPFOનો SWP કેવી રીતે કામ કરશે?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નવી સુવિધા સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનને મંજૂરી આપી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલય અનુસાર, આ યોજના હેઠળ નિવૃત્ત થતા કર્મચારીઓ તેમના PFમાં જમા રકમ માસિક, ત્રિમાસિક અથવા છમાસિક હપ્તામાં ઉપાડી શકશે.
આ સુવિધાની સૌથી મહત્ત્વની વાત એ છે કે કર્મચારી જે રકમ ઉપાડશે નહીં, તે તેના EPF ખાતામાં જમા રહેશે અને તેના પર લાગુ વ્યાજ મળતું રહેશે.
આ સુવિધા સંપૂર્ણપણે સ્વૈચ્છિક હશે. એટલે કે કર્મચારીઓ ઇચ્છે તો આ વિકલ્પ પસંદ કરી શકે છે અને ઇચ્છે તો પહેલાંની જેમ પોતાની પાત્રતા અનુસાર આખી રકમ ઉપાડી શકે છે.
મંત્રાલય અનુસાર, શરૂઆતના તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના આશરે 6 લાખ 32 હજાર EPF સભ્યોને તેનો લાભ મળવાની આશા છે.
આ સભ્યોનાં EPF ખાતાંમાં 5 લાખ રૂપિયાથી વધુ રકમ જમા છે.
જો SWP દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય છે, તો નોમિની અથવા આશ્રિત પાસે બાકી રહેલી રકમ ઉપાડવાનો અથવા હપ્તામાં ચુકવણી ચાલુ રાખવાનો વિકલ્પ રહેશે.
આ સાથે EPFOએ લઘુતમ PF બેલેન્સની શરત 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે.
બીજી તરફ, અંતિમ ઉપાડ માટેનો વેઇટિંગ પિરિયડ 12 મહિનાથી ઘટાડીને 2 મહિના કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ કર્મચારીની નોકરી છૂટી જાય તો તે 2 મહિના પછી PFની 90 ટકા રકમ ઉપાડી શકશે.
જોકે, આ યોજના માટેના વિસ્તૃત નિયમો, ઉપાડની મર્યાદા અને અરજીની પ્રક્રિયા જાણવા EPF સ્કીમમાં જરૂરી સુધારા અને સત્તાવાર સૂચનાની રાહ જોવી પડશે.
ટેક્સ અંગે શું સ્થિતિ છે?
EPFOના SWP દ્વારા ઉપાડવામાં આવનારા પૈસા પર ટેક્સની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.
નોકરી દરમિયાન EPF પર મળતું વ્યાજ સામાન્ય રીતે ટેક્સ-ફ્રી હોય છે, પરંતુ નિવૃત્તિ પછી મળતા વ્યાજ પર અન્ય આવકની જેમ ટેક્સ લાગે છે.
જો કોઈ વ્યક્તિ ન્યૂ ટેક્સ રિજીમ પસંદ કરે છે, તો તેના હેઠળ ભારતમાં રહેતા લોકોની વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી.
જાહેર કરવામાં આવેલી માહિતીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સંબંધિત ઇન્કમ ટેક્સ કાયદામાં ફેરફારના પ્રસ્તાવ અંગે નાણાં મંત્રાલય સાથે ચર્ચા ચાલી રહી છે. જોકે, તેમાં કયા ફેરફાર કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું નથી.
જો ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત મળે છે, તો તેને વધારાનો લાભ ગણી શકાય.
આ પૈસા કેટલા સમય સુધી ચાલશે?
જો તમે માત્ર વ્યાજની રકમ ઉપાડો છો, તો તમારા ખાતામાં જમા મૂળ રકમ જળવાઈ રહે છે.
માની લો કે તમારી PFની રકમ 50 લાખ રૂપિયા છે, તો હાલના 8.25 ટકાના વ્યાજદર પ્રમાણે આશરે 4 લાખ 10 હજાર રૂપિયાનું વ્યાજ મળશે. એટલે કે દર મહિને લગભગ 34,000 રૂપિયા.
પરંતુ આ આવકમાં વધારો નહીં થાય, જ્યારે મોંઘવારીને ધ્યાનમાં રાખતાં સમય જતાં ખર્ચ વધતો જશે.
આથી દર વર્ષે ઉપાડવામાં આવતી રકમમાં વધારો કરવો વધુ વ્યવહારુ રીત બની શકે છે.
માની લો કે તમે પહેલા વર્ષે કુલ 50 લાખ રૂપિયાની જમા રકમમાંથી 5 ટકા ઉપાડો છો. એટલે કે વર્ષમાં 2.5 લાખ રૂપિયા અથવા દર મહિને આશરે 20,800 રૂપિયા.
ત્યારબાદ તમે દર વર્ષે ઉપાડવામાં આવતી રકમમાં 5 ટકાનો વધારો કરો છો, તો આ ગણતરી પ્રમાણે પૈસા 30 વર્ષથી વધુ સમય સુધી ચાલી શકે છે.
પરંતુ જો વ્યાજ પર 30 ટકા (ટેક્સ સ્લેબ પ્રમાણે) ટેક્સ લાગે અને ટેક્સની રકમ પણ આ જ ફંડમાંથી ચૂકવવામાં આવે, તો પૈસા તેનાથી વહેલા ખતમ થઈ જશે.
નિવૃત્તિ પછી કયો વિકલ્પ વધુ સારો છે?
અત્યાર સુધી ઉપલબ્ધ માહિતીના આધારે જોઈએ તો નિયમિત આવક માટે EPFનો આ SWP (સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન) ફિક્સ્ડ ઇન્કમના અન્ય વિકલ્પોની સરખામણીએ એક મજબૂત વિકલ્પ બની શકે છે.
તેનું સંચાલન એક સરકારી સંસ્થા કરે છે અને તેનું વળતર મોટાભાગે સ્થિર રહ્યું છે. ફિક્સ્ડ ઇન્કમના ઉપલબ્ધ વિકલ્પોમાં તેનું વળતર સૌથી ઊંચા વળતરોમાંનું એક રહ્યું છે.
આ ઉપરાંત બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પણ એક વિકલ્પ છે. સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે પણ કેટલીક યોજનાઓ ઉપલબ્ધ છે.
જોકે, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી અને વધતા ખર્ચનો સામનો કરવા માટે રોકાણ પોર્ટફોલિયોનો ઓછામાં ઓછો કેટલોક હિસ્સો ઇક્વિટી એટલે કે શેરબજારમાં પણ હોવો જોઈએ.

