IRCTC QR Code Food Safety: મોટાભાગના રેલવે મુસાફરોને ખાવા-પીવાને લઈને ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. મુસાફરોની જૂની ફરિયાદ રહી છે કે તેમને વાસી અથવા બેસ્વાદ ખોરાક પીરસવામાં આવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને IRCTCએ ક્યૂઆર કોડ (QR Code) ની સુવિધા શરૂ કરી છે, જે ફૂડ પેકેટ્સ પર લગાવવામાં આવશે. આ QR કોડ સ્કેન કરતા જ ખાણું બનવાનો સમય, પેકિંગની તારીખ સહિતની અન્ય જરૂરી વિગતો સામે આવી જશે. આ સુવિધા ગેરકાયદેસર વેન્ડરો પર રોક લગાવશે અને મુસાફરોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે.
ફૂડ સેફ્ટી સુપરવાઇઝર પણ હશે તૈનાત
IRCTC દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ, ટ્રેનમાં કામ કરતા તમામ અધિકૃત (Authorized) વેન્ડર, હેલ્પર અને સ્ટાફ માટે તેમના નામ સાથેના QR કોડવાળા આઈડી કાર્ડ રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આનાથી સરળતાથી ખબર પડી શકશે કે કયો વેન્ડર અધિકૃત છે અને કયો નહીં. આનો ઉદ્દેશ્ય ઓનબોર્ડ કેટરિંગ સર્વિસના બહેતર મેનેજમેન્ટની સાથે મુસાફરોને સુરક્ષિત અને ક્વોલિટીવાળું ભોજન ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત, ખાવાની સ્વચ્છતા અને ક્વોલિટી પર નજર રાખવા માટે બેઝ કિચનમાં ફૂડ સેફ્ટી સુપરવાઇઝર પણ તૈનાત કરવામાં આવશે.
QR કોડથી કઈ-કઈ જાણકારીઓ મળશે?
વેન્ડરોના ઓળખ પત્રમાં લાગેલા QR કોડને સ્કેન કરવા પર નીચે મુજબની વિગતો જાણી શકાશે:
વેન્ડરનું નામ અને આધાર નંબર.
મેડિકલ ફિટનેસ અને પોલીસ વેરિફિકેશન સંબંધિત માહિતી.
ફૂડ પેકેટ પરના QR કોડથી કિચનનું નામ અને મેન્યુફેક્ચરિંગ ડેટ (બનાવ્યાની તારીખ) જાણી શકાશે.
રેલવે અધિકારીઓનું માનવું છે કે આ નવી સુવિધાઓથી ખરાબ અને એક્સપાયર્ડ ભોજનના સપ્લાય પર રોક લાગશે અને મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે.
IRCTC શરૂ કરશે એડવાન્સ કિચન
IRCTCએ એડવાન્સ કિચન શરૂ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કિચનોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે, જેથી રસોઈ બનાવવાની આખી પ્રક્રિયા પર નજર રાખી શકાય અને સ્વચ્છતા જળવાઈ રહે. સાથે જ ભોજનની ક્વોલિટી સુધારવા માટે હવે રસોઈમાં બ્રાન્ડેડ કાચા માલનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં તેલ, લોટ, ચોખા, દાળ, મસાલા અને ડેરી પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓ સામેલ હશે.

