LIC Policy Revival Campaign: LIC પોલિસીધારકો માટે રાહતના સમાચાર છે. જો કોઈની LIC પોલિસી કોઈ કારણસર લેપ્સ (બંધ) થઈ ગઈ હોય, તો હવે તેને ફરીથી ચાલુ કરાવવાની સુવર્ણ તક મળી રહી છે. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC એ લેપ્સ થઈ ગયેલી ઇન્ડિવિજ્યુઅલ પોલિસીઓને રિવાઈવ કરવા માટે અંદાજે બે મહિનાનું એક ખાસ કેમ્પેઈન શરૂ કર્યું છે. આ અભિયાન ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૨ માર્ચ ૨૦૨૬ સુધી ચાલશે.
લેટ ફીમાં મળશે મોટી છૂટ
LIC ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ડ્રાઈવ તમામ નોન-લિંક્ડ ઇન્શ્યોરન્સ પોલિસીઓ પર લાગુ થશે. આ સમયગાળા દરમિયાન લેટ ફીમાં મોટી છૂટ આપવામાં આવી રહી છે. જો પોલિસી રિવાઈવલ માટે પાત્ર હોય, તો લેટ ફીમાં ૩૦ ટકા સુધીની છૂટ મળશે. જોકે, તેની મહત્તમ મર્યાદા ૫૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.
માઈક્રો ઇન્શ્યોરન્સ પોલિસી પર કોઈ લેટ ચાર્જ નહીં
માઈક્રો ઇન્શ્યોરન્સ પોલિસી ધરાવનારાઓ માટે રાહત વધુ છે. LIC એ સ્પષ્ટ કર્યું છે કે માઈક્રો ઇન્શ્યોરન્સ પોલિસીઓ પર લેટ ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તેનો હેતુ એ છે કે ઓછું પ્રીમિયમ ધરાવતી પોલિસી લેનારા લોકો પણ સરળતાથી પોતાનું વીમા કવચ ફરીથી મેળવી શકે.
કઈ પોલિસી પર લાગુ થશે આ સ્કીમ?
આ કેમ્પેઈન હેઠળ એ જ પોલિસીઓ રિવાઈવ કરી શકાશે, જે પ્રીમિયમ ભરવાના સમયગાળા દરમિયાન લેપ્સ થઈ છે અને જેનો સંપૂર્ણ પોલિસી ટર્મ (મુદત) હજુ પૂરો થયો નથી. જોકે મેડિકલ કે હેલ્થ સાથે જોડાયેલી શરતોમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. આ અભિયાન ખાસ કરીને એવા પોલિસીધારકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે, જેઓ કોઈ મજબૂરી કે પ્રતિકૂળ સંજોગોને કારણે સમયસર પ્રીમિયમ ભરી શક્યા નહોતા.
જૂની પોલિસીને રિવાઈવ કરાવવી હંમેશા વધુ સારો વિકલ્પ હોય છે, કારણ કે તેનાથી વીમા સુરક્ષા ફરીથી સ્થાપિત થઈ જાય છે અને પરિવારની આર્થિક સુરક્ષા જળવાઈ રહે છે.

