Loan Guarantor: જ્યારે કોઈ વ્યક્તિ બેંક અથવા ફાઇનાન્સ કંપની પાસેથી લોન લે છે, તો ઘણી વખત બેંક તેની પાસે એક ગેરંટરની માંગ કરે છે. ગેરંટર એ વ્યક્તિ છે જે એવો ભરોસો આપે છે કે જો લોન લેનાર વ્યક્તિ પૈસા પાછા નહીં ચૂકવી શકે, તો તે જવાબદારી ગેરંટરની રહેશે. ઘણી વખત પોતાના પરિવાર અથવા મિત્રોની મદદ કરવા માટે બેંકના ગેરંટર તો બની જવાય છે, પરંતુ તેના ફાયદા અને ગેરફાયદા વિશે નથી જાણતા. તો આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે કોઈની હોમ લોન અથવા કોઈ અન્ય લોન લેવા પર ગેરંટર બનવાના ફાયદા અને ગેરફાયદા શું છે.
ગેરંટર બનવાના ફાયદા
સૌ પ્રથમ અહીં કોઈના ગેરંટર બનવાના ફાયદા વિશે વાત કરીએ. આની લિસ્ટ બહુ લાંબી તો નથી, પરંતુ તેમ છતાં અહીં જાણો મુખ્ય ફાયદા:
જરૂરિયાતમંદની મદદ થાય છે: ગેરંટર બનીને તમે કોઈ મિત્ર, સંબંધી અથવા પરિવારના સભ્યને લોન અપાવવામાં મદદ કરી શકો છો. ઘણી વખત ગેરંટર ન હોવાને કારણે લોકોની લોન પાસ નથી થઈ શકતી.
વિશ્વાસ અને સંબંધોમાં મજબૂતી: જ્યારે તમે કોઈના માટે ગેરંટી આપો છો, તો તેનાથી તમારી અને તે વ્યક્તિ વચ્ચે વિશ્વાસ વધે છે. પરિવાર અને સંબંધોમાં સહયોગની ભાવના મજબૂત થાય છે.
સમાજમાં માન-સન્માન: ઘણા લોકો ગેરંટર બનવાને જવાબદારી અને ભરોસાની નિશાની માને છે. આનાથી સમાજમાં તમારી સારી છબી બની શકે છે.
ગેરંટર બનવાના ગેરફાયદા
તમને એ જાણીને નવાઈ લાગશે કે ગેરંટર બનવાના ફાયદા કરતા ગેરફાયદા વધારે હોય છે. આને જાણી લેશો તો આગામી વખતે બહુ વિચારીને જ આ પ્રકારના નિર્ણયો લેશો.
ચૂકવણીની જવાબદારી: જો લોન લેનાર વ્યક્તિ સમયસર EMI નથી ભરતો, તો બેંક ગેરંટર પાસે પૈસા માંગી શકે છે. એટલે કે આખી લોન ચૂકવવાની જવાબદારી તમારા પર આવી શકે છે.
CIBIL સ્કોર પર ખરાબ અસર: જો લોનના હપ્તા સમયસર નથી ભરવામાં આવતા, તો તેની અસર ગેરંટરના CIBIL સ્કોર પર પણ પડી શકે છે. આનાથી ભવિષ્યમાં તમને પોતાની લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે.
કાનૂની કાર્યવાહીનો ખતરો: લોન ડિફોલ્ટ થવા પર બેંક ગેરંટર વિરુદ્ધ પણ કાનૂની કાર્યવાહી કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં નોટિસ અથવા કોર્ટ-કચેરી સુધીની નોબત આવી જાય છે.
લોન લેવાની ક્ષમતામાં ઘટાડો: જ્યારે તમે કોઈની લોનના ગેરંટર બનો છો, ત્યારે બેંક તેને તમારી નાણાકીય જવાબદારી માની શકે છે. આનાથી ભવિષ્યમાં તમારી હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોનની ક્ષમતા ઘટી શકે છે.
સંબંધોમાં તણાવ: જો લોન લેનાર વ્યક્તિ પૈસા પાછા નથી આપતો, તો પૈસાને લઈને સંબંધોમાં વિવાદ અને તણાવ પેદા થઈ શકે છે.
તમારે જો કોઈ મિત્ર અથવા સંબંધીના ગેરંટર બનવું હોય તો તે પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેમ કે જે વ્યક્તિ માટે ગેરંટર બની રહ્યા છો, તેની આર્થિક સ્થિતિ કેવી છે. શું તે વ્યક્તિ લોનની રકમ અને EMI સમયસર ચૂકવી શકે છે કે નહીં. વાંચ્યા વગર કોઈ પણ દસ્તાવેજ પર સાઈન ના કરો. પોતાની આવક અને જવાબદારીઓ જોતા જ નિર્ણય લો અને સૌથી ખાસ વાત એ છે કે બહુ મોટી રકમની લોન લેવા પર ગેરંટી ના આપો.

