New Baggage Rules 2026: કેન્દ્ર સરકારે વિદેશથી ભારત આવતા મુસાફરો માટે એક મોટો નિર્ણય લીધો છે. ભારત સરકારે મુસાફરો માટે ડ્યુટી-ફ્રી સામાનની મર્યાદા વધારીને 75,000 રૂપિયા કરી દીધી છે. જણાવી દઈએ કે, પહેલા આ મર્યાદા 50,000 રૂપિયા હતી. સામાનનો આ નવો નિયમ 2 ફેબ્રુઆરી 2026 થી જ લાગુ થઈ ગયો છે અને તે ભારતીય નાગરિકો તેમજ વિદેશી પ્રવાસીઓ, બંને માટે અમલી રહેશે.
શું છે નવો નિયમ? (New Baggage Rule 2026)
નવા નિયમો અનુસાર, હવાઈ અથવા દરિયાઈ માર્ગે ભારત આવતા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના પ્રવાસીઓ પોતાની સાથે 75,000 રૂપિયા સુધીનો સામાન કોઈ પણ કસ્ટમ ડ્યુટી વગર લાવી શકે છે. આ માટે માત્ર શરત એ છે કે આ સામાન અંગત વપરાશ માટે હોવો જોઈએ અને મુસાફરના પોતાના સામાનમાં હોવો જોઈએ. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારત આવતા કોઈપણ મુસાફર, પછી ભલે તે નાનું બાળક કેમ ન હોય, તે રોજિંદી જરૂરિયાતનો વપરાશ કરેલો અંગત સામાન અને સોવેનિયર (સ્મૃતિચિહ્ન) પોતાની સાથે લાવી શકે છે. આવા સામાન પર કોઈ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં.
વિદેશી મૂળના પ્રવાસીઓને પણ રાહત
ભારતીય લોકોની સાથે સાથે વિદેશી મૂળના પ્રવાસીઓ જે ભારત આવે છે, તેમને પણ રાહત આપવામાં આવી છે. આવા વિદેશી પ્રવાસીઓ હવે 25,000 રૂપિયા સુધીનો સામાન કોઈ પણ કસ્ટમ ડ્યુટી વગર ભારત લાવી શકે છે. જણાવી દઈએ કે, અગાઉના બેગેજ નિયમ 2016 હેઠળ આ મર્યાદા માત્ર 15,000 રૂપિયા હતી. નવા નિયમોથી વિદેશી પ્રવાસીઓને પણ પહેલા કરતા વધુ ફાયદો થશે.
હવે આટલા દાગીના લાવી શકાશે
જો કોઈ ભારતીય નાગરિક અથવા ભારતીય મૂળનો પ્રવાસી એક વર્ષથી વધુ સમય વિદેશમાં રહ્યા બાદ ભારત પરત ફરે છે, તો તેને દાગીના પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. આવી સ્થિતિમાં મહિલા મુસાફરો પોતાની સાથે 40 ગ્રામ સુધીના દાગીના ટેક્સ વગર લાવી શકે છે. જ્યારે, મહિલા સિવાયના અન્ય મુસાફરો માત્ર 20 ગ્રામ સુધીના દાગીના ડ્યુટી-ફ્રી લાવી શકે છે. શરત એ છે કે આ દાગીના મુસાફરના ‘બોના ફાઈડ બેગેજ’ એટલે કે અંગત સામાન તરીકે હોવા જોઈએ. આ નિયમ મુજબ, આ દાગીના સોનું, ચાંદી, પ્લેટિનમ અથવા અન્ય કોઈ કિંમતી ધાતુથી બનેલા હોઈ શકે છે.
ક્રૂ મેમ્બર્સ માટે પણ નિયમ લાગુ
આ નિયમો વિદેશ જતા ક્રૂ મેમ્બર્સ પર પણ લાગુ થશે. આવા કર્મચારીઓ જ્યારે પોતાની નોકરી પૂરી થયા પછી છેલ્લી વખત ભારત પરત ફરે છે, ત્યારે તેમને બેગેજ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, ક્રૂ મેમ્બર્સ તેમના પરિવારના ઉપયોગ માટે ચોકલેટ, કોસ્મેટિક્સ અને અન્ય ભેટની વસ્તુઓ પણ લાવી શકે છે. જોકે, સામાનની કુલ કિંમત 2,500 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

