ન્યૂઝપેપરમાં લખેલું ભૂંસાવી શકાતું નથી. આ આજે પણ ભૂતકાળમાં થયેલી કોઈ ઘટના માટે સૌથી મહત્વપૂર્ણ પુરાવા છે. ભલે ડિજિટલ યુગ અને મોબાઇલમાં વધતી રૂચિથી યુવા પેઢી હાર્ડ કૉપી ન્યૂઝપેપરથી થોડું દૂર જતી દેખાય, પરંતુ મોટા-મોટા લોકોમાં ન્યૂઝપેપર માટે અલગ લગાવ દેખાય છે.
ન્યૂઝપેપર વાંચતા વખતે તમે કદાચ ક્યારેય ધ્યાન આપ્યું હશે કે દરેક પાનાના નીચે ચાર નાના રંગીન ગોળ ડોટ્સ છપાયેલા હોય છે. ઘણા લોકો માટે આ ફક્ત ડિઝાઇનનો ભાગ લાગે, પરંતુ હકીકતમાં આ ન્યૂઝપેપર પ્રિન્ટિંગની સૌથી મહત્વપૂર્ણ ટેકનિકલ ડિટેઈલ છે. આ ડોટ્સ અખબારના “પ્રિન્ટિંગ સિક્રેટ” તરીકે ઓળખાય છે.
આ ચાર ડોટ્સને CMYK કહેવામાં આવે છે — જેમાં C એટલે Cyan (આસમાની નિલો), M એટલે Magenta (ગુલાબી-લાલ), Y એટલે Yellow (પીળો) અને K એટલે Black (કાળો). આ ચારેય રંગો મળીને અખબારની દરેક તસવીર અને લખાણને જીવંત રૂપ આપે છે. કોઈ પણ તસવીર કે હેડલાઇન દેખાવદાર બનાવવા માટે આ ચાર રંગોનું બેલેન્સિંગ જરૂરી છે.
જ્યારે ન્યૂઝપેપર છપાય છે ત્યારે પ્રિન્ટિંગ મશીન દરેક રંગને અલગ પ્લેટથી પેજ પર છાપે છે. આ ચારેય રંગો જ્યારે ચોક્કસ રીતે ઓવરલેપ થાય છે, ત્યારે તસવીર સંપૂર્ણ દેખાય છે. જો પ્રિન્ટિંગ દરમિયાન આ એલાઇનમેન્ટ ખોટું થાય. જેમ કે કોઈ ડોટ ખસી જાય અથવા રંગોનું ઓવરલેપ બરાબર ન થાય તો આખું ચિત્ર ધૂંધળું અથવા અસ્પષ્ટ બની જાય છે.
આ કારણે જ દરેક પાનાના નીચે આ નાના રંગીન સર્કલ્સ રાખવામાં આવે છે. તે પ્રિન્ટર માટે એક “રંગ માપક” તરીકે કામ કરે છે, જેથી તે ચકાસી શકે કે ચારેય રંગો યોગ્ય રીતે બેઠા છે કે નહીં. જો કોઈ પેજમાં રંગો ખસી જાય, તો ટેકનિશિયન તરત જ પ્રિન્ટિંગ મશીનને એડજસ્ટ કરી શકે.
આ નાની વિગતો બતાવે છે કે અખબાર માત્ર સમાચારનું માધ્યમ જ નથી, પરંતુ એક સુચિત અને ટેક્નિકલ પ્રક્રિયાનું પરિણામ છે. કદાચ એ કારણ છે કે, ડિજિટલ યુગમાં પણ ઘણા લોકો માટે અખબારની સુગંધ અને તેની પ્રિન્ટેડ પાનાંની કળા આજેય ખાસ આકર્ષણ ધરાવે છે.