Post Office MIS: ઘણીવાર લોકો પોતાની કમાણીનો અમુક હિસ્સો એવી જગ્યાએ રોકાણ કરવા માગે છે, જ્યાંથી તેમને દર મહિને એક નિશ્ચિત આવક મળતી રહે. આવી સ્થિતિમાં રોકાણ માટે ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેને લોકો પોતાની સુવિધા પ્રમાણે પસંદ કરે છે. જો તમે પણ પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે.
કોઈ સ્કીમમાં રોકાણ કરતા પહેલાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ખાતાધારકનું મૃત્યુ થઈ જાય તો ત્યાર પછી આ પૈસાનું આખરે શું થશે અને પરિવારને પૈસા કેવી રીતે મળશે? પોસ્ટ ઓફિસની MIS એટલે કે મન્થલી ઇન્કમ સ્કીમમાં રોકાણ કરનારા લોકો માટે આ બાબતની જાણકારી હોવી જરૂરી છે.
ખાતાધારકના મૃત્યુ પછી આગળ શું થશે?
જો કોઈ વ્યક્તિએ પોસ્ટ ઓફિસની MISમાં રોકાણ કર્યું હોય તો કેટલીક જરૂરી બાબતો વિશે જાણી લો. જો ખાતાધારકનું મૃત્યુ થઈ જાય તો આવી સ્થિતિમાં જમા રકમની ચુકવણી નૉમિની અથવા કાનૂની વારસદારને નિયમો અનુસાર કરવામાં આવે છે. પરંતુ આ માટે ક્લેમ સાથે જોડાયેલી સંપૂર્ણ પ્રક્રિયા નિયમો અનુસાર કરવી જરૂરી છે અને જો ખાતાધારકનું મૃત્યુ થઈ ગયું હોય, પરંતુ તેણે કોઈને નૉમિની બનાવ્યો ન હોય તો આવી સ્થિતિમાં કાનૂની વારસદાર નિયમો અનુસાર રકમનો દાવો કરી શકે છે.
શું દર મહિને પૈસા મળશે?
જો કોઈ વ્યક્તિ MIS સ્કીમમાં રોકાણ કરે છે તો તેને દર મહિને વ્યાજ મળે છે, પરંતુ જો તેનું મૃત્યુ થઈ જાય તો દર મહિને પૈસા મળતા રહેશે નહીં. ખાતાધારકના મૃત્યુ પછી ચુકવણી નૉમિની અથવા કાનૂની વારસદારને નક્કી કરાયેલા નિયમો અનુસાર કરવામાં આવે છે.
કેટલું રોકાણ કરી શકાય?
- પોસ્ટ ઓફિસની MIS સ્કીમમાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
- તેના પર હાલમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જેની ચુકવણી દર મહિને કરવામાં આવે છે.
- આ સ્કીમમાં તમે 5 વર્ષ સુધી પૈસા જમા કરી શકો છો.
5 વર્ષ પૂર્ણ થયા પછી શું થશે?
MIS ખાતાધારક સંપૂર્ણ 5 વર્ષ સુધી આ સ્કીમમાં રોકાણ કરે છે તો સ્કીમ મેચ્યોર થઈ જાય છે. ત્યાર પછી તમારું વ્યાજ મળવાનું બંધ થઈ જશે અને તમે પોસ્ટ ઓફિસમાં મેચ્યોરિટી ફોર્મ ભરીને તમારા સંપૂર્ણ પૈસા ઉપાડી શકો છો. જ્યારે જો તમે દર મહિને પૈસા મેળવવાનું ચાલુ રાખવા માગતા હોવ તો તમે તમારા પૈસા ઉપાડીને નવું MIS અકાઉન્ટ ખોલી શકો છો.

