વિદ્યાર્થીનું મૃત્યુ થાય તો Education Loan કોણ ચૂકવશે? જાણો લોન પ્રોટેક્શન વીમા વિશે

Arati Parmar
3 Min Read

આજકાલ Education Loan સરળતાથી મળી જાય છે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે બેંકો લોન આપે છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ આ લોનની ચુકવણી કરે છે. પરંતુ ઘણી વખત નોકરી મળવામાં વિલંબ થાય અથવા વિદ્યાર્થીનું મૃત્યુ થાય ત્યારે એજ્યુકેશન લોનની ચુકવણી કોણ કરશે તે પ્રશ્ન ઊભો થાય છે. તમારા પરિવારમાં પણ જો ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવાની તૈયારી ચાલી રહી હોય અથવા લોન લેવામાં આવી હોય તો આ વિશે માહિતી હોવી જરૂરી છે. ગેરંટરની શું જવાબદારી બને છે અને લોન પ્રોટેક્શન વીમો શું છે, જેનો લાભ એજ્યુકેશન લોનની ચુકવણી ન કરી શકાય ત્યારે મળે છે, તે જાણવું જરૂરી છે.

એજ્યુકેશન લોનની ચુકવણી વિદ્યાર્થી ન કરી શકે તો જવાબદારી કોની?

  • બેંકો વિદ્યાર્થીઓને એવો સમય આપે છે કે તેઓ નોકરી મળ્યા બાદ ધીમે ધીમે લોનની ચુકવણી કરી શકે.
  • ઘણી વખત નોકરી મળવામાં વિલંબ થાય તો બેંક પાસેથી સમય વધારવાની વિનંતી કરી શકાય છે.
  • ત્યારબાદ પણ જો વિદ્યાર્થી લોનની રકમની ચુકવણી કરી શકતો ન હોય તો આવી સ્થિતિમાં ગેરંટરને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
  • સમય આપવામાં આવ્યા બાદ પણ વિદ્યાર્થી તરફથી એજ્યુકેશન લોનની સમયસર ચુકવણી શરૂ ન થાય તો બેંક પ્રથમ નોટિસ મોકલે છે.
  • ત્યારબાદ આવા લોન ખાતાને ડિફોલ્ટરની યાદીમાં મૂકવામાં આવે છે.
  • ત્યારબાદ ગેરંટર પાસેથી લોનની રકમ વસૂલવામાં આવે છે.
  • જો કોઈ સંપત્તિ ગીરવે મૂકવામાં આવી હોય તો બેંક તે સંપત્તિ જપ્ત કરી શકે છે.
  • આવું થવાથી ગેરંટરનો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં લોન લેવી હોય તો મુશ્કેલી થઈ શકે છે.

વિદ્યાર્થીનું મૃત્યુ થાય તો શું થશે?

જો એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે તો લોનની ચુકવણી આ બાબત પર આધાર રાખે છે કે તેનો કોઈ કોબોરોઅર અથવા ગેરંટર છે કે નહીં અને લોન લેનારાએ લોન પ્રોટેક્શન વીમો લીધો છે કે નહીં.

- Advertisement -

આ સ્થિતિઓ બની શકે છે

કોબોરોઅર અથવા ગેરંટરની જવાબદારી

જો એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીના પરિવારના સભ્ય અથવા કોઈ સંબંધીએ કોબોરોઅર તરીકે સહી કરી હોય તો ત્યારબાદ લોન ચૂકવવાની જવાબદારી તેની બને છે. લોન ચૂકવવા માટે વિદ્યાર્થીના નામે રહેલી સંપત્તિ વેચી શકાય છે.

સંપત્તિ અથવા ગેરંટી ન હોય તો શું થશે?

જો વિદ્યાર્થી માટે કોઈ કોબોરોઅર ન હોય અને તેના નામે કોઈ સંપત્તિ પણ ન હોય તો બેંક આવી લોન માફ પણ કરી શકે છે.

- Advertisement -

લોન પ્રોટેક્શન વીમો શું છે?

કોઈપણ પ્રકારની લોન લેનાર વ્યક્તિએ લોન પ્રોટેક્શન વીમો લેવો જોઈએ. જો એજ્યુકેશન લોન લેનારા વિદ્યાર્થીનું મૃત્યુ થાય અને તેણે લોન પ્રોટેક્શન વીમો લીધો હોય તો આવી સ્થિતિમાં લોનની ચુકવણી કરવાની જવાબદારી વીમા કંપનીની બને છે. કેટલાક રાજ્યોમાં સરકાર દ્વારા વિદ્યાર્થીના મૃત્યુ બાદ એજ્યુકેશન લોન માફ કરવામાં આવે છે.

Share This Article