RBI KYC Scam: સમયની સાથે-સાથે સ્કેમ વધી રહ્યા છે. તાજેતરમાં RBIએ બેન્કિંગ સાથે જોડાયેલા એક સામાન્ય સ્કેમ અંગે નવી ચેતવણી જાહેર કરી છે. આ સ્કેમ હેઠળ સ્કેમર્સ બેન્ક અધિકારી બનીને ગ્રાહકોને પોતાની KYC માહિતી અપડેટ કરવા માટે કહે છે. RBI વ્હોટ્સએપ દ્વારા યુઝર્સને આ નવા સ્કેમની માહિતી આપી રહ્યું છે. જેમાં RBIએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો તમારા પાસે KYC સંબંધિત આવો કોઈ મેસેજ આવી રહ્યો હોય તો સતર્ક થઈ જાઓ. આ RBIના કોઈ અધિકારીનો નહીં પરંતુ સ્કેમર્સનો મેસેજ છે.
RBIની ચેતવણી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) વ્હોટ્સએપ દ્વારા લોકોને નવા સ્કેમની માહિતી આપી રહ્યું છે. વ્હોટ્સએપ પર મેસેજ કરીને RBIએ જણાવ્યું છે કે જો કોઈ અધિકારી બનીને તમારી પાસેથી KYC ડિટેલ માંગી રહ્યો હોય તો ધ્યાન રાખો કે તે સ્કેમ છે.
આ રીતે થઈ રહ્યો છે KYC સ્કેમ?
આ મેસેજમાં લોકોને કહેવામાં આવી રહ્યું છે કે KYC અપડેટ નહીં કરવાથી તેમનું બેન્ક એકાઉન્ટ બ્લોક થઈ જશે. આવા મેસેજ માત્ર તમને ડરાવવા માટે મોકલવામાં આવે છે, જેથી તમે ગભરાઈને તરત કોઈ પગલું ભરી લો અને મેસેજ સાચો છે કે નકલી છે તે વિચારવા-તપાસવાની તક જ ન મળે.
RBIએ જણાવ્યા ત્રણ ગોલ્ડન રૂલ્સ
- સેન્ટ્રલ બેન્કના મેસેજમાં આવા સ્કેમથી બચવા માટે ત્રણ સરળ નિયમો જણાવવામાં આવ્યા છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે રોકાઓ, વિચારો અને પછી પગલું ભરો.
- તેનો અર્થ સ્પષ્ટ છે કે મેસેજ જોતા જ કોઈ પ્રતિક્રિયા ન આપો. પહેલા વાંચો, સમજો અને ત્યારબાદ કોઈ એક્શન લો. RBI ખાસ કરીને ચેતવણી આપે છે કે બેન્ક અને નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) KYC અપડેટ માટે લિંક મોકલતી નથી.
- જો કોઈ મેસેજ તમને એકાઉન્ટ બ્લોક થવાથી બચાવવા માટે કોઈ લિંક પર ક્લિક કરવાનું કહે છે, તો તેને જોખમની ઘંટડી માનવી જોઈએ.
- યુઝર્સે ક્યારેય પણ શંકાસ્પદ KYC લિંક પર ક્લિક કરવું જોઈએ નહીં અથવા OTP, PIN અને પાસવર્ડ જેવી માહિતી શેર કરવી જોઈએ નહીં. તેના બદલે, તેમણે પોતાની બેન્ક અથવા NBFCનો ઓફિશિયલ ચેનલો દ્વારા સંપર્ક કરવો જોઈએ અને ખરેખર KYC અપડેટ કરવાની જરૂર છે કે નહીં તે જાણવું જોઈએ.

