Smartphone Tips: સ્માર્ટફોન આજે આપણા જીવનનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે. આપણે આપણા અનેક જરૂરી કામો આની મદદથી જ કરીએ છીએ. જોકે, ઘણીવાર આપણો સ્માર્ટફોન પાણીમાં પડીને ભીનો થઈ જાય છે. સ્માર્ટફોન ભીનો થયા પછી લોકો ઉતાવળમાં તેને સાફ કરવા માટે એવી ભૂલો કરી બેસે છે, જેના કારણે ફોન કાયમ માટે બગડી જાય છે. વરસાદ, બાથરૂમ, સ્વિમિંગ પૂલ કે કિચન – ગમે ત્યાં ફોન ભીનો થવાની શક્યતા રહેલી છે.
સ્માર્ટફોન ભીનો થવાથી તેના અંદરના સર્કિટ, બેટરી અને ડિસ્પ્લેને ગંભીર નુકસાન થઈ શકે છે. આથી, સ્માર્ટફોન ભીનો થાય ત્યારે શું કરવું જોઈએ તેની સાચી જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે. જો સમયસર સાચા પગલાં લેવામાં આવે તો સ્માર્ટફોનને મોટા નુકસાનથી બચાવી શકાય છે.
ભીનો ફોન તરત ચાલુ ન કરો
ઘણીવાર જોવા મળે છે કે લોકો ભીના થયેલા ફોનને તરત જ ઓન (On) કરવાની કોશિશ કરે છે. આવું કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે અને ફોન કાયમી ધોરણે ખરાબ થઈ શકે છે. જો ફોન પાણીમાં પડી ગયો હોય, તો સૌથી પહેલા તેને તરત જ સ્વિચ ઓફ કરવો જોઈએ. પાવર બટન દબાવતા પહેલા ખાતરી કરી લો કે ફોન બહારથી સુકાઈ ગયો છે.
હેર ડ્રાયર કે હીટરનો ઉપયોગ ટાળો
ફોનને જલ્દી સુકવવા માટે ઘણા લોકો હેર ડ્રાયર કે હીટરનો ઉપયોગ કરે છે, જે એક મોટી ભૂલ છે. અતિશય ગરમીથી ફોનની અંદરના નાજુક ઇલેક્ટ્રોનિક ભાગો પીગળી શકે છે અથવા ગંભીર રીતે નુકસાન પામી શકે છે.
ચાર્જિંગ અને એસેસરીઝનું ધ્યાન
સ્માર્ટફોન ભીનો હોય ત્યારે તેને ચાર્જિંગમાં મૂકવો અત્યંત જોખમી છે. ચાર્જિંગ પોર્ટમાં ભેજ હોવાને કારણે કરંટ સીધો સર્કિટ સુધી પહોંચી શકે છે. ફોન ભીનો થતા જ તેમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ તરત જ કાઢી લેવા જોઈએ. ત્યારબાદ તેને ચોખાના ડબ્બામાં રાખી શકાય છે, જે ભેજ શોષવામાં આંશિક મદદ કરી શકે છે.
સર્વિસ સેન્ટરની મુલાકાત લો
જો સ્માર્ટફોન પૂરેપૂરો પાણીમાં ડૂબી ગયો હોય, તો તેને અધિકૃત સર્વિસ સેન્ટર પર લઈ જઈને ચેક કરાવવો જોઈએ. ઘણીવાર અંદર રહેલો ભેજ આંખોથી દેખાતો નથી, પરંતુ તે ધીમે ધીમે ફોનને અંદરથી સડો લગાડે છે. સમયસર સર્વિસ સેન્ટર પર બતાવવાથી ભવિષ્યના મોટા ખર્ચ અને નુકસાનથી બચી શકાય છે.

