WhatsApp Subscription Plan: દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેટા (Meta) એક સબસ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહી છે, જે યુઝર્સને જાહેરાત-મુક્ત (Ad-free) અનુભવ આપવા માટે રજૂ કરવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે યુઝર્સને વોટ્સએપ સ્ટેટસ અને ચેનલમાં જાહેરાતો ન જોવા માટે આ સબસ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડી શકે છે. સાથે જ ઇન્સ્ટાગ્રામ પર પણ યુઝર્સને કેટલાક પ્રીમિયમ ફીચર્સ મળી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે વધુ સત્તાવાર માહિતી સામે આવી નથી.
વધુ પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી
ટેકક્રંચના એક અહેવાલ મુજબ, મેટા પ્લેટફોર્મ્સ આગામી મહિનાઓમાં પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ એપ્સ પર નવા સબસ્ક્રિપ્શન મોડલનું ટેસ્ટિંગ કરવા જઈ રહી છે. મેટાના પ્રવક્તાએ પણ આ અહેવાલની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યું છે કે આ સબસ્ક્રિપ્શન દ્વારા યુઝર્સને વધુ ફીચર્સ અને બહેતર AI ફીચર્સ મળશે. આનાથી પેઇડ યુઝર્સની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી વધારવામાં મદદ મળશે.
મુખ્ય અને જરૂરી ફીચર્સ રહેશે ફ્રી
રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે મેટાએ પુષ્ટિ કરી છે કે આ સબસ્ક્રિપ્શન ટેસ્ટિંગ આગામી મહિનાઓમાં કેટલાક પસંદગીના દેશો અને વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે. હાલમાં કંપનીએ સબસ્ક્રિપ્શનની કિંમત અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ એ સ્પષ્ટ કર્યું છે કે એપ્સના મુખ્ય અને જરૂરી ફીચર્સ ફ્રી જ રહેશે. રિપોર્ટ અનુસાર, આ સુવિધા ધીરે-ધીરે લાગુ કરવામાં આવશે. સાથે જ, શરૂઆતમાં જ્યાં ટેસ્ટિંગ થશે ત્યાંથી મળનારા યુઝર ફીડબેક નક્કી કરશે કે કંપની આખરે યુઝર્સને કયા કયા ફીચર્સ ઓફર કરશે.
ઇન્સ્ટાગ્રામ પર મળી શકે છે આ ફીચર્સ
રિપોર્ટ મુજબ, નવું સબસ્ક્રિપ્શન મોડલ કેટલાક ખાસ અને એક્સક્લુઝિવ ટૂલ્સ અને નવો અનુભવ લાવી શકે છે. જેમાં એનોનિમસ સ્ટોરી વ્યુ (Anonymous Story View), AI ની મદદથી ક્રિએટિવ ફીચર્સ, જેમ કે એડવાન્સ વીડિયો એડિટિંગ અને કન્ટેન્ટ જનરેશન જેવા અનેક ફીચર્સ આવી શકે છે. આ સિવાય, પેઇડ સબસ્ક્રિપ્શનમાં વધુ સારી પ્રાઇવસી અને વધુ કંટ્રોલના વિકલ્પો પણ મળી શકે છે, જેનાથી યુઝર પોતાના એકાઉન્ટ અને ઇન્ટરેક્શનને વધુ સારી રીતે મેનેજ કરી શકશે.

