Zero Depreciation Insurance: ઝીરો ડેપ્રિસિએશન (Zero Dep) અથવા નિલ ડેપ્રિસિએશન એ એક એવો એડ-ઓન છે, જે તમારી કાર ઇન્શ્યોરન્સ ક્લેમમાં પાર્ટ્સની ઉંમર મુજબ થતા ઘટાડાને દૂર કરે છે. એટલે કે જો કોઈ પાર્ટ બદલવામાં આવે, તો તમને તેના પૂરા પૈસા મળે છે અને ઘસારો (ડેપ્રિસિએશન) કાપવામાં આવતો નથી. સામાન્ય પોલિસીમાં પાર્ટ્સ જૂના થવા પર ક્લેમની રકમ ઓછી કરી દેવામાં આવે છે, જ્યારે Zero Dep આ કપાતને હટાવી દે છે.
Zero Dep બધું જ કવર કરે છે
Zero Dep લેવાથી દરેક નુકસાનના ૧૦૦% પૈસા મળે છે, તે સંપૂર્ણપણે ભ્રમ છે. હકીકત એ છે કે તે માત્ર પાર્ટ્સના ડેપ્રિસિએશનને હટાવે છે. તે ઓઇલ, બ્રેક ફ્લુઇડ જેવી કન્ઝ્યુમેબલ વસ્તુઓ, કમ્પલ્સરી ડિડક્ટિબલ (ફરજિયાત કપાત), એન્જિનનું નોર્મલ ડેમેજ અને ઘસારો જેવી વસ્તુઓને કવર કરતું નથી.
તે ઇન્શ્યોરન્સમાં આપોઆપ સામેલ હોય છે
કોમ્પ્રિહેન્સિવ પોલિસીની સાથે Zero Dep આપોઆપ આવે છે તે વાત પણ એક ભ્રમ છે. તમારે તેને અલગથી જોડવું પડે છે અથવા રિન્યુઅલ સમયે પસંદ કરવું પડે છે. તે પોતાની મેળે સામેલ થતું નથી.
તે ખૂબ મોંઘું હોય છે
Zero Dep ખૂબ મોંઘું છે અને ખરીદવું ફાયદાકારક નથી, એવું નથી. આનાથી પ્રીમિયમ થોડું વધે છે (આશરે ૧૫-૨૦%), પરંતુ જો અકસ્માતમાં પાર્ટ્સ બદલવા પડે તો તમને ક્લેમની રકમ ઘણી વધારે મળે છે. મોંઘી અથવા નવી કાર ધરાવતા લોકો માટે આ ઘણું લાભદાયક સાબિત થાય છે.
તે માત્ર નવી કારો માટે હોય છે
એવું નથી કે તે માત્ર નવી જ કારો માટે હોય છે. જોકે, તે નવી અથવા ૫ વર્ષ સુધીની કારો માટે સૌથી વધુ ફાયદાકારક છે. કેટલીક કંપનીઓ તો આ કવર ૭ વર્ષ સુધીની કાર માટે પણ આપે છે.
આના પર અમર્યાદિત ક્લેમ કરી શકાય છે
Zero Dep હોવા પર ગમે તેટલી વાર ક્લેમ કરી શકાય છે, તેવું પણ નથી. સત્ય એ છે કે મોટાભાગની કંપનીઓ વર્ષમાં માત્ર ૧-૨ વાર જ Zero Dep ક્લેમની મંજૂરી આપે છે. ત્યારબાદ સામાન્ય કપાતના નિયમો લાગુ પડે છે.

