BRICS માં આવતા વર્ષથી 6 નવા દેશો જોડાશે
BRICS માં આવતા વર્ષથી 6 નવા દેશો જોડાશે
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચાલી રહેલી 15મી BRICS સમિટમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. BRICS હાલના સભ્ય દેશો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા ઉપરાંત હવે આ ગ્રુપમાં નવા 6 દેશો સામેલ થશે. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, આર્જેન્ટિના, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા આગામી 1લી જાન્યુઆરી, 2024થી સત્તાવાર રીતે આ જૂથના સભ્ય બની જશે.
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ જોહાનિસબર્ગથી 15મી BRICS સમિટના પરિણામોની જાહેરાત કરી.તેમણે કહ્યું કે, “અમે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને બ્રિક્સના પૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરવા માટે એક કરાર પર પહોંચ્યા છીએ. સભ્યપદ જાન્યુઆરી 2024 થી અમલમાં આવશે.”
રામાફોસાની જાહેરાત બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ છ દેશોનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, “ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું છે. ભારત હંમેશા માને છે કે નવા સભ્યો ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે. બદલાતા સમયના અનુરૂપ બદલવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બ્રિક્સના 6 નવા સભ્ય દેશો સાથે ભારતના સારા સંબંધો છે.
નોંધનીય છે કે ચીને બ્રિકસ દેશોમાં પાકિસ્તાનને સામેલ કરવાના હિમાયત કરી હતી, જેને કારણે રાજદ્વારી તાણવ ઉભો થયો હતો. પાકિસ્તાનને સમાવવાની ભલામણ પાછળ ચીનનો તર્ક હતો કે સભ્ય પદનો વિસ્તાર કરવાથી વિકાસશીલ રાષ્ટ્રો સમાવવા જોઈએ. જોકે અન્ય સભ્યો દેશો ચીન સાથે સહમત થયા ન હતા.
