Africa ecosystem energy loss: આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટેના વિચાર-વિમર્શ કરવાના હેતુસર COP (કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ)ની 30મી વાર્ષિક બેઠક ‘COP30’ આ જ મહિનામાં બ્રાઝિલમાં યોજાવા જઈ રહી છે. (COPમાં જોડાયેલા 200 દેશોને પાર્ટીઝ કહેવામાં આવે છે). આવા માહોલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના નેતૃત્વમાં થયેલા એક નવા અભ્યાસ દ્વારા જાણવામાં આવ્યું છે કે, આફ્રિકાની ઇકોસિસ્ટમ્સ તેમની કુદરતી ‘ઊર્જા’ના ત્રીજા કરતાં વધુ ભાગ ગુમાવી ચૂકી છે!
‘નેચર’ જર્નલમાં પ્રકાશિત થયેલું ‘ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ’ બાબતનું આ સંશોધન દર્શાવે છે કે આફ્રિકા ખંડના પર્યાવરણમાંથી મોટા પ્રાણીઓની વસ્તી ઘટવાથી ખંડની જૈવિક ઊર્જાના પ્રવાહમાં ભારે કમી આવી છે. આ મુદ્દો વૈશ્વિક સ્તરે ચિંતા ઉપજાવે એવો છે.
શું છે ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ?
‘ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ’ (ઇકોસિસ્ટમ્સનું ઊર્જાશાસ્ત્ર)એ જીવનના પ્રવાહને સમજવાની નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિ ખાદ્યશૃંખલામાંથી પસાર થતી ઊર્જાના પ્રવાહને માપે છે. છોડ સૂર્યપ્રકાશની મદદથી ખોરાક બનાવે અને ફૂલેફાલે, એ ખાઈને શાકાહારી જીવો વિકસે અને એવા જીવોનું ભક્ષણ માંસાહારી જીવો કરે. પર્યાવરણમાં આ આહારશૃંખલા સતત ચાલતી રહે છે. છોડમાંથી શાકાહારી પ્રાણીઓમાં અને ત્યાંથી માંસાહારી પ્રાણીઓમાં ઊર્જા કેવી રીતે વહે છે, એનો અભ્યાસ તે ઇકોસિસ્ટમ એનર્જેટિક્સ. આ ઊર્જા રૂપકાત્મક નથી, પણ ઇકોસિસ્ટમ્સનું વાસ્તવિક ચાલકબળ છે, જે એક જીવમાંથી બીજા જીવમાં પસાર થતાં પોષક તત્વોના ચક્ર, બીજના વહન અને પાણીના સંચય જેવી મહત્ત્વપૂર્ણ ક્રિયાઓ ચલાવે છે.
લાખો સ્થળોના અભ્યાસને અંતે ચોંકાવનારા તારણો મળ્યા
વિવિધ ઈકોસિસ્ટમમાં એના જીવ-ઘટકો અલગઅલગ હોય છે. જેમ કે, ગીચ જંગલમાં વસતા જીવોની આહારશૃંખલા અલગ હોય, દરિયાના ખારા પાણીમાં આહારશૃંખલા અલગ હોય અને નદી-તળાવની આહારશૃંખલા પણ અલગ હોય. ઓક્સફોર્ડની ટીમે સમગ્ર આફ્રિકા ખંડના 3,17,000થી વધુ સ્થળોએ વસતી 3,000થી વધુ પ્રજાતિઓના જીવન અને આહાર સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરીને ત્યાંની ‘ઇકોસિસ્ટમ્સનું ઊર્જાશાસ્ત્ર’ તૈયાર કર્યું છે, જેના તારણો ચોંકાવનારા અને ચિંતાજનક છે.
ઇકોસિસ્ટમના અદૃશ્ય ઇજનેરો ‘મેગાફૌના’ છે
મેગાફૌના એટલે વિશાળકાય સસ્તન પ્રાણીઓ. ઓક્સફોર્ડના અભ્યાસનું સૌથી ચિંતાજનક તારણ એ છે કે, હાથી, ગેંડા અને સિંહ જેવા આફ્રિકાના મેગાફૌનાની વસ્તી ઘટવાથી ઇકોસિસ્ટમ્સમાં તેમનો ફાળો ખૂબ ઘટી ગયો છે. અભ્યાસના મુખ્ય લેખક ડો. ટાય લોફ્ટ કહે છે કે, ‘મોટા જંગલી પ્રાણીઓ ઇકોસિસ્ટમ્સના ઇજનેરો છે. તેમનો ફાળો એટલો મોટો હોય છે કે, તેમના પ્રદાનની કમી નાની પ્રજાતિના પ્રાણીઓ અથવા પાલતુ પશુઓ દ્વારા પૂરી શકાતી નથી.’
મેગાફૌનાનું સ્થાન અન્ય પ્રાણીઓએ લઈ લીધું
ભૂતકાળમાં હાથી, ગેંડા અને સિંહ જેવા પ્રાણીઓ જ આફ્રિકાની કુદરતી પ્રણાલીઓને શક્તિ આપતા હતા. છેલ્લા પચાસેક વર્ષમાં તેમની વસ્તીમાં ખાસ્સો ઘટાડો થવાથી આફ્રિકાના વન્યજીવનની ‘ઊર્જા’માં એક તૃતીયાંશનો ઘટાડો થઈ ગયો છે અને ત્યાંની ઇકોસિસ્ટમ્સના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. હવે તેમનું સ્થાન કાળિયાર અને ઉંદર જેવા નાના સસ્તન પ્રાણીઓ તથા પક્ષીઓએ લઈ લીધું છે, પણ મેગાફૌનામાં ઇકોસિસ્ટમ્સને ચલાવવા માટેની જે શક્તિ હોય છે, એટલી શક્તિ આ નાના જીવો ધરાવતા નથી.
ઇકોસિસ્ટમ્સને બચાવવા માટે શું કરી શકાય?
આફ્રિકામાં જે પર્યાવરણીય નુકસાન થયું છે, એ અન્ય ખંડો માટે પણ ચેતવણી સૂચક છે. જે-તે પ્રજાતિના ઇકોસિસ્ટમમાંના પ્રદાનને આપણે નહીં સમજીશું તો જૈવિક ઊર્જાનું આ અસંતુલન ભવિષ્યમાં સમગ્ર પૃથ્વી માટે નુકસાનકારક સાબિત થશે. એની ગંભીર અસર ખેતઉત્પાદનો અને પરિણામે માનવાઆહારની સુલભતા પર પણ પડશે. ઇકોસિસ્ટમ્સને બચાવવા માટે નીચેના પગલાં ભરવા જોઈએ.
– જે-તે દેશની સરકારે પોતાના દેશની ઇકોસિસ્ટમ્સને સમજવી પડશે. કઈ ઇકોસિસ્ટમમાં કયા જીવનું કેટલું પ્રદાન છે, એ સમજવું પડશે. એ મુજબ સૌથી મહત્ત્વપૂર્ણ જીવોનું સંરક્ષણ-સંવર્ધન કરીને ઇકોસિસ્ટમને બચાવી શકાય.
– કુદરતી સંસાધનોનો બેફામ વિનાશ અટકાવશું તો વન્યજીવો ટકશે અને તો જ ઇકોસિસ્ટમ જળવાશે. વિકાસની દોડમાં આંધળી થઈ ગયેલી માનવજાતે આ સમગ્ર ચક્રને સમજીને આગળ વધવું પડશે.
– વૈશ્વિક તાપમાનમાં થતા વધારાને મર્યાદિત રાખવા માટે દુનિયાભરના દેશોએ પ્રયત્નશીલ થવું પડશે.
– માણસજાતે ઊર્જાના વપરાશમાં કમી લાવીને ઊર્જાસ્ત્રોતોને બચાવવા પડશે.
– માનવીએ આહાર પ્રણાલીઓમાં પણ પરિવર્તન લાવીને એવી પ્રણાલીઓ અપનાવવી જોઈએ, જેનાથી પર્યાવરણનું સંતુલન હદપાર ન ખોરવાય.
ભારતમાં વન્યજીવનની સ્થિતિ કેવી છે?
આફ્રિકાની જેમ જ, ભારતમાં પણ વન્યજીવનના ઘટાડાની સ્થિતિ ગંભીર બની રહી છે. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF)ના ‘લિવિંગ પ્લેનેટ રિપોર્ટ 2024’ મુજબ, 1970 થી 2020ના સમયગાળામાં વૈશ્વિક સ્તરે વન્યજીવનની વસ્તીમાં 73%નો ઘટાડો થયો છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો, ગીધ જેવી મહત્ત્વપૂર્ણ પ્રજાતિઓની સંખ્યામાં નાટકીય ઘટાડો નોંધાયો છે. ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ (BNHS) દ્વારા 2022માં કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, સફેદ-રમ્પ્ડ ગીધ(જીપ્સ બેંગાલેન્સિસ)ની વસ્તીમાં 67%, ભારતીય ગીધ(જીપ્સ ઇન્ડિકસ)ની વસ્તીમાં 48% અને પાતળી ચાંચવાળા ગીધ(જીપ્સ ટેનુઇરોસ્ટ્રિસ)ની વસ્તીમાં 89% નો ચિંતાજનક ઘટાડો થયો છે. ગીધ પર્યાવરણના સફાઈકર્મી તરીકે કામ કરતા હોવાથી તેમની વસ્તીમાં ઘટાડો ઇકોસિસ્ટમ્સ માટે એક ગંભીર ખતરો છે.
અમુક વન્યક્ષેત્રે ઉત્સાહવર્ધક પરિણામો મળ્યા છે
ભારતના કેટલાક વન્યક્ષેત્રોમાં સંરક્ષણના પ્રયાસોને સફળતા પણ મળી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય(MoEF&CC)ના પ્રયાસોને લીધે દેશમાં વાઘોની સંખ્યા 2018ના આંક 2,967થી વધીને 3,682 થઈ છે, જે એક નોંધપાત્ર સુધારો છે. એ જ રીતે, ભારતે પહેલીવાર સ્નો લેપર્ડની વસ્તીનું મૂલ્યાંકન કર્યું છે, જેમાં 718 જીવોનો આશાસ્પદ આંકડો સામે આવ્યો છે.
વન્યજીવોનું રક્ષણ એટલે પૃથ્વીને જાળવી રાખવાની ગુરુચાવી
આફ્રિકાના અને વિશ્વના અન્ય ક્ષેત્રોમાં વન્યજીવોની વસ્તીમાં થઈ રહેલા ઘટાડા પૃથ્વીના અને માનવજાતના અસ્તિત્વ સામે ખતરાની ઘંટડી સમાન છે. ઇકોસિસ્ટમ્સના ઊર્જાશાસ્ત્રમાં થઈ રહેલા નુકસાનને પુનર્સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે, કેમ કે વન્યજીવનનું રક્ષણ એ ફક્ત કુદરતી સુંદરતા જાળવી રાખવાનું પગલું નથી, પણ પૃથ્વીને વસવાટ-યોગ્ય બનાવી રાખવાની ગુરુચાવી છે.

